Khatu Shyam Mandir: દેશભરમાં બાબા ખાટુ શ્યામના અનેક મંદિર આવેલા છે, જે પૈકી રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલું મંદિર ચમત્કારિક માનવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને બર્બરીકની પૂજા કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતા મુજબ, દ્વાપર યુગમાં ખાટુ શ્યામજીએ જગતના પાલનહાર ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું કે, તેઓ કળયુગમાં તેમના નામ શ્યામથી પૂજાશે. આજ કારણે તેમને બાબા ખાટુ શ્યામના નામે ઓળખવામાં આવે છે.
આ મંદિરની નજીક 'શ્યામ કુંડ' નામે એક કુંડ આવેલું છે. એવી માન્યતા છે કે, આ કુંડમાં સ્નાન કરવાથી જાતકને બાબા ખાટુ શ્યામના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ સાથે જ ભક્તને પાપમાંથી મુક્તિ મળવા સાથે પૂણ્યની પ્રાપ્તિ પણ થાય છે.
આ કુંડનો સબંધ બાબા શ્યામ સાથે હોવાની માન્યતા છે. આ જગ્યાએ જ બાબા શ્યામે ભગવાન શ્રી કૃષ્ણના માંગવા પર પોતાનું શીશ દાન કરી દીધુ હતુ. જેના કારણે તે શીશના દાની કહેવાયા હતા. આ જગ્યાએ બાબા શ્યામના શીશનું અવતરણ થયું હતુ. આથી આ કુંડમાં સ્નાન કરવાનું ખાસ મહત્ત્વ છે. ખાસ વાત એ છે કે, આ કુંડમાં પાણી ક્યારેય પણ ખતમ નથી થતું.
કેવી રીતે પહોંચશો ખાટુ શ્યામ?
ગુજરાતના અમદાવાદથી ખાટુ શ્યામ મંદિર વચ્ચેનું અંતર 695 કિમીની આસપાસ છે. જ્યાં પહોંચતા 12 થી 15 કલાકનો સમય લાગે છે. અમદાવાદથી ખાટુ શ્યામ પહોંચવા અનેક ટ્રેનો ઉપલબ્ધ છે. આ સિવાય દરરોજ અનેક ખાનગી બસો પણ ઉપડે છે.
રોડ: જો તમે શ્યામ કુંડમાં સ્નાન કરવાની યોજના બનાવી રહ્યા હોવ, તો આ માટે તમે જયપુર જાવ. જ્યાંથી બસ કે ટેક્સી મારફતે રીંગસ પહોંચો. અહીંથી ખાટુ શ્યામ મંદિર લગભગ 17 કિમી દૂર આવેલું છે. આ મંદિરનની નજીક જ શ્યામ કુંડ છે.
રેલવે: રોડ ઉપરાંત તમે રેલવે મારફતે પણ શ્યામ કુંડ પહોંચી શકો છો. અહીંનું નજીકમાં જ રીંગસનું રેલવે જંક્શન આવેલું છે. અહીંથી તમે બસ કે કેબની મદદથી શ્યામ કુંડ સરળતાથી પહોંચી શકો છો.
રોડ અને રેલવે ઉપરાંત તમે ફ્લાઈટમાં પણ શ્યામ કુંડ પહોંચી શકો છે. ખાટુ શ્યામ મંદિરની નજીકનું એરપોર્ટ જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. જ્યાંથી તમે બસ, કેપ દ્વારા પણ શ્યામકુંડ પહોંચી શકો છો.
