Samosa Chaat recipe: ચટપટું અને મસાલેદાર ખાવાનું મન થાય ત્યારે સમોસા ચાટ એક બેસ્ટ વિકલ્પ છે. બહાર મળતી સમોસા ચાટ જેવી જ ટેસ્ટી ચાટ તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. બટાકાના મસાલેદાર સમોસા સાથે દહીં, મીઠી ચટણી, લીલી ચટણી અને મસાલાનું કોમ્બિનેશન આ વાનગીને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. સાંજના નાસ્તામાં કે મહેમાનો માટે કંઈક ખાસ બનાવવું હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરો.
સમોસા ચાટ બનાવવા માટેની સામગ્રી
- સમોસા – 4
- બાફેલા બટાકા – 2
- બાફેલા સફેદ વટાણા – 1 કપ
- દહીં – 1 કપ
- મીઠી આમલીની ચટણી – 3 ચમચી
- લીલી ચટણી – 2 ચમચી
- ઝીણી સમારેલી ડુંગળી – 1
- ઝીણી સમારેલી ટામેટી – 1
- સેવ – અડધો કપ
- લીલા ધાણા – 2 ચમચી
- લાલ મરચું પાવડર – અડધી ચમચી
- શેકેલું જીરું પાવડર – અડધી ચમચી
- ચાટ મસાલો – અડધી ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
સમોસા ચાટ બનાવવાની રીત
સૌથી પહેલાં બાફેલા બટાકાની છાલ ઉતારી તેને મેશ કરી લો. હવે એક કડાઈમાં થોડું તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો. ત્યારબાદ મેશ કરેલા બટાકા અને બાફેલા વટાણા નાખો. તેમાં મીઠું, લાલ મરચું પાવડર અને ચાટ મસાલો ઉમેરીને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. આ મસાલાને 4થી 5 મિનિટ સુધી મધ્યમ તાપે શેકી લો.
હવે સમોસાને ગરમ કરી એક પ્લેટમાં મૂકો અને ચમચીની મદદથી તેના થોડા ટુકડા કરી લો. તેની ઉપર તૈયાર કરેલો બટાકા અને વટાણાનો મસાલો સરખી રીતે પાથરી દો. ત્યારબાદ તેના પર ફેંટેલું દહીં, મીઠી આમલીની ચટણી અને લીલી ચટણી ઉમેરો.
હવે ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટાં નાખો. તેમાં લાલ મરચું પાવડર, શેકેલું જીરું પાવડર અને ચાટ મસાલો ભભરાવો. છેલ્લે સેવ અને ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને ચાટને સજાવો. ઈચ્છા હોય તો ઉપરથી દાડમના દાણા પણ ઉમેરી શકો છો. આ રીતે તૈયાર છે ખાટી-મીઠી અને મસાલેદાર સમોસા ચાટ. તેને તરત જ સર્વ કરો, જેથી સમોસાનો કરકરો સ્વાદ જળવાઈ રહે.
સમોસા ચાટને વધુ સ્વાદિષ્ટ બનાવવાની રીત
સમોસા ચાટ બનાવતી વખતે દહીંને સારી રીતે ફેંટી લેવું, જેથી ચાટમાં તેનો સ્વાદ સરસ રીતે ભળી જાય. જો તમને વધુ તીખું પસંદ હોય તો લીલી ચટણીનું પ્રમાણ વધારી શકો છો. જ્યારે મીઠો અને ખાટો સ્વાદ પસંદ હોય ત્યારે આમલીની ચટણી થોડી વધારે ઉમેરો.
