Fada Lapsi Recipe (Gujarati Lapsi): ગુજરાતી ઘરોમાં લાપસીનું ખાસ મહત્ત્વ છે. કોઈ શુભ પ્રસંગ હોય, તહેવાર હોય કે ઘરે મીઠાઈ ખાવાનું મન થાય, ત્યારે ઘઉંના ફાડાની લાપસી એક ઉત્તમ વિકલ્પ છે. ઘી, ગોળ અને ઘઉંના ફાડામાંથી બનતી આ લાપસી સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે. તો આજે જાણીએ કુકરમાં એકદમ દાણાદાર અને સ્વાદિષ્ટ લાપસી બનાવવાની રીત.
ઘઉંના ફાડાની લાપસી રેસીપી (Fada Lapsi Recipe in Gujarati)
લાપસી બનાવવા માટે જરૂરી સામગ્રી
- ઘઉંના ફાડા – 1 કપ
- ગોળ – ¾ કપ (સ્વાદ પ્રમાણે)
- ઘી – ½ કપ
- પાણી – 3 કપ
- એલચી પાવડર – ½ ચમચી
- જાયફળ પાવડર – 1 ચપટી
- કાજુ – 8થી 10 નંગ
- બદામ – 8થી 10 નંગ
- કિસમિસ – 1 મોટી ચમચી
ઘઉંના ફાડાની લાપસી બનાવવાની રીત
સૌથી પહેલાં એક કુકરમાં ઘી ગરમ કરો. તેમાં ઘઉંના ફાડા ઉમેરીને ધીમા તાપે સતત હલાવતા શેકો. ફાડા ગોલ્ડન બ્રાઉન રંગના થાય અને તેમાંથી સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવાના છે. આ સ્ટેપથી લાપસીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.
હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરો અને બરાબર હલાવો. ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરીને મધ્યમ તાપે 4થી 5 સીટી વગાડો. ગેસ બંધ કરી કુકરનું પ્રેશર આપમેળે નીકળી જાય ત્યાં સુધી રાહ જુઓ.
ત્યારબાદ કુકર ખોલીને ઘઉંના ફાડા બરાબર ચડી ગયા છે કે નહીં તે તપાસો. હવે તેમાં ગોળ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. ગોળ ઓગળે અને લાપસી ઘટ્ટ થવા લાગે ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહો.
છેલ્લે તેમાં એલચી પાવડર, જાયફળ પાવડર, કાજુ, બદામ અને કિસમિસ ઉમેરો. ઉપરથી થોડું ઘી ઉમેરીને બરાબર મિક્સ કરો. તૈયાર છે ગરમાગરમ અને સ્વાદિષ્ટ ઘઉંના ફાડાની લાપસી. તેને ગરમાગરમ પીરસો.
