Lilva Kachori recipe: શિયાળાની ઋતુમાં બજારમાં તાજા લીલવા સરળતાથી મળી રહે છે. લીલવામાંથી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે, જેમાં લીલવાની કચોરી પણ ખાસ લોકપ્રિય છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી મસાલેદાર સ્ટફિંગવાળી આ કચોરી ચા સાથે નાસ્તામાં ખાવાની મજા જ અલગ છે. તો ચાલો જાણીએ ઘરે લીલવાની કચોરી બનાવવાની રીત.
લીલવાની કચોરી બનાવવા માટેની સામગ્રી
કચોરીના લોટ માટે
- 2 કપ મેંદો
- 2 ચમચી તેલ અથવા ઘી
- સ્વાદ પ્રમાણે મીઠું
- જરૂર મુજબ પાણી
સ્ટફિંગ માટે
- 1 કપ લીલવા
- 2 ચમચી લીલા ધાણા
- 2 લીલા મરચાં
- 1 ચમચી આદુની પેસ્ટ
- અડધી ચમચી વરિયાળીનો ભૂકો
- અડધી ચમચી ધાણાજીરું
- ચપટી હિંગ
- અડધી ચમચી ગરમ મસાલો
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચમચી ખાંડ
- 2 ચમચી તેલ
લીલવાની કચોરી બનાવવાની રીત
સૌપ્રથમ એક વાસણમાં મેંદો, મીઠું અને તેલ અથવા ઘી ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યારબાદ થોડું-થોડું પાણી ઉમેરીને નરમ લોટ બાંધી લો. લોટને ઢાંકીને 15થી 20 મિનિટ માટે બાજુ પર રાખો.
હવે લીલવાને સાફ કરીને ધોઈ લો અને મિક્સરમાં અધકચરા પીસી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ, આદુની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરો. ત્યારબાદ પીસેલા લીલવા ઉમેરીને મધ્યમ આંચ પર સાંતળો.
હવે તેમાં ધાણાજીરું, વરિયાળીનો ભૂકો, ગરમ મસાલો, મીઠું અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરો. સ્ટફિંગનું પાણી બળી જાય અને મિશ્રણ થોડું સૂકું થાય એટલે તેમાં લીલા ધાણા ઉમેરી ગેસ બંધ કરી દો. સ્ટફિંગને ઠંડું થવા દો.
ત્યારબાદ બાંધેલા લોટના નાના લૂઆ બનાવીને પૂરી જેવો વણી લો. તેની વચ્ચે તૈયાર કરેલું લીલવાનું સ્ટફિંગ ભરીને કિનારીઓને બરાબર બંધ કરી દો. હળવા હાથે દબાવીને કચોરીનો આકાર આપો.
છેલ્લે કડાઈમાં તેલ ગરમ કરી ધીમીથી મધ્યમ આંચ પર કચોરીને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે ગરમાગરમ લીલવાની કચોરી. તેને લીલી ચટણી અથવા આમલીની ચટણી સાથે સર્વ કરો.
