White clothes cleaning tips: સફેદ કપડાં પહેરવાનો ક્રેઝ ક્યારેય ઓછો થતો નથી. ઓફિસ હોય, કેઝ્યુઅલ આઉટિંગ હોય કે પછી કોઈ ખાસ પ્રસંગ, વ્હાઇટ આઉટફિટ હંમેશા એક ક્લાસી લુક આપે છે. પરંતુ, આ સુંદરતાની સાથે એક મોટી આફત પણ જોડાયેલી છે 'ડાઘ લાગવાનો ડર'. સફેદ કપડાં પર જો ભૂલથી પણ ચા, કોફી કે શાકના પીળા ડાઘા પડી જાય, તો ટેન્શન વધી જાય છે. મોંઘા ડિટર્જન્ટ કે કેમિકલ યુક્ત ડ્રાયક્લીનિંગ પાછળ પૈસા ખર્ચવાને બદલે, તમે રસોડાની જ 3 અકસીર વસ્તુઓથી આ જીદ્દી ડાઘા ચપટીમાં ગાયબ કરી શકો છો. અહીં જાણો સફેદ કપડાંને ફરીથી નવા જેવા ચમકાવવાની સરળ હોમ રેમેડીઝ:
લીંબુ અને બેકિંગ સોડા
જો કપડાં પર હળદર, શાક કે ચાના તાજા ડાઘ પડ્યા હોય, તો બેકિંગ સોડા અને લીંબુનું કોમ્બિનેશન બેસ્ટ રિઝલ્ટ આપે છે. તમારે એક નાની વાટકીમાં એક ચમચી બેકિંગ સોડા લો અને તેમાં થોડો લીંબુનો રસ ઉમેરી ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટને ડાઘા વાળા ભાગ પર સરખી રીતે લગાવી દો અને ૧૫ થી ૨૦ મિનિટ માટે સુકાવા દો. ત્યારબાદ, જૂના ટૂથબ્રશ અથવા સોફ્ટ બ્રશથી હળવા હાથે ઘસીને કપડાંને નોર્મલ પાણીથી ધોઈ લો. ડાઘ ગાયબ થઈ જશે.
સફેદ વિનેગરનો જાદુ
જો ડાઘા જૂના અને સુકાઈ ગયેલા હોય, તો વ્હાઇટ વિનેગર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે કપડાના રેસામાંથી ડાઘ અને દુર્ગંધ બંનેને સરળતાથી દૂર કરે છે. તમારે એક ડોલમાં થોડું નવશેકું પાણી લેવાનું અને તેમાં અડધો કપ સફેદ વિનેગર ઉમેરો. ડાઘા વાળા કપડાંને આ પાણીમાં અડધો કલાક માટે પલાળી રાખો. સમય પૂરો થયા પછી, નિયમિત ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરીને કપડું ધોઈ લો. કપડાની સફેદી પાછી આવી જશે.
સ્માર્ટ ટિપ્સ
ડાઘા ક્યારેય સુકાવા ન દો. જેવી ચા કે શાકભાજી કપડા પર ઢોળાય, તરત જ તે ભાગને વહેતા પાણી નીચે રાખીને સાફ કરી લો. આનાથી ડાઘ કાપડમાં ઊંડે સુધી બેસશે નહીં.
સિલ્ક કે નયલોન જેવા નાજુક કપડાં પર સીધું લીંબુ કે વિનેગર વાપરતા પહેલાં, કપડાના અંદરના કે છુપાયેલા ભાગ પર થોડો પ્રયોગ કરી જુઓ.
કપડાં પર આપેલા સફાઈના નિર્દેશો હંમેશા વાંચો, જેથી મોંઘા કપડાં કેમિકલ કે બ્લીચના કારણે ફાટી કે બગડી ન જાય.
આ સરળ અને સસ્તા ઘરેલું નુસખા અપનાવીને તમે તમારા સફેદ કપડાંની ચમક લાંબા સમય સુધી જાળવી રાખી શકો છો અને ડાઘાના ટેન્શનથી મુક્તિ મેળવી શકો છો!
