Heart Attack Warning Signs: કોવિડ પછી હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આપણે સોશિયલ મીડિયામાં અનેક વીડિયો જોયા હશે, જેમાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીથી લઈને જેને નખમાં પણ રોગ ના હોય તેવા વ્યક્તિ રમતા-રમતા, ખાતા-ખાતા કે લગ્નમાં નાચતા-નાચતા છાતી પકડીને ઢળી પડે છે અને પછી મોતને ભેટે છે.
એવામાં સૌ કોઈના મનમાં એક પ્રશ્ન સ્વાભાવિક થાય કે, હાર્ટ એટેક આવી રીતે અચાનક આવતો હોય, તો તેને લઈને આપણું શરીર પહેલા કોઈ સંકેત આપે છે? જો તમને પણ આ પ્રશ્ન થતો હોય, તો જણાવી દઈએ કે, હાર્ટ એટેક આવતા પહેલા આપણું શરીર આપણને કેટલાક સંકેત જરૂર આપે છે. જો આપણે તેને સમયસર સમજી શકીએ, તો આપણો જીવ બચી શકે છે.
હાર્ટ એટેક આવતા પહેલાના સંકેત Early Signs Of Heart Attack
- છાતીમાં તીવ્ર દુખાવો. છાતી ભારે લાગવા માંડવી
- ગભરામણ થવી.
- ખભા, હાથ, પીઠ, ગળુ, જડબા, દાંત અને પેટના ઉપરના ભાગમાં અકળામણ થવી. ઘણી વખત દુખાવો પણ થતો હોય છે.
- ઠંડો પરસેવો વળવો
- સતત થાકનો અહેસાસ રહે
- છાતીમાં બળતરા અને અપચાની સમસ્યા થવી
- અચાનક ચક્કર આવવા લાગે અને બેશુદ્ધ થવા જેવું લાગે
- ઉબકા આવે અને ઉલટી જેવું થયા કરે
- શ્વાસ લેવામાં તકલીફ થાય
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટની સલાહ (Symptoms of Before Heart Attack)
હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, જો તમે હાર્ટ પેશન્ટ ના હોવ અને તમને નખમાં પણ કોઈ રોગ ના હોય, તો પણ જો તમને ઉપરોક્ત લક્ષણો લાંબા સમય સુધી જણાય, તો તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ. આવી સ્થિતિમાં તબીબ જ આ લક્ષણો પાછળના કારણ જાણીને સમયસર સારવાર આપવામાં મદદ કરશે.
