સુરતના પક્ષ પલટુ કોર્પોરેટરે જૂની પાર્ટી સામે આક્રોશ ઠાલવ્યો, અરવિંદ કેજરીવાલની રાક્ષસ સાથે સરખામણી કરી; આપનો પલટવાર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 28 Apr 2023 10:19 PM (IST)Updated: Fri, 28 Apr 2023 10:23 PM (IST)
surat-corporator-kanu-gediya-attack-aap-compare-arvind-kejriwal-with-hiranyakashipu

સુરત.
હવે રાજકારણનું સ્તર એકદમ નીચે ઉતરતું જઈ રહ્યું છે, એકબીજાને ઉતારી પાડવામાં નેતાઓ હદ પાર કરી રહ્યાં છે. ગઈકાલે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરતા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી ઝેરીલા સાપ સાથે કરી હતી. જે બાદ આજે ભાજપના એક ધારાસભ્યએ સોનિયા ગાંધીને વિષકન્યા કહ્યાં હતા. હવે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં ભળેલા નગરસેવકે કેજરીવાલને હિરણ્ય કશ્યપ ગણાવતા, વિપક્ષ નેતા ધર્મેશ ભંડારીએ પલટવાર કર્યો છે.

હકીકતમાં આજે સુરત મનપાની સામાન્ય સભા શરૂ થઈ, તે પહેલા ઝીરો અવર્સમાં તાજેતરમાં જ ઝાડુ છોડીને કેસરિયો કરનારા કોર્પોરેટરોએ સભાખંડમાં આવીને આમ આદમી પાર્ટી પર પોતાનો બળાપો ઠાલવ્યો હતો.

થોડા દિવસ પહેલા જ આપ છોડીને ભાજપમાં જોડાયેલા કોર્પોરેટન કનુ ગેડિયાએ જણાવ્યું કે, અત્યાર સુધી હું ઊંધી લાઈનમાં ચાલતો હતો, પરંતુ હવે હું વિકાસની ગંગામાં જોડાયું છે. આમ આદમી પાર્ટીમાં મારું શોષણ કરવામાં આવતુ હતુ. આ સાથે જ તેમણે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની સરખામણી હિરણ્ય કશ્યપ સાથે કરતા જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલે ચૂંટણી સમયે પોતે ભગવાન હોય, તેવા વીડિયો બનાવી કાર્યકર્તાઓ પાસે પ્રચાર કરાવ્યો હતો. સુરતમાં આમ આદમી પાર્ટી માત્ર પટેલોની પાર્ટી બની ગઈ છે, તેમાં એક પણ OBC, SC-STનો કોર્પોરેટર નથી બચ્યો. આપમાં કાર્યકર્તાઓનું શોષણ કરવામાં આવે છે.

આપનો પલટવાર
બીજી તરફ કનુ ગેડિયાના આરોપ પર પલટવાર કરતાં આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા ધર્મેશ ભંડારીએ જણાવ્યું કે, જે લોકો આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયા હતા અને થોડા દિવસ પહેલા ભાજપમાં જોડાઈને તેમણે જનમત સાથે ગદ્દારી કરી છે. જો તેમને લાગતું હોય કે, આમ આદમી પાર્ટીમાં તાનાશાહી છે, તો તેમણે નગર સેવક પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. જે બાદ ભાજપના મેન્ડેટ પર ફરીથી ચૂંટણી લડવી જોઈએ. જેથી જનતા નક્કી કરશે, કે તમે જનપ્રતિનિધિને લાયક છો કે કેમ?

કનુ ગેડિયાએ આજે જે વાત કરી રહ્યાં છે, તેઓ કેજરીવાલે પોતાનો ભગવાન તરીકેનો કોઈ વીડિયો બનાવ્યો નથી. આટલું જ નહીં, અમે અને અમારી પાર્ટીના કોઈ કાર્યકર્તાઓએ તેનો પ્રચારમાં ઉપયોગ પણ નથી કર્યો. કનુ ગેડિયાએ જાહેર સદનમાં આજે સ્વીકાર્યું છે કે, તેમને 2-2 હજાર રૂપિયાની કોરી ગુલાબી નોટો આપવામાં આવી છે.