e-Passport India: ઈ-પાસપોર્ટ, જેને ઘણીવાર બાયોમેટ્રિક પાસપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આધુનિક ટેકનોલોજીથી સજ્જ મુસાફરી ડોક્યુમેન્ટ છે. દેખાવમાં તે અત્યારના પરંપરાગત પાસપોર્ટ જેવો જ લાગે છે, પરંતુ તેની અંદર રહેલી ટેકનોલોજી તેને વધુ સુરક્ષિત બનાવે છે.
ઈ-પાસપોર્ટ શું છે?
ઈ-પાસપોર્ટ એ પરંપરાગત પાસપોર્ટ બુકલેટનું અદ્યતન સ્વરૂપ છે. તેનો મુખ્ય તફાવત તેમાં જડિત એક નાનકડી અને સુરક્ષિત ઇલેક્ટ્રોનિક માઇક્રોચિપ છે. આ ચિપમાં પાસપોર્ટ ધારકની તમામ મહત્વની માહિતી ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત હોય છે, જેમ કે, ધારકની ડિજિટલ તસવીર, ફિંગરપ્રિન્ટ્સ (આંગળીઓના નિશાન) અને આંખની કીકીનો ડેટા (Iris scan).
ઈ-પાસપોર્ટના મુખ્ય ફાયદાઓ
ઈ-પાસપોર્ટ ટેકનોલોજી અપનાવવાથી પ્રવાસીઓને અને સુરક્ષા એજન્સીઓને અનેક ફાયદા થાય છે:
- વધારે સુરક્ષા: આ પાસપોર્ટની નકલ કરવી કે તેની અંદરના ડેટા સાથે છેડછાડ કરવી અત્યંત મુશ્કેલ છે. આથી, નકલી પાસપોર્ટના ગુનાઓ અટકાવવામાં તે ખૂબ મદદરૂપ થાય છે.
- ઝડપી ઇમિગ્રેશન પ્રક્રિયા: વિશ્વના ઘણા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હવે ઓટોમેટેડ "ઈ-ગેટ્સ" ઉપલબ્ધ છે. ઈ-પાસપોર્ટ ધારકો લાંબી ઇમિગ્રેશન લાઇનોમાં ઉભા રહ્યા વગર આ ગેટ્સ દ્વારા ઝડપથી ક્લિયરન્સ મેળવી શકે છે.
- વૈશ્વિક સ્વીકાર્યતા: તે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંસ્થા (ICAO) ના માપદંડો મુજબ તૈયાર કરવામાં આવે છે, જે તેને વિશ્વભરમાં માન્ય અને સ્વીકાર્ય બનાવે છે.
ઈ-પાસપોર્ટ કેવી રીતે કઢાવી શકાય?
સામાન્ય નાગરિકો માટે ઈ-પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ છે અને તેમાં હાલની પ્રક્રિયામાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી:
- 1) કોઈ અલગ ફોર્મની જરૂર નથી: તમારે ઈ-પાસપોર્ટ માટે કોઈ વિશેષ કે અલગ ફોર્મ ભરવાની જરૂર રહેતી નથી.
- 2) સામાન્ય અરજી: જ્યારે તમે નવા પાસપોર્ટ માટે અથવા જૂના પાસપોર્ટના રિન્યુઅલ માટે અરજી કરો છો, ત્યારે તે જ પ્રક્રિયા અનુસરવાની રહે છે.
- 3) સ્વયંસંચાલિત સુવિધા: જો તમારા પ્રદેશના પાસપોર્ટ ઓફિસમાં ઈ-પાસપોર્ટની સુવિધા શરૂ થઈ ગઈ હશે, તો તમને આપોઆપ ચિપ વાળો ઈ-પાસપોર્ટ જ ઈશ્યુ કરવામાં આવશે.
