Mitha Shakkarpara: દિવાળી માટે ઘરે જ બનાવો મીઠા શક્કરપારા, જાણો બનાવવાની સરળ રીત

દિવાળીના તહેવારમાં ઘરે જ બનાવો મીઠા અને ક્રિસ્પી શક્કરપારા. જાણો લોટ બાંધવાથી લઈને તળવાની સંપૂર્ણ સરળ રીત.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 03 Nov 2026 11:08 AM (IST)Updated: Tue, 03 Nov 2026 11:08 AM (IST)
how-to-make-sweet-shakkarpare-at-home-for-diwali

Mitha Shakkarpara recipe: દિવાળીનો તહેવાર નજીક આવતાં જ ઘરમાં મીઠાઈ અને નાસ્તા બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. બજારમાંથી મીઠાઈ ખરીદવાને બદલે જો આ વખતે ઘરે જ કંઈક સ્વાદિષ્ટ અને લાંબા સમય સુધી સાચવી શકાય એવો નાસ્તો બનાવવો હોય તો મીઠા શક્કરપારા એક ઉત્તમ વિકલ્પ છે. મેંદો, ઘી અને ખાંડ જેવી સામાન્ય સામગ્રીમાંથી બનતા શક્કરપારા ખાવામાં એકદમ મીઠા અને કરકરા લાગે છે. ખાસ વાત એ છે કે એકવાર બનાવીને હવાચુસ્ત ડબ્બામાં ભરી રાખો તો દિવાળીના દિવસોમાં ચા સાથે પણ તેનો આનંદ માણી શકાય છે. તો ચાલો જાણીએ ઘરે જ બજાર જેવા મીઠા શક્કરપારા બનાવવાની રીત.

મીઠા શક્કરપારા બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ મેંદો
  • અડધો કપ ખાંડ
  • ¼ કપ ઘી
  • અડધો કપ દૂધ
  • ¼ ચમચી એલચી પાવડર
  • તળવા માટે તેલ અથવા ઘી

મીઠા શક્કરપારા બનાવવાની રીત

સૌપ્રથમ એક મોટા વાસણમાં મેંદો ચાળી લો. હવે તેમાં ઘી ઉમેરીને હાથથી બરાબર મિક્સ કરો. મેંદાને મુઠ્ઠીમાં દબાવવાથી તે બંધાઈ જાય તો સમજવું કે ઘીનું મોણ બરાબર પડ્યું છે. હવે એક અલગ વાસણમાં દૂધ હૂંફાળું ગરમ કરી તેમાં ખાંડ ઉમેરો અને ખાંડ સંપૂર્ણ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. દૂધ વધારે ગરમ ન હોવું જોઈએ. ત્યારબાદ આ મિશ્રણને ધીમે ધીમે મેંદામાં ઉમેરો અને એલચી પાવડર નાખીને થોડો કઠણ અને મુલાયમ લોટ બાંધી લો. લોટ વધારે નરમ ન રાખવો, નહીં તો શક્કરપારા તળતી વખતે તેમનો આકાર બગડી શકે છે. લોટ તૈયાર થઈ જાય એટલે તેને ઢાંકીને 15થી 20 મિનિટ માટે બાજુ પર રહેવા દો.

હવે લોટને ફરી એકવાર થોડો મસળી લો અને તેના સરખા ભાગ કરી લો. એક ભાગ લઈને તેને વેલણની મદદથી મધ્યમ જાડી રોટલીની જેમ વણી લો. ધ્યાન રાખો કે રોટલી બહુ પાતળી ન હોવી જોઈએ, કારણ કે શક્કરપારા જાડા હશે તો ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગશે. હવે છરી અથવા કટરથી રોટલીને લાંબી પટ્ટીઓમાં કાપો અને ત્યારબાદ નાના ચોરસ અથવા ડાયમંડ આકારના ટુકડા કરી લો. આ જ રીતે બાકીના લોટમાંથી પણ શક્કરપારા તૈયાર કરી લો.

ત્યારબાદ એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમીથી મધ્યમ રાખો અને તેમાં થોડા થોડા શક્કરપારા ઉમેરો. એકસાથે વધારે શક્કરપારા નાખવાથી તે સરખી રીતે તળાશે નહીં. તેને ધીમે ધીમે હલાવતા રહો, જેથી બધી બાજુથી સરખા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી બને. શક્કરપારાને હંમેશાં ધીમી આંચ પર જ તળવા, જેથી તે અંદરથી પણ બરાબર ચડી જાય અને બહારથી કરકરા બને.

જ્યારે શક્કરપારા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેને કડાઈમાંથી બહાર કાઢીને ટિશ્યૂ પેપર પાથરેલી પ્લેટમાં મૂકી દો. બધા શક્કરપારા આ જ રીતે તળી લો અને તેને સંપૂર્ણ ઠંડા થવા દો. ગરમ શક્કરપારા તરત જ ડબ્બામાં ભરવા નહીં, કારણ કે તેનાથી તેમાં ભેજ આવી શકે છે અને તેની કરકરાપણું ઘટી શકે છે. સંપૂર્ણ ઠંડા થયા પછી તેને એરટાઇટ ડબ્બામાં ભરીને રાખો. આ રીતે ઘરે બનાવેલા મીઠા અને ક્રિસ્પી શક્કરપારા દિવાળીના તહેવારમાં મહેમાનોને પીરસવા માટે તૈયાર છે.