Sat Dhan No Khichdo: શિયાળામાં ખાસ કરીને ઉત્તરાયણના સમયે બનાવવામાં આવતો સાત ધાનનો ખીચડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. આ પરંપરાગત ખીચડામાં વિવિધ કઠોળ અને અનાજનો ઉપયોગ કરવામાં આવે છે જે તેને સ્વાદિષ્ટ બનાવે છે.
જરૂરી સામગ્રી:
- 1 વાટકી દેશી ચણા અને 1 વાટકી મગ લો.
- 1/4 વાટકી મઠ અને 1/4 વાટકી તુવેરની દાળ તૈયાર રાખો.
- 1 વાટકી ચોળી અને 1/4 વાટકી સૂકા વટાણા લો.
- મુખ્ય અનાજ તરીકે ઘઉં.
- લીલા શાકભાજીમાં 1 વાટકી લીલા ચણા, 1 વાટકી લીલા વટાણા અને 1 વાટકી લીલા વાલ લો.
- રાંધવા માટે 1 વાટકી મિશ્રણ સામે 5 વાટકી પાણીની જરૂર પડશે.
- સ્વાદ મુજબ મીઠું અને 1 ટેબલસ્પૂન તેલ લો.
બનાવવાની રીત
- સૌ પ્રથમ ચણા, મગ, મઠ, તુવેર, ચોળી અને સૂકા વટાણા જેવા તમામ કઠોળને ભેગા કરીને મિક્સ કરી લો.
- અનાજ (ઘઉં) પર પાણીનો થોડો છંટકાવ કરીને તેને મિક્સર જારમાં લો અને પલ્સ મોડ પર (ચાલુ-બંધ કરીને) અધકચરું કરશો જેથી તેની ઉપરનું પડ એટલે કે ફોતરાં અલગ થઈ જાય.
- પછી એક વાસણમાં આ મિશ્રણને લઈને થોડું પાણી છાટી છ કલાક રાખી મૂકો.
- આ પ્રક્રિયા બાદ અનાજને 15 થી 20 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર સૂકવવા દો જેથી તે વ્યવસ્થિત છૂટું પડી જાય.
- ત્યારબાદ એક પ્લેટની મદદથી અનાજને ઝાપટી લો જેથી વધારાના ફોતરાં અને કચરો દૂર થઈ જાય અને ચોખ્ખું મિશ્રણ તૈયાર થાય.
- તૈયાર થયેલા આ મિશ્રણને જો તમે લાંબા સમય સુધી વાપરવા માંગતા હોવ તો તેને રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકાય છે.
- હવે એક કુકરમાં વાટકી પાણી ઉમેરો. આ મિશ્રણમાં 1 ટેબલસ્પૂન તેલ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર હલાવો.
- પછી આ મિશ્રણ તેમા ઉમેરી દો, ત્યારબાદ તેમાં લીલા ચણા, લીલા વટાણા અને લીલા વાલ ઉમેરો.
- ખૂબ જ ઝડપથી રાંધવા માટે તમે કઠોળને ગરમ પાણીમાં પણ પલાળી શકો છો જેથી તે જલ્દી ચડી જાય.
- કુકરનું ઢાંકણ બંધ કરી મીડીયમ ફ્લેમ પર આશરે 10 વ્હિસલ થવા દો, કારણ કે સૂકા કઠોળને ચડતા થોડો વધુ સમય લાગે છે.
- કુકર ઠંડુ પડે એટલે ખીચડાને ચેક કરી લો, જો તે ઘાટો લાગે તો જરૂર મુજબ ગરમ પાણી ઉમેરી શકાય છે.
- તૈયાર થયેલા આ ગરમાગરમ ખીચડાને ઉપરથી શુદ્ધ દેશી ઘી નાખીને સર્વ કરવાથી તેનો સ્વાદ અનેકગણો વધી જાય છે.
