Methi Na Ladoo Recipe: મેથીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે. શિયાળામાં લોકો મેથીના લાડુનું સેવન કરે છે. આજે મેથીના લાડવા કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને જણાવશે. મેથીના લાડુમાં કઈ કઈ સામગ્રી જોઈશે તેની પણ અહીં વાત કરીશું.
મેથીના લાડુ બનાવવાની જરૂરી સામગ્રી
- મેથીનો પાવડર: 50 ગ્રામ
- અડદનો લોટ (અથવા કરકરો અડદનો પાવડર): 50 ગ્રામ
- ઘઉંનો ઝીણો લોટ: 125 ગ્રામ
- દેશી ગોળ (સોફ્ટ): 125 ગ્રામ
- શુદ્ધ ઘી: 300 ગ્રામ
- બાવળીયો ગુંદ: 50 ગ્રામ
- સૂકું કોપરું (ખમણેલું): 50 ગ્રામ
- મિક્સ ડ્રાયફ્રૂટ્સ (બદામ, પિસ્તા, કાજુ અને દ્રાક્ષ): 150 ગ્રામ
- સૂંઠ પાવડર: 2 ચમચી
- ગંઠોડા પાવડર: 2 ચમચી
- ખસખસ: 1 ચમચી
મેથીના લાડુ બનાવવાની રીત:
1). મેથી પલાળવાની રીત:
સૌ પ્રથમ એક વાટકામાં 50 ગ્રામ મેથીનો પાવડર લો. તેમાં થોડું ઘી અને થોડો ગોળ ઉમેરીને મિક્સ કરી 15 થી 20 મિનિટ માટે પલાળી રાખવો. આ રીતે મેથી પલાળવાથી લાડુ કડવા લાગતા નથી.
2). ગુંદ અને ડ્રાયફ્રૂટ્સ તળવાની રીત:
એક લોખંડની કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં થોડો થોડો ગુંદ ઉમેરી ધીમા તાપે તળી લેવો. ગુંદ અંદરથી કાચો ન રહેવો જોઈએ, તે સાબુદાણાની જેમ ફૂલી જાય એટલે બહાર કાઢી લેવો. ગરમ ગુંદ પર સૂંઠ, ગંઠોડા અને ખસખસ છાંટીને મિક્સ કરી લેવું અને વાટકીથી થોડો અધકચરો ભૂકો કરી લેવો. ત્યારબાદ તે જ ઘીમાં બદામ, કાજુ અને પિસ્તાને પણ તળી લેવા અને દ્રાક્ષ ફૂલી જાય ત્યાં સુધી તેને પણ તળી લેવી.
3). લોટ શેકવાની રીત:
કડાઈમાં વધેલા ઘીમાં અડદનો લોટ અને ઘઉંનો લોટ ઉમેરી ધીમા તાપે શેકવો. લોટ હળવો ફૂલ થઈ જાય અને લાઈટ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી તેને શેકવો. લોટ બહુ વધારે ન શેકવો, નહીંતર તેમાં કડવાશ આવી જશે.
4). બધી સામગ્રી મિક્સ કરવાની રીત:
લોટ શેકાઈ જાય એટલે તેમાં ખમણેલું કોપરું ઉમેરી 1 મિનિટ શેકવું. ત્યારબાદ તેમાં તળેલા ડ્રાયફ્રૂટ્સના ટુકડા ઉમેરી મિક્સ કરવું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને પલાળેલી મેથી તેમજ તૈયાર કરેલો ગુંદ ઉમેરી બધું ફટાફટ મિક્સ કરી લેવું.
5). ગોળ ઉમેરવો અને લાડુ વાળવા:
ગેસ બંધ કર્યા પછી બાકી રહેલો 125 ગ્રામ ગોળ મિશ્રણમાં ઉમેરી દેવો અને બધું બરાબર મિક્સ કરવું. જો ગોળ કઠણ હોય તો તેને ખમણીને જ લેવો જેથી ગાંઠા ન રહે. મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેમાંથી નાના નાના લાડુ વાળી લેવા. જો લાડુ વાળવામાં તકલીફ પડતી હોય તો છેલ્લે થોડું દૂધ કે મલાઈ ઉમેરી શકાય છે.
