glowing skin with malai: આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ સુંદર, આકર્ષક અને સ્વસ્થ ત્વચા મેળવવા ઈચ્છે છે. સારો દેખાવ મેળવવા માટે માત્ર મોંઘા અને સ્ટાઇલિશ કપડાં કે પગરખાં પૂરતા નથી, પરંતુ ચહેરાની કુદરતી ચમક પણ એટલી જ મહત્વપૂર્ણ છે. લોકો ઘણીવાર ચહેરા પર ત્વરિત ગ્લો લાવવા માટે બજારમાં મળતા મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચ કરે છે. આમ છતાં, ઘણીવાર ધાર્યું પરિણામ મળતું નથી અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના કારણે ત્વચાને નુકસાન થવાનું જોખમ પણ રહે છે.
જોકે, મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે મોંઘી બ્રાન્ડ્સના ઉત્પાદનોમાં જે ગુણો શોધવામાં આવે છે, તે તમામ ગુણો આપણા પોતાના રસોડામાં હાજર એક સાધારણ વસ્તુમાં છુપાયેલા છે. હા, રસોડામાં રોજ વપરાતી મલાઈ ત્વચાની અનેક સમસ્યાઓ જેવી કે નિસ્તેજતા, ટેનિંગ અને શુષ્કતાને જડમૂળથી દૂર કરવા માટે અજાયબી જેવું કામ કરી શકે છે.
મલાઈ ત્વચા માટે કેમ વરદાનરૂપ કેમ?
મલાઈમાં કુદરતી આલ્ફા-હાઇડ્રોક્સી એસિડ, ફેટ્સ અને ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. તે ત્વચાના ઊંડા સ્તરોમાં જઈને કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે. તેના નિયમિત ઉપયોગથી ચહેરાની ખોવાયેલી ચમક પાછી આવે છે, ત્વચા નરમ બને છે અને શુષ્કતાથી કાયમી છુટકારો મળે છે. તમારા ચહેરાની વિવિધ સમસ્યાઓ અનુસાર તમે મલાઈના નીચે મુજબના ફેસ પેક ઘરે સરળતાથી બનાવી શકો છો:
મલાઈ અને મધ ફેસ પેક
જો ઉનાળામાં અથવા બદલાતી ઋતુમાં તમારી ત્વચા અતિશય ડ્રાય થઈ જતી હોય, તો મલાઈ અને મધનું મિશ્રણ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. એક ચમચી તાજી મલાઈ લો અને તેમાં અડધી ચમચી શુદ્ધ મધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર બરાબર લગાવો. તેને 15 મિનિટ માટે સુકાવા દો અને ત્યારબાદ હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આ પેક ત્વચામાં લાંબા સમય સુધી ભેજ જાળવી રાખે છે.
મલાઈ અને હળદર પેક
હળદર સદીઓથી તેના એન્ટિ-બેક્ટેરિયલ અને ત્વચાનો રંગ નિખારવાના ગુણો માટે જાણીતી છે. એક ચમચી મલાઈમાં માત્ર એક ચપટી હળદર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને ચહેરા પર લગાવીને 10 થી 15 મિનિટ રહેવા દો અને પછી સાદા પાણીથી ધોઈ લો. આ પેક ચહેરાની કાળાશ અને નીરસતા દૂર કરી ત્વરિત ગોરાપણું આપે છે.
મલાઈ અને બેસન પેક
ઉનાળામાં તડકાને કારણે ચહેરો કાળો પડી ગયો હોય અથવા મૃત ત્વચા જમા થઈ ગઈ હોય તો ચણાનો લોટ રામબાણ ઈલાજ છે. એક ચમચી મલાઈમાં એક ચમચી બેસન ઉમેરી ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેકને ચહેરા પર લગાવો. જ્યારે તે હળવો સુકાઈ જાય, ત્યારે પાણીના ટીપાં લઈ ચહેરા પર ગોળાકારમાં હળવા હાથે સ્ક્રબ કરતાં-કરતાં તેને સાફ કરો. આનાથી ત્વચા એકદમ ગ્લોઈંગ અને સોફ્ટ બનશે.
મલાઈ અને ગુલાબજળ પેક
થાક અને પ્રદૂષણને કારણે જો ચહેરો નિર્જીવ દેખાતો હોય તો આ પેક બેસ્ટ ટોનર અને પેક બંનેનું કામ કરે છે. મલાઈ અને ગુલાબજળને સરખા ભાગે મિક્સ કરી લો. આ મિશ્રણને ચહેરા પર લગાવી 15 મિનિટ બાદ ધોઈ નાખો. આનાથી ત્વચા શાંત થાય છે અને ચહેરા પર ગુલાબી આભા આવે છે.
સાવચેતીઓ
કોઈપણ ફેસ પેક લગાવતા પહેલાં ચહેરાને ફેસવોશ કે પાણીથી બરાબર સાફ કરી લો. જો તમારી સ્કીન ખૂબ સેન્સિટિવ હોય, તો પહેલા ગરદન અથવા હાથ પર પેચ ટેસ્ટ જરૂર કરો. આ કુદરતી પેકનો ઉપયોગ અઠવાડિયામાં માત્ર 2 થી 3 વાર જ કરવો હિતાવહ છે, જેથી ત્વચા વધુ પડતી તૈલી ન થઈ જાય.
