Holding Urine Side Effects: આજના વ્યસ્ત જીવનમાં, ઓફિસ મીટિંગ્સ, લાંબા ટ્રાફિક જામ અથવા જાહેર શૌચાલયની અસ્વચ્છતાને કારણે ઘણા લોકો કલાકો સુધી પેશાબ રોકી રાખે છે. દેખીતી રીતે સામાન્ય લાગતી આ આદત વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. યુરોલોજિસ્ટ્સના મતે, પેશાબ રોકી રાખવાની આ કૂટેવ પુરુષો અને સ્ત્રીઓ બંનેના શરીર પર ટૂંકા અને લાંબા ગાળે ગંભીર નકારાત્મક અસરો છોડી શકે છે.
ડોક્ટરોની ચેતવણી
મુંબઈની યુરોલોજિસ્ટના જણાવ્યા અનુસાર, બ્લેડર અમુક હદ સુધી પેશાબ સંગ્રહ કરવા માટે સક્ષમ છે. પરંતુ, જ્યારે તેને લાંબા સમય સુધી અને ક્ષમતા કરતાં વધુ ભરેલું રાખવામાં આવે છે, ત્યારે સમગ્ર યુરિનરી સિસ્ટમ પર દબાણ વધે છે.
ટૂંકા ગાળામાં થતા નુકસાન
- પેટના નીચેના ભાગમાં એટલે કે પેડુમાં અસહ્ય દુખાવો થવો.
- પેશાબની નળીમાં બળતરા અને પેશાબ અટકી-અટકીને આવવો.
- ખાસ કરીને મહિલાઓમાં પેશાબ રોકવાથી બેક્ટેરિયા લાંબો સમય અંદર રહે છે, જેથી ઇન્ફેક્શનનું જોખમ બમણું થઈ જાય છે.
- જાહેર શૌચાલયના ડરથી પાણી ન પીવું ડિહાઇડ્રેશન નોતરે છે, જેનાથી પેશાબમાં યુરિક એસિડના સ્ફટિકો બને છે.
લાંબા ગાળાની ગંભીર આડઅસરો
જો પેશાબ રોકવાની આ આદત લાંબો સમય ચાલુ રહે, તો તે શરીરના આંતરિક અંગોને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. સતત ખેંચાણને કારણે બ્લેડરના સ્નાયુઓ પોતાની લવચીકતા ગુમાવે છે. સ્નાયુઓ નબળા પડવાથી મૂત્રાશય ક્યારેય પૂરેપૂરું ખાલી થઈ શકતું નથી. અંદર બચેલો પેશાબ વારંવાર ચેપ અને પથરીનું કારણ બને છે. તેમજ લાંબા સમય સુધી મૂત્રાશયનું હાઈ પ્રેશર કિડની તરફ પાછું ફરે છે, જે ભવિષ્યમાં કિડની ફેલ્યોર જેવી ગંભીર સ્થિતિ સર્જી શકે છે.
સગર્ભા સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો, પ્રોસ્ટેટની સમસ્યાવાળા દર્દીઓ અને ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ પેશાબ રોકવો જોઈએ નહીં. તેમનામાં ચેપનું જોખમ સૌથી વધુ હોય છે.
બચાવના સરળ ઉપાયો
- દર 3 થી 4 કલાકે પેશાબ કરવાની આદત રાખો.
- શરીરમાં પાણીની કમી ન થવા દો, પૂરતા પ્રમાણમાં પ્રવાહી લો.
- મુસાફરી દરમિયાન મુશ્કેલી ટાળવા માટે હોટેલ કે રેસ્ટોરન્ટના સ્વચ્છ શૌચાલયનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો.
