Farali Aloo Paratha Recipe: સામાન્ય રીતે ઉપવાસમાં આપણે સાબુદાણાની ખીચડી કે બટાકાનું શાક ખાતા હોઈએ છીએ, રાજગરાના લોટ અને બટાકાના સ્ટફિંગ સાથે બનતી આ રેસીપી ઉપવાસમાં તમને આખો દિવસ એનર્જી આપશે. પણ જો કંઈક નવું અને ધરાઈને ખાવું હોય તો ફરાળી આલુ પરોઠા બેસ્ટ ઓપ્શન છે.
જરૂરી સામગ્રી
આ પણ વાંચો
સ્ટફિંગ (મસાલા) માટે
- બટાકા: 3-4 નંગ (બાફેલા અને મેશ કરેલા)
- લીલા મરચાની પેસ્ટ: 1 ચમચી
- છીણેલું આદુ: 1/2 ચમચી
- ફરાળી મીઠું: સ્વાદ મુજબ
- ખાંડ: 1 ચમચી (વૈકલ્પિક)
- લીંબુનો રસ: 1 ચમચી
- ઝીણી સમારેલી કોથમીર: 1/4 કપ
- શેકેલા જીરાનો પાવડર: 1/2 ચમચી
લોટ બાંધવા માટે
- રાજગરાનો લોટ: 1.5 કપ (અથવા શિંગોડાનો લોટ)
- બાફેલો બટાકા: 1 નંગ (લોટમાં મિક્સ કરવા માટે)
- તેલ/ઘી: મોણ માટે
- પાણી: જરૂર મુજબ
ફરાળી આલુ પરોઠા બનાવવાની રીત
સ્ટફિંગ તૈયાર કરો
સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા અને મેશ કરેલા બટાકા લો. તેમાં લીલા મરચા, આદુ, સીંધાલૂણ મીઠું, જીરું પાવડર, ખાંડ, લીંબુનો રસ અને પુષ્કળ કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો. આ મસાલાના નાના-નાના ગોળા બનાવી લો.
લોટ બાંધો
એક વાસણમાં રાજગરાનો લોટ લો. તેમાં થોડું મીઠું અને એક બાફેલો બટાકો મેશ કરીને નાખો (બટાકાથી લોટમાં સારી પકડ આવશે અને પરોઠા તૂટશે નહીં). જરૂર મુજબ થોડું-થોડું પાણી ઉમેરી મધ્યમ નરમ લોટ બાંધી લો. લોટને 5-10 મિનિટ સેટ થવા દો.
પરોઠા વણો
લોટમાંથી એક લુવો લો અને તેને થોડો વણી લો. તેની વચ્ચે બટાકાના મસાલાનો ગોળો મૂકો અને ચારે બાજુથી બંધ કરી ફરીથી ગોળ લુવો બનાવી લો. હવે રાજગરાના કોરા લોટનું અટામણ લઈ હળવા હાથે પરોઠું વણી લો. ફરાળી લોટમાં ગ્લુટેન હોતું નથી, એટલે કિનારીઓ થોડી ફાટશે, જે સામાન્ય છે.
પરોઠા શેકો
નોન-સ્ટિક તવી ગરમ કરો. પરોઠાને તવી પર મૂકી બંને બાજુ થોડું શેકાય એટલે ઘી અથવા તેલ લગાવીને ગોલ્ડન બ્રાઉન ટપકાં પડે ત્યાં સુધી મધ્યમ આંચ પર શેકી લો.
ખાસ ટિપ્સ
જો લોટ વણવામાં તકલીફ પડતી હોય તો પ્લાસ્ટિક પેપર અથવા બટર પેપરની વચ્ચે લુવો રાખીને વણી શકાય છે.
આ પરોઠા ગરમાગરમ ફરાળી દહીં અથવા ગ્રીન ચટણી સાથે અદભૂત લાગે છે.
