Kidney Damage Signs: આપણું શરીર પણ એક મશીન જેવું છે, જો કોઈ પણ સમસ્યા હોય, તો તેની પહેલા કેટલાક સંકેતો અચૂક આપતું રહે છે. જો આપણે આવા સંકેતોને સમયસર સમજી લઈએ, તો અનેક ગંભીર બીમારીઓથી બચી શકીએ છીએ.
કિડની આપણા શરીરનું સૌથી અગત્યનું અંગ છે, જે ફિલ્ટર તરીકે કામ કરે છે. કિડની શરીરના ટૉક્સિન્સને બહાર નીકાળે છે. જ્યારે કિડની વ્યવસ્થિત રીતે કામ ના કરતી હોય, તો તેના કેટલાક લક્ષણો આપણા શરીર પર જોવા મળે છે.
કિડની ડેમેજના લક્ષણો માત્ર પેટ કે કમરના દુખાવા પુરતા સિમિત ના રહીને આપણી આંખોમાં પણ જોવા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ એક હકીકત છે. તો ચાલો જાણીએ આંખ દ્વારા કેવી રીતે ખબર પડે કે આપણી કિડની અંદરોઅંદર ખરાબ થઈ રહી છે.
આંખની આસપાસ સોજા: આ કિડની ડેમેજ થવાનો સૌથી સામાન્ય અને પ્રાથમિક સંકેત છે. જો સવારે ઉઠતાવેંત તમારી આંખોની આજુબાજુ સોજા જોવા મળે, તો તેને અપુરતી ઊંઘના કારણે એટલે કે સાધારણ સમજવાની ભૂલ ના કરશો. હકીકતમાં જ્યારે કિડની વ્યવસ્થિત રીતે કામ ના કરે, તો એક્સ્ટ્રા ફ્લ્યૂઈડ શરીરના ટિશ્યૂમાં જમા થવા લાગે છે. આંખની આસપાસની ત્વચા ખૂબ જ નાજુક હોય છે. આથી આ ભાગમાં સૌથી પહેલા સોજા દેખાવા લાગે છે.
દ્રષ્ટિ ધૂંધળી થવી: અચાનક આંખો ધૂંધળું દેખાવા લાગે, તો તે પણ કિડનીની સમસ્યાનો એક સંકેત હોઈ શકે છે. આમ થવા પાછળ બે મુખ્ય કારણો છે. એક કિડનીની બીમારી હંમેશા હાઈ બ્લડ પ્રેશર સાથે સંકળાયેલી હોય છે. હાઈ બ્લડપ્રેસર આંખોને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી રેટિનોપૈથી થઈ શકે છે અને દ્રષ્ટિ ધૂંધળી થવા લાગે છે. બીજુ કિડની ફેઈલ્યોરની સ્થિતિમાં શરીરમાં કેટલાક ટોક્સિન્સ જવા થઈ જાય છે, જે ડાયરેક્ટ ઑપ્ટિક નર્વ સિસ્ટમને અસર કરે છે. જેના પરિણામે જોઈ આંખે જાંખપ આવી જાય છે.
આંખો ડ્રાય થવી અને ખંજવાળ: આંખો સતત ડ્રાય થતી હોય અને આંખોમાં બળતરા કે ખંજવાળ રહેતી હોય, તો તે પણ કિડની વ્યવસ્થિત કામ ના કરતી હોવાનો સંકેત છે. જ્યારે કિડની બ્લડને વ્યવસ્થિત ફિલ્ટર ના કરી શકે, તો શરીરમાં ફોસ્ફરસનું પ્રમાણ વધવા લાગે છે. આ સ્થિતિને હાઈપરફોસ્ફેટેમિયા કહે છે. શરીરમાં ફોસ્ફરસ અને કેલ્શિયમનું સંતુલન ખોરવાતા સ્કિન અને આંખમાં બળતરા અને ખંજવાળની સમસ્યા થઈ શકે છે.
આંખો સમક્ષ અંધારું છવાઈ જવું: જો અચાનક જ તમારી આંખો સામે અંધારું છવાઈ જાય, તો કિડનીની બીમારીના કારણે થતા એનીમિયાનું લક્ષણ હોઈ શકે છે. હકીકમાં સ્વસ્થ કિડની એરિથ્રોપોઈટિન નામનું હોર્મોન બનાવે છે, જે શરીરને રેડ બ્લડસેલ્સ બનાવવામાં મદદ કરે છે. કિડની ડેમેજ થવા પર આ હોર્મોન નથી બની શકતું, જેના કારણે શરીરમાં લોહીની ઉણપ વર્તાય છે. જેના પરિણામે ચક્કર આવવા, સતત થાક લાગવો અને આંખો સામે અંધારું છવાઈ જવા જેવા લક્ષણો જોવા મળે છે.
ક્યારે ડોક્ટરને મળવુ અને ક્યા ટેસ્ટ કરાવવા?
જો તમને પણ ઉપરોક્ત લક્ષણો પૈકી કોઈ પણ લાંબા સમય સુધી જોવા મળે, ખાસ કરીને આંખની આસપાસ સોજા તો તાત્કાલિક નેફ્રોલૉજિસ્ટ (કિડની નિષ્ણાંત)નો સંપર્ક કરવો જોઈએ. આ સાથે જ કેટલાક જરૂરી ટેસ્ટ કરાવી શકો છે. જેમ કે
યુરિન ટેસ્ટ (Urine Test): પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ જાણવા માટે
બ્લડ ક્રિએટિનિન અને યુરિયા ટેસ્ટઃ કિડનીની કાર્યક્ષમતા જાણવા માટે
EGFR ટેસ્ટઃ કિડનીની ફિલ્ટ્રેશન રેટ જાણવા માટે
અલ્ટ્રા સાઉન્ડ અથવા કિડની સ્કેન
