High blood pressure ayurvedic remedies: આજના દોડધામભર્યા જીવનમાં તણાવ, ઓફિસ અને ઘરની જવાબદારીઓ, નબળી જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારને કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઝડપથી વધી રહી છે. હાઈ બ્લડ પ્રેશરને "સાયલન્ટ કિલર" કહેવામાં આવે છે, કારણ કે તેના લક્ષણો શરીરમાં ધીમે-ધીમે દેખાય છે, પરંતુ તે સ્ટ્રોક, હાર્ટ એટેક અને કિડની ફેલ્યોર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. ઘણા લોકો તેના નિયંત્રણ માટે એલોપેથીક દવાઓ લે છે, પરંતુ આયુર્વેદ પણ આ સમસ્યાનો સચોટ અને કુદરતી ઉકેલ પૂરો પાડે છે.
રૂદ્રપ્રયાગની સરકારી આયુર્વેદિક હોસ્પિટલના આયુર્વેદિક તબીબી અધિકારી ડૉ. દીપક રાવતના જણાવ્યા અનુસાર, આયુર્વેદમાં હાઈ બ્લડ પ્રેશરનું મુખ્ય કારણ શરીરમાં 'વાત' અને 'પિત્ત' દોષોનું અસંતુલન છે. આ અસંતુલન વધુ પડતો તણાવ, આહારમાં મીઠાનું વધુ પ્રમાણ અને ઊંઘના અભાવને કારણે થાય છે. આયુર્વેદિક ઔષધિઓ આ દોષોને સંતુલિત કરીને બ્ડ પ્રેશર નિયંત્રિત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરતી મુખ્ય આયુર્વેદિક ઔષધિઓ
અર્જુનની છાલ
હૃદયના દર્દીઓ માટે આ ઔષધિ આશીર્વાદ સમાન છે. તે હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને રક્ત પરિભ્રમણ સુધારીને બ્લડ પ્રેશરને કાબૂમાં રાખે છે.
ત્રિફળા
ત્રિફળા શરીરના ઝેરી તત્વો બહાર કાઢવામાં અને પાચનતંત્ર સુધારવામાં મદદ કરે છે. રાત્રે સૂતા પહેલા હૂંફાળા પાણી સાથે ત્રિફળા પાવડર લેવાથી બ્લડ પ્રેશર સંતુલિત રહે છે.
સર્પગંધા
હાઈ બ્લડ પ્રેશર માટે આ સૌથી પ્રચલિત અને અસરકારક આયુર્વેદિક દવા છે. તે નર્વસ સિસ્ટમને શાંત કરે છે અને માનસિક તણાવ ઘટાડે છે. જોકે, આનું સેવન હંમેશા ડૉક્ટરની સલાહ મુજબ જ કરવું જોઈએ, કારણ કે તેનું વધુ પડતું પ્રમાણ નુકસાનકારક થઈ શકે છે.
અશ્વગંધા
આ એક શક્તિશાળી એડેપ્ટોજેન છે જે સ્ટ્રેસ હોર્મોન્સને નિયંત્રિત કરી તણાવ ઘટાડે છે. અશ્વગંધા પાવડરને દૂધ સાથે અથવા કેપ્સ્યુલ સ્વરૂપે લેવાથી ફાયદો થાય છે.
તુલસી અને દૂધીનો રસ
સવારે ખાલી પેટે દૂધીના રસમાં તુલસીના પાન ઉમેરીને પીવાથી શરીરની ગરમી શાંત થાય છે. તુલસીમાં રહેલા એન્ટીઑકિસડન્ટ ગુણો રક્ત પ્રવાહને સુધારે છે.
હાઈ બ્લડ પ્રેશરના કાયમી સંચાલન માટે માત્ર દવાઓ પર નિર્ભર રહેવાને બદલે આયુર્વેદિક ઔષધિઓને જીવનશૈલીનો ભાગ બનાવવી જોઈએ. તેની સાથે સંતુલિત આહાર, નિયમિત યોગાસન, મીઠાનો મર્યાદિત ઉપયોગ અને પૂરતી ઊંઘ લેવી અત્યંત જરૂરી છે. કોઈપણ નવી આયુર્વેદિક ઔષધિ શરૂ કરતા પહેલા નિષ્ણાત આયુર્વેદિક ડૉક્ટરની સલાહ અચૂક લો.
