Instant Gujarati Khaman Dhokla Recipe: ગુજરાતીઓના નાસ્તામાં ખમણ ઢોકળાનું નામ સૌથી પહેલાં આવે છે. સવારના નાસ્તામાં હોય કે સાંજની ચા સાથે, સોફ્ટ અને સ્પોન્જી ખમણ ખાવાની મજા જ કંઈક અલગ છે. બજારમાં મળતા નાયલોન ખમણ ઢોકળા હવે તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. તો ચાલો જાણીએ પરફેક્ટ માપ સાથે ખમણ ઢોકળા બનાવવાની રીત.
ખમણ ઢોકળા રેસીપી (Instant Khaman Dhokla Recipe)
નાયલોન ખમણ ઢોકળા બનાવવા માટેની સામગ્રી
ખમણનું બેટર બનાવવા માટે
- 2.5 કપ (250 ગ્રામ) ચણાનો લોટ
- સ્વાદ અનુસાર મીઠું
- ¼ ચમચી હળદર
- 2 લીલા મરચાં (ઝીણા સમારેલા)
- 1 ઇંચ આદુ
- ચપટી હિંગ
- 3 મોટી ચમચી લીંબુનો રસ
- 2 મોટી ચમચી ખાંડ
- 2 મોટી ચમચી તેલ
- 1.5 કપ (300 મિલી) પાણી
- 1 ચમચી બેકિંગ સોડા
વઘાર માટે
- 2 મોટી ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 3-4 લીલા મરચાં (સમારેલા)
- થોડાં લીમડાનાં પાન
- ½ કપ પાણી
- 2 મોટી ચમચી ખાંડ
- સમારેલી કોથમીર
લીલી ચટણી બનાવવા માટે
- 1 કપ કોથમીર
- 2-3 લીલાં મરચાં
- 1 ઇંચ આદુ
- સ્વાદ અનુસાર મીઠું
- 1 ચમચી ખાંડ
- 1 મોટી ચમચી લીંબુનો રસ
- ખમણના 2-3 ટુકડા
- ½ કપ પાણી
ગુજરાતી ખમણ ઢોકળા બનાવવાની રીત
સૌથી પહેલાં મિક્સર જારમાં ચણાનો લોટ, મીઠું, હળદર, લીલાં મરચાં, આદુ, હિંગ, લીંબુનો રસ, ખાંડ, તેલ અને પાણી ઉમેરો. આ બધી સામગ્રીને બરાબર પીસીને સ્મૂધ બેટર તૈયાર કરો. બેટર ન તો વધારે ઘટ્ટ હોવું જોઈએ કે ન તો વધારે પાતળું. ત્યારબાદ તેને એક વાસણમાં કાઢીને ઢાંકીને 10 મિનિટ માટે રાખી દો.
હવે બેટરમાં 1 ચમચી બેકિંગ સોડા અને થોડું પાણી ઉમેરીને લગભગ 1 મિનિટ સુધી બરાબર ફેટી લો. બેટર હલકું અને ફીણવાળું થઈ જાય એટલે તરત જ તેને તેલ લગાવેલી ઢોકળાની થાળીમાં નાખો. બીજી તરફ સ્ટીમરમાં 3-4 કપ પાણી નાખીને 5 મિનિટ ગરમ કરો.
હવે ઢોકળાની થાળી સ્ટીમરમાં સ્ટેન્ડ પર મૂકો અને મધ્યમથી તેજ આંચ પર લગભગ 20 મિનિટ સુધી બાફો. ઢોકળા બરાબર ચડી ગયા છે કે નહીં તે ચેક કરવા માટે વચ્ચે ટૂથપીક નાખો. જો ટૂથપીક સાફ બહાર આવે તો ઢોકળા તૈયાર છે. તેને બહાર કાઢીને સંપૂર્ણ ઠંડા થવા દો અને પછી ટુકડા કરી લો.
ખમણ ઢોકળાનો વઘાર કેવી રીતે કરવો?
વઘાર તૈયાર કરવા માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, સમારેલાં લીલાં મરચાં અને લીમડાનાં પાન નાખીને સાંતળો. ત્યારબાદ તેમાં અડધો કપ પાણી અને ખાંડ ઉમેરો. ખાંડ બરાબર ઓગળી જાય એટલે તૈયાર વઘારને ઢોકળા પર સરખી રીતે રેડી દો. ઉપરથી સમારેલી કોથમીર નાખીને સજાવો.
ખમણ ઢોકળા સાથે લીલી ચટણી બનાવવાની રીત
લીલી ચટણી બનાવવા માટે મિક્સર જારમાં કોથમીર, લીલાં મરચાં, આદુ, મીઠું, ખાંડ અને લીંબુનો રસ નાખીને અધકચરી પેસ્ટ બનાવો. હવે તેમાં ખમણના 2-3 ટુકડા અને અડધો કપ પાણી ઉમેરીને ફરીથી પીસી લો. આ રીતે તૈયાર થશે સ્વાદિષ્ટ લીલી ચટણી. તૈયાર નાયલોન ખમણ ઢોકળાને આ ચટણી સાથે સર્વ કરો.
નોંધી લો આ ખાસ વાતો
- બેટર બનાવતી વખતે પાણીનું પ્રમાણ યોગ્ય રાખવું ખૂબ જરૂરી છે. 250 ગ્રામ ચણાના લોટ માટે 300 મિલી પાણી યોગ્ય રહેશે.
- બેટરને બેકિંગ સોડા ઉમેરતાં પહેલાં 10 મિનિટ આરામ આપવો.
- બેકિંગ સોડા ઉમેર્યા પછી બેટરને બરાબર ફેટવું અને તરત જ સ્ટીમ કરવા મૂકવું.
- ઢોકળાને લગભગ 20 મિનિટ સુધી બાફવાથી તે સરસ રીતે ચડી જશે.
- ઢોકળા ઠંડા થયા પછી જ તેના પર વઘાર રેડવો, જેથી ટુકડા સરસ રહે.
