Ginger Pak Recipe: શિયાળામાં ઘરે જ બનાવો બજાર જેવો સ્વાદિષ્ટ આદુ પાક, નોંધી લો સામગ્રી અને પરફેક્ટ માપ

Ginger Pak Recipe: શિયાળામાં શરીરને ગરમાવો આપતા આદુ પાકને ઘરે જ બનાવો. જાણો આદુ પાક બનાવવાની સરળ રીત, જરૂરી સામગ્રી અને પરફેક્ટ માપ.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 18 Nov 2026 03:30 PM (IST)Updated: Wed, 18 Nov 2026 03:30 PM (IST)
how-to-make-adu-pak-at-home-easy-gujarati-ginger-pak-recipe-with-tips

Ginger Pak Recipe: શિયાળાની શરૂઆત થતાં જ બજારમાં આદુ પાક મળવા લાગે છે. આદુ, ગોળ, ઘી અને સૂકામેવાના મિશ્રણથી બનતો આદુ પાક સ્વાદમાં એકદમ મજેદાર હોય છે. ખાસ વાત એ છે કે તેને ઘરે પણ બજાર જેવો દાણેદાર અને સ્વાદિષ્ટ બનાવી શકાય છે. જો તમે પણ આ શિયાળામાં ઘરે આદુ પાક બનાવવાનું વિચારી રહ્યા છો, તો નોંધી લો તેની સામગ્રી અને બનાવવાની પરફેક્ટ રીત.

આદુ પાક રેસીપી (Adrak Pak Recipe in Gujarati)

આદુ પાક બનાવવા માટેની સામગ્રી (Ingredients)

  • આદુ – 250 ગ્રામ (લગભગ 1.5 કપ સમારેલું)
  • ઘી – 250 ગ્રામ
  • ગુંદર – 50 ગ્રામ (¼ કપ)
  • જાડો ઘઉંનો લોટ – 1 કપ
  • સૂકું નારિયેળ છીણેલું – ½ કપ (40 ગ્રામ)
  • તરબૂચના બીજ – 2 ટેબલસ્પૂન
  • સમારેલા કાજુ – ¼ કપ
  • સમારેલી બદામ – ¼ કપ
  • ગંઠોડાનો પાવડર – 1 ટેબલસ્પૂન
  • એલચી પાવડર – 1 ટીસ્પૂન
  • જાયફળ પાવડર – ½ ટીસ્પૂન
  • ગોળ – 250 ગ્રામ (લગભગ 1.5 કપ)
  • સજાવટ માટે ખસખસ અને બદામની કતરણ

આદુ પાક બનાવવાની રીત

સૌથી પહેલાં આદુને બરાબર ધોઈને તેની છાલ ઉતારી લો. ત્યારબાદ તેના નાના ટુકડા કરી મિક્સરમાં નાખો અને તેની એકદમ ઝીણી પેસ્ટ બનાવી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં આદુની પેસ્ટ ઉમેરીને ધીમા અથવા મધ્યમ તાપે સાંતળો. આદુની પેસ્ટમાંથી ઘી છૂટું પડવા લાગે અને તેનો રંગ થોડો બદલાય ત્યાં સુધી તેને શેકો. ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લો.

હવે એ જ કડાઈમાં થોડું ઘી નાખીને ગુંદર ઉમેરો. ધીમા તાપે ગુંદરને બરાબર ફુલાઈ જાય ત્યાં સુધી તળી લો. ગુંદર ફૂલી જાય એટલે તેને બહાર કાઢીને ઠંડો થવા દો અને પછી તેનો ભૂકો કરી લો.

ત્યારબાદ કડાઈમાં ઘી નાખીને જાડો ઘઉંનો લોટ ઉમેરો. ધીમા તાપે લોટને સતત હલાવતા રહો. લોટનો રંગ થોડો બદલાય અને તેમાંથી સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી તેને શેકો. હવે તેમાં અગાઉ તૈયાર કરેલી આદુની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

ત્યારબાદ ગેસ બંધ કરી દો. હવે તેમાં સૂકું નારિયેળ, તરબૂચના બીજ, સમારેલા કાજુ, બદામ, ગુંદરનો ભૂકો, ગંઠોડાનો પાવડર, એલચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરીને બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લો.

હવે એક અલગ કડાઈમાં બાકીનું ઘી ગરમ કરો અને તેમાં ગોળ નાખો. ધીમા તાપે ગોળને સતત હલાવતા ઓગાળો. ધ્યાન રાખો કે ગોળને વધારે ઉકાળવાનો નથી, માત્ર ઓગાળવાનો છે. ગોળ ઓગળી જાય એટલે તેને તૈયાર કરેલા આદુના મિશ્રણમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

હવે એક થાળીમાં થોડું ઘી લગાવી લો અને તેમાં તૈયાર કરેલું આદુ પાકનું મિશ્રણ સરખી રીતે પાથરી દો. ઉપરથી ખસખસ અને બદામની કતરણ નાખીને સજાવો. તેને 4થી 5 કલાક સુધી ઠંડું થવા દો. ત્યારબાદ મનપસંદ આકારમાં કટકા કરી લો.

બસ તૈયાર છે સ્વાદિષ્ટ અને દાણેદાર આદુ પાક. તેને એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો અને શિયાળામાં પરિવાર સાથે તેનો આનંદ માણી શકો છો.