દરેકના ઘરે સામાન્ય રીતે બપોરના સમયે રોટલી, શાક, દાળ અને ભાત બનાવવામાં આવે છે. ઘણાના ઘરે બપોરના સમયે જમી લીધા પછી રોટલી વધતી જ હશે. આજના આ લેખમાં અમે આપને આ વધેલી રોટલીમાંથી સમોસા બનાવવાની રીત શીખવીશું. જેને તમે સાંજના નાસ્તા માટે તૈયાર કરી શકો છે. આ સમોસાનો ટેસ્ટ એકદમ જોરદાર લાગે છે. સમોસા બધાને પસંદ હોય છે. ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો સફેદ લોટના સમોસા ખાતા નથી કારણ કે લોટ શરીરને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં જ્યારે તમે બપોરની વધેલી રોટલીમાંથી સમોસા બનાવશો, તો તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને તેને ખાવાથી નુકસાન પણ નહીં થાય. તો ચાલો જાણીએ રોટલી સમોસા બનાવવાની રેસીપી….
સામગ્રી
- રોટલી - 4
- બાફેલા બટાકા - 2-3
- ચણાનો લોટ - 3 ચમચી
- લીલા મરચા સમારેલા - 2
- લાલ મરચું પાવડર - 1/2 ચમચી
- ગરમ મસાલો - 1/2 ચમચી
- કલોંજી - 1/2 ચમચી
- વરિયાળી - 1/2 ચમચી
- કોથમીર - 2-3 ચમચી
- તેલ - તળવા માટે
- મીઠું - સ્વાદ મુજબ
બનાવવાની રીત
રોટલી સમોસા બનાવવા માટે સૌ પ્રથમ તમે બટાકાને બાફીને ઠંડા કરી લો. હવે તેની છાલ કાઢીને તેનો છૂંદો કરી લો. આ પછી એક કડાઈમાં તેલ મૂકી તેમાં વરિયાળી અને લીલા મરચાં નાખીને થોડીવાર સાંતળો. આ પછી બટાકાને કડાઈમાં નાખો અને તેને ચમચીની મદદથી હલાવતા રહો અને ફ્રાય કરો. તેને થોડી મિનિટ સુધી સારી રીતે સાંતળી લો.
આ પછી હવે તેમાં બધા મસાલા અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. જ્યારે તે તૈયાર થઈ જાય ત્યારે તેના પર કોથમીર નાખો. હવે તેને અલગ રાખીને ઠંડુ કરી લો.
સમોસાને ચોંટાડવા માટે ચણાના લોટનું જાડું ખીરું તૈયાર કરો. આ પછી રોટલીને વચ્ચેથી કાપી લો. હવે એક ટુકડો લઈને તેનો કોન બનાવી લો અને તેમાં બટાકાનું ફિલિંગ ભરો. છેલ્લે તેને સમોસાનો આકાર આપી ચણાના લોટના દ્રાવણની મદદથી ચોંટાડી દો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રોટલી સમોસાને નાખીને તળો. તેને ચટણી સાથે ગરમા-ગરમ જ સર્વ કરો.
