Anjeer Akhrot Roll: ભાઈબીજ પર ભાઈનું મોઢું મીઠું કરાવો અંજીર અખરોટ રોલથી, ખાંડ વગર ઘરે જ બનાવો આ ખાસ મીઠાઈ

ભાઈબીજ પર ભાઈ માટે ઘરે બનાવો સ્વાદિષ્ટ અંજીર અખરોટ રોલ. અંજીર, અખરોટ અને ડ્રાયફ્રૂટ્સથી તૈયાર થતી આ હેલ્ધી મીઠાઈની સરળ રેસીપી જાણો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 09 Nov 2026 12:43 PM (IST)Updated: Mon, 09 Nov 2026 12:43 PM (IST)
anjeer-akhrot-roll-recipe-in-gujarati-bhai-beej-special-sweet

Bhai Dooj Special Anjeer Akhrot Roll Recipe: ભાઈબીજના ખાસ અવસર પર ભાઈનું મોઢું મીઠું કરાવવા માટે આ વખતે બજારમાંથી મીઠાઈ લાવવાને બદલે ઘરે જ કંઈક ખાસ બનાવો. અંજીર અખરોટ રોલ એક એવી મીઠાઈ છે, જે સ્વાદની સાથે પોષક તત્ત્વોથી પણ ભરપૂર છે. અંજીરની કુદરતી મીઠાશ અને અખરોટનો ક્રન્ચી સ્વાદ આ રોલને વધુ ખાસ બનાવે છે. સૌથી સારી વાત એ છે કે તેને બનાવવા માટે વધારે ખાંડની પણ જરૂર પડતી નથી.

અંજીર અખરોટ રોલ બનાવવા માટેની સામગ્રી

  • સૂકા અંજીર – 1 કપ
  • અખરોટ – અડધો કપ
  • બદામ – ¼ કપ
  • કાજુ – ¼ કપ
  • પિસ્તા – 2 મોટી ચમચી
  • ખજૂર – અડધો કપ
  • એલચી પાવડર – અડધી નાની ચમચી
  • ઘી – 1 નાની ચમચી
  • ખસખસ – 2 મોટી ચમચી

અંજીર અખરોટ રોલ બનાવવાની રીત

સૌથી પહેલાં સૂકા અંજીરને ગરમ પાણીમાં 15થી 20 મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ તેનું પાણી કાઢીને અંજીરને મિક્સરમાં પીસીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. જો અંજીર પહેલેથી જ નરમ હોય તો તેને પલાળવાની જરૂર નથી.

હવે એક પેનમાં અખરોટ, બદામ અને કાજુને ધીમા તાપે થોડા શેકી લો. ધ્યાન રાખો કે ડ્રાયફ્રૂટ્સ બળી ન જાય. ઠંડા થયા પછી તેને નાના ટુકડામાં કાપી લો. પિસ્તાને પણ ઝીણા સમારી લો, જેથી રોલમાં સુંદર રંગ અને ટેક્સચર આવે.

હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં અંજીરની પેસ્ટ ઉમેરો. ધીમા તાપે તેને સતત હલાવતા રહો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ખજૂર ઉમેરો. મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં શેકેલા અખરોટ, બદામ, કાજુ, પિસ્તા અને એલચી પાવડર ઉમેરો. બધી સામગ્રી બરાબર મિક્સ થાય ત્યાં સુધી હલાવો.

મિશ્રણ થોડું ઠંડું થાય એટલે હાથમાં થોડું ઘી લગાવીને તેને રોલ જેવો આકાર આપો. હવે એક પ્લેટમાં ખસખસ પાથરી તેના પર તૈયાર કરેલો રોલ ફેરવો, જેથી ખસખસ આખા રોલ પર ચોંટી જાય.

છેલ્લે આ રોલને બટર પેપર અથવા ફોઇલમાં લપેટીને 1થી 2 કલાક માટે ફ્રિજમાં રાખો. ત્યારબાદ બહાર કાઢીને તેના સરખા ગોળ ટુકડા કાપી લો. તૈયાર છે સ્વાદિષ્ટ અને ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર અંજીર અખરોટ રોલ.