sweater care tips winter: શિયાળાની ઋતુમાં ઊનના કપડાં આપણને હૂંફ તો આપે છે, પણ થોડા સમય પછી તેના પર દેખાતા 'લીંટ' (રુવાંટી) કપડાંને જૂના અને ખરાબ બનાવી દે છે. મોંઘા સ્વેટર, કાર્ડિગન કે શાલ પર જ્યારે રુવાંટી વળે છે, ત્યારે તેને પહેરવાનું મન થતું નથી. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. રસોડા કે બાથરૂમમાં રહેલી સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને તમે માત્ર 2 મિનિટમાં તમારા ઊનના કપડાંને ફરીથી નવા જેવા ચમકાવી શકો છો.
શેવિંગ રેઝરનો જાદુ
જો સ્વેટર પર નાની-નાની રુવાંટી થઈ ગઈ હોય, તો એક નવું અને સૂકું શેવિંગ રેઝર લો. કપડાને સપાટ સપાટી પર ફેલાવો અને હળવા હાથે રેઝર ફેરવો. ધ્યાન રાખવું કે દબાણ વધારે ન આવે, નહીં તો કપડું ફાટી શકે છે. આ રીતથી લીંટ ખૂબ જ ઝડપથી સાફ થઈ જાય છે.
સેલોટેપનો ઉપયોગ
લિન્ટ રોલર ન હોય તો ચિંતા કરશો નહીં. પહોળી સેલોટેપને તમારા હાથ પર ઊંધી લપેટો (ચીકણો ભાગ બહાર રહે તેમ). હવે તેને કપડા પર વારંવાર થપથપાવો. બધી જ રુવાંટી ટેપ પર ચોંટી જશે.
કાંસકાની ટ્રિક
ઝીણા દાંતાવાળો જૂનો કાંસકો પણ લીંટ દૂર કરવા માટે ઉત્તમ સાધન છે. કાંસકાને કપડા પર એક જ દિશામાં હળવેથી ફેરવો. આનાથી ફસાયેલી રુવાંટી અલગ થઈ જશે અને તમે તેને સરળતાથી હાથથી કાઢી શકશો.
પ્યુમિસ સ્ટોન
જે પથ્થરનો ઉપયોગ આપણે ત્વચા સાફ કરવા માટે કરીએ છીએ, તે જાડા ઊનના કપડાં માટે વરદાન સમાન છે. કોટ કે જેકેટ પર પ્યુમિસ સ્ટોનને ધીમેથી ઘસવાથી બધી જ હઠીલી રુવાંટી દૂર થાય છે.
ફ્રીઝર ટ્રિક
તમારા ઊનના કપડાને એક પોલિબેગમાં પેક કરીને થોડીવાર ફ્રીઝરમાં મૂકી દો. ઠંડીને કારણે રુવાંટીના રેસા કડક થઈ જશે, જેને તમે બહાર કાઢ્યા પછી સોફ્ટ બ્રશથી સરળતાથી સાફ કરી શકશો.
સાવચેતી અને જાળવણી
યોગ્ય ધોવાની પદ્ધતિ: ઊનના કપડાંને હંમેશા ઊંધા કરીને ધોવા જોઈએ.
હળવા ડિટર્જન્ટ: હંમેશા વૂલન સ્પેશિયલ લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ કરો.
મશીન વોશ: મશીનમાં 'જેન્ટલ' અથવા 'વૂલન' મોડ જ પસંદ કરો જેથી કપડાંમાં ઘર્ષણ ઓછું થાય અને લીંટ ન વળે.
આ સરળ ઘરગથ્થુ ઉપાયો અપનાવીને તમે તમારા મનપસંદ શિયાળુ કપડાંને લાંબા સમય સુધી નવા રાખી શકો છો.
