Carrot Ginger Soup Recipe: શિયાળાની ઋતુમાં બજારમાં તાજાં અને લાલચટક ગાજર ભરપૂર પ્રમાણમાં મળતાં હોય છે. આ ગાજરમાંથી તમે હલવો, શાક અને સલાડ ઉપરાંત સ્વાદિષ્ટ સૂપ પણ બનાવી શકો છો. ગાજર સાથે આદુનો હળવો તીખો સ્વાદ સૂપને ખાસ બનાવે છે. ઠંડીના દિવસોમાં સાંજના સમયે ગરમાગરમ ગાજર-આદુનું સૂપ પીવાની મજા જ અલગ છે. તો ચાલો જાણીએ ઘરે આ સૂપ બનાવવાની રીત.
ગાજર-આદુનું સૂપ બનાવવા માટેની સામગ્રી
- ગાજર – 3થી 4 નંગ
- આદુ – 1 ઇંચનો ટુકડો
- ડુંગળી – 1 નાની
- લસણ – 2થી 3 કળી
- માખણ – 1 ટેબલસ્પૂન
- કાળા મરીનો પાઉડર – અડધી ચમચી
- મીઠું – સ્વાદ પ્રમાણે
- પાણી અથવા વેજિટેબલ સ્ટોક – 2 કપ
- લીંબુનો રસ – 1 ચમચી
- ફ્રેશ ક્રીમ – 1 ટેબલસ્પૂન (વૈકલ્પિક)
- કોથમીર – સજાવટ માટે
ગાજર-આદુનું સૂપ બનાવવાની રીત
સૌપ્રથમ ગાજરને સારી રીતે ધોઈને તેની છાલ ઉતારી લો અને તેના નાના ટુકડા કરી લો. ત્યારબાદ ડુંગળીને બારીક સમારી લો. આદુની છાલ ઉતારીને તેના નાના ટુકડા કરો અને લસણની કળીઓને પણ સમારી લો. આ બધી સામગ્રી તૈયાર થઈ જાય એટલે સૂપ બનાવવાની શરૂઆત કરો.
હવે એક ઊંડા તપેલામાં અથવા કડાઈમાં માખણ ગરમ કરો. તેમાં સમારેલી ડુંગળી અને લસણ ઉમેરીને ધીમા તાપે સાંતળો. ડુંગળી થોડી નરમ અને પારદર્શક થાય એટલે તેમાં આદુના ટુકડા ઉમેરીને બેથી ત્રણ મિનિટ સુધી સાંતળો. આદુની સુગંધ આવવા લાગે ત્યારે તેમાં સમારેલા ગાજર ઉમેરીને બરાબર મિક્સ કરો.
ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને કાળા મરીનો પાઉડર ઉમેરો. હવે બે કપ પાણી અથવા વેજિટેબલ સ્ટોક ઉમેરીને બધી સામગ્રીને હલાવી લો. તપેલા પર ઢાંકણ ઢાંકી દો અને મધ્યમ તાપે લગભગ 12થી 15 મિનિટ સુધી ગાજર બરાબર નરમ થાય ત્યાં સુધી ચડવા દો. ગાજર બરાબર બફાઈ જાય પછી ગેસ બંધ કરીને મિશ્રણને થોડું ઠંડું થવા દો.
હવે આ મિશ્રણને મિક્સરના જારમાં નાખીને એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લો. જો સૂપ વધારે ઘટ્ટ લાગે તો તેમાં જરૂરિયાત પ્રમાણે થોડું ગરમ પાણી ઉમેરી શકો છો. ત્યારબાદ તૈયાર કરેલી પેસ્ટને ફરીથી તપેલામાં કાઢીને ધીમા તાપે ગરમ કરો. તેમાં લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરો. સૂપને વધુ ક્રીમી અને રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આપવા માટે તેમાં થોડી ફ્રેશ ક્રીમ પણ ઉમેરી શકો છો.
છેલ્લે સૂપને એકથી બે મિનિટ ગરમ કરીને ગેસ બંધ કરી દો. તૈયાર છે ગરમાગરમ અને સ્વાદિષ્ટ ગાજર-આદુનું સૂપ. તેને સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપરથી થોડી કોથમીર અને કાળા મરીનો પાઉડર છાંટો. શિયાળાની સાંજે આ સૂપને ગરમાગરમ સર્વ કરો.
