Piles Treatment VIDEO: પાઈલ્સ અર્થાત હરસ, મસા (Hemorrhoids) એક ખૂબ જ સામાન્ય, પરંતુ પીડાદાયક સમસ્યા છે. જેમાં ગુદા કેનાલ પરની નસ પર સોજા આવી જાય છે. જેના પરિણામે દુખાવો, ખંજવાળ, બળતરા કે લોહી પડવા જેવી સમસ્યા થઈ શકે છે. આ સમસ્યા સામાન્ય રીતે ટૉઈલેટ જતી વખતે વધારે જોર લગાવવા પર,લાંબા સમય સુધી બેસેલા રહેવા પર કે પ્રેગ્નેન્સી દરમિયાન દબાણ વધવાના કારણે થતી હોય છે.કેટલાક કિસ્સાઓમાં પાઈલ્સ એની મેળે જ બેસી જતા હોય છે, પરંતુ ઘણી વખત સારવારની જરૂર પડતી હોય છે.
હંમેશા લોકો આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે દવાઓ કે ઘરગથ્થુ ઉપાયો અજમાવતા હોય છે, પરંતુ તાજેતરમાં ગેસ્ટ્રો એન્ટેરોલૉજિસ્ટ દ્વારા એક એવો સરળ ઉપાય જણાવવામાં આવ્યો છે, જે માત્ર પાંચ જ મિનિટમાં પાઈલ્સના દુખાવામાં આરામ આપી શકે છે,તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ…
સ્ટેનફોર્ડ અને UCLAમાં અભ્યાસ કરી ચૂકેલા ગેસ્ટ્રો એન્ટેરોલૉજિસ્ટ ડૉ. વેન્ડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, પાઈલ્સના દુખાવા દરમિયાન પગને થોડી મિનિટો સુધી ઉપર ઉઠાવવા ફાયદેમંદ થઈ શકે છે. આ સાથે જ તેમણે વીડિયોમાં દર્શાવ્યું છે કે, તેઓ સોફા પર સૂઈ રહ્યા છે અને તેમના પગ દિવાલને ટેકવીને રાખેલા છે.
આ પોઝિશનમાં તેમણે લગભગ પાંચ મિનિટ સુધી પગ ઉપર ઉઠાવીને રાખ્યા હતા. તેમનું કહેવું છે કે, આમ કરવાથી નસો પર પડતું દબાણ ઓછું થાય છે અને બ્લડ ફ્લો પણ હ્રદયની તરફ પરત જવા લાગે છે. જ્યારે આવું થાય, ત્યારે સોજા અને દુખાવામાં મોટી રાહત અનુભવાય છે.
આ એક સરળ અને નેચરલ રીત છે, જેને કોઈ પણ પોતાના ઘરે અજમાવી શકે છે. જેમાં કોઈ દવા કે અન્ય કોઈ મેડિકલ ઈક્વિપમેન્ટની જરૂર નથી પડતી. માત્ર એક દીવાલ અને થોડા સમયની જરૂર જ પડે છે.
આ પોઝિશન કેવી રીતે કામ કરે છે?
ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, જ્યારે તમે તમારા પગને ઉપરની તરફ ઉઠાવો છો, તો શરીરનો એ ભાગ, જ્યાં નસોમાં સોજા આવ્યા છે, તેના પર દબાણ ઓછું થઈ જાય છે. આ પોઝિશનમાં ગ્રેવિટી અર્થાત ગુરુત્વાકર્ષણની મદદથી બ્લડ ફ્લૉ ઊંધી દિશામાં એટલે કે હ્રદય તરફ ગતિ કરવા લાગે છે. જેના પરિણામે નસોમાં થયેલો સોજો ઓછો થવા લાગે છે. આ સાથે જ પાઈલ્સના દુખાવામાં પણ રાહત મળે છે.
કંઈ બાબતનું ધ્યાન રાખવું
આ 5 મિનિટનો ઉપાય દુખાવામાં રાહત આપવામાં મદદ કરી શકે છે, પરંતુ જો દુખાવો સતત રહેતો હોય અને લોહી પડવા લાગે કે સોજો વધી જાય, તો તાત્કાલિક તબીબની સલાહ લેવી જરૂરી છે. પાણી પીતા રહો અને સતત બેસી રહેવાનું ટાળો. આ સાથે જ ફાઈબરથી ભરપુર વસ્તુઓને તમારી ડાયટમાં સામેલ કરો. જો તમને પણ પાઈલ્સના શરૂઆતના લક્ષણો જણાય, તો તમે આ આસાન ઉપાય અજમાવી શકો છે. આ સાથે જ તમારે તમારી ડાયટ પર ધ્યાન આપવું પડશે.
