રોજિંદા શાકથી કંટાળી ગયા છો? તો ઘરે બનાવો મસાલેદાર અને ક્રીમી પાલક પનીર, જાણો બનાવવાની રીત

ઘરે બનાવો રેસ્ટોરન્ટ જેવી સ્વાદિષ્ટ પાલક પનીર રેસીપી. જાણો પાલક પનીર બનાવવાની સરળ રીત અને જરૂરી સામગ્રી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 06 Nov 2026 03:29 PM (IST)Updated: Fri, 06 Nov 2026 03:29 PM (IST)
food-news-restaurant-style-how-to-make-creamy-palak-paneer-at-home

Palak Paneer Recipe: પાલક અને પનીરનું કોમ્બિનેશન મોટાભાગના લોકોને પસંદ હોય છે. પોષક તત્વોથી ભરપૂર પાલકમાંથી બનતું પાલક પનીર સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. જો તમે રોજિંદા શાકથી કંઈક અલગ અને રેસ્ટોરન્ટ જેવું સ્વાદિષ્ટ શાક બનાવવા માંગતા હોવ, તો ઘરે આ રીતે પાલક પનીર બનાવી શકો છો. ગરમાગરમ રોટલી, પરાઠા કે નાન સાથે આ શાક ખાવાની મજા જ અલગ છે.

પાલક પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી

  • પાલક – 2 ઝૂડી
  • પનીર – 200 ગ્રામ
  • ડુંગળી – 2 નંગ (ઝીણી સમારેલી)
  • ટામેટાં – 2 નંગ
  • લીલાં મરચાં – 2 નંગ
  • આદુ – 1 ઇંચનો ટુકડો
  • લસણ – 5-6 કળી
  • જીરું – ½ ચમચી
  • હળદર – ¼ ચમચી
  • લાલ મરચું પાઉડર – ½ ચમચી
  • ધાણાજીરું પાઉડર – 1 ચમચી
  • ગરમ મસાલો – ½ ચમચી
  • કસૂરી મેથી – 1 ચમચી
  • તાજી ક્રીમ – 2 ચમચી
  • તેલ અથવા ઘી – 2 ચમચી
  • મીઠું – સ્વાદ પ્રમાણે

પાલક પનીર બનાવવાની રીત

સૌથી પહેલાં પાલકની ઝૂડીમાંથી પાંદડાં અલગ કરી લો. તેને 2-3 વાર પાણીથી બરાબર ધોઈ લો, જેથી તેમાં રહેલી માટી અને ગંદકી દૂર થઈ જાય. હવે એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં પાલકનાં પાન નાખીને 2-3 મિનિટ સુધી બાફી લો. ત્યારબાદ તરત જ પાલકને ઠંડા પાણીમાં નાખી દો. આવું કરવાથી પાલકનો લીલો રંગ જળવાઈ રહે છે.

હવે મિક્સર જારમાં બાફેલી પાલક, લીલાં મરચાં અને આદુ નાખીને તેની સ્મૂધ પેસ્ટ બનાવી લો. ધ્યાન રાખો કે પાલકની પેસ્ટ બહુ પાતળી ન થાય. ત્યારબાદ ટામેટાંની પણ અલગથી પેસ્ટ તૈયાર કરી લો.

હવે એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરો. તેમાં જીરું નાખો. જીરું તતડે એટલે ઝીણી સમારેલી ડુંગળી અને લસણ નાખીને બરાબર સાંતળો. ડુંગળી હળવી ગુલાબી થાય એટલે તેમાં ટામેટાંની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર અને મીઠું નાખીને મસાલાને તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવો.

મસાલો બરાબર તૈયાર થઈ જાય એટલે તેમાં તૈયાર કરેલી પાલકની પેસ્ટ ઉમેરો. તેને ધીમા તાપે 5-7 મિનિટ સુધી પકાવો. વચ્ચે વચ્ચે હલાવતા રહો, જેથી પાલક કડાઈના તળિયે ચોંટે નહીં. જો શાક વધારે ઘટ્ટ લાગે તો તેમાં જરૂરિયાત મુજબ થોડું પાણી ઉમેરી શકો છો.

હવે પનીરના ટુકડા ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો, જેથી પનીર તૂટી ન જાય. તેમાં ગરમ મસાલો અને કસૂરી મેથીનો ભૂકો નાખીને ફરીથી 2-3 મિનિટ સુધી પકાવો. છેલ્લે ઉપરથી તાજી ક્રીમ ઉમેરો અને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો.

આ રીતે ગરમાગરમ અને ક્રીમી પાલક પનીર તૈયાર થઈ જશે. તેને ઉપરથી થોડી ક્રીમથી સજાવીને રોટલી, બટર નાન, પરાઠા અથવા જીરા રાઇસ સાથે સર્વ કરો.