Natural Framing: પાટણ તાલુકાના સમી ખાતે ગૌશાળા ચલાવતા લાભશંકર ગિરિજા શંકર રાજગોર (લાભુદાદા) પ્રાકૃતિક ખેતી અને ગૌ-સેવા ક્ષેત્રે પથદર્શક કામગીરી કરી રહ્યા છે. કન્યા શાળાના આચાર્ય પદેથી 2009માં નિવૃત્ત થયા બાદ તેઓ પૂર્ણ સમય પ્રાકૃતિક ખેતીને સમર્પિત છે.
103 વિઘામાં ખેતી
રાસાયણિક મુક્ત ખેતીનો 103 વિઘામાં વિસ્તાર લાભુદાદા 1995થી પ્રાકૃતિક ખેતીને જીવનમંત્ર બનાવીને કાર્ય કરી રહ્યા છે. તેમની ગૌશાળામાં પર ગૌ-વંશ છે, જેના આધારે તેઓ પોતાની 75 વિઘા અને ગૌશાળાની 28 વિઘા મળી કુલ 103 વિઘા જમીનમાં ખેતી કરે છે. આ વિશાળ વિસ્તારમાં તેઓ ક્યારેય રાસાયણિક ખાતર કે ઝેરી દવાઓનો ઉપયોગ કરતા નથી.
તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના ફાર્મ પર પ્રાકૃતિક ખેતીની વિશેષ તાલીમ લીધેલી છે. હાલ તેઓ આત્મા (ATMA) કચેરી સાથે સંકળાઈને અન્ય ખેડૂતોને પણ તાલીમ આપી રહ્યા છે. અને આત્મા વિભાગના સહયોગથી તેમની ગૌશાળામાં BRCS કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે.
3 હજાર લીટરનો જીવામૃત પ્લાન્ટ અને ગૌ-ઉત્પાદનો ગૌશાળામાં 3 હજાર લીટર ક્ષમતાનો જીવામૃત પ્લાન્ટ કાર્યરત છે. અહીંથી જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત માત્ર ₹10 પ્રતિ લીટરના રાહત દરે ખેડૂતોને અપાય છે. આ ઉપરાંત, તેઓ ગૌ-આધારિત વિવિધ ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરીને અમદાવાદ, મહેસાણા અને પાટણ સુધી વેચાણ કરે છે:
- ધૂપ અને અગરબત્તી
- સાબુ અને શેમ્પૂ
- ગો-નાઇલ (ફિનાઈલ)
- દંતમંજન, બોડી સ્પ્રે અને નસ્ય
સરકારી સહાય અને વાર્ષિક આવક રાજ્ય સરકારની ‘ગૌ માતા પોષણ યોજના’ અને પાંજરાપોળ સહાય અંતર્ગત તેમને પશુ દીઠ રોજના ₹30 લેખે સહાય મળે છે. જેનાથી તેમને વાર્ષિક ₹5.50 લાખથી વધુની આવક થાય છે. ગૌ-વંશ અને આત્મનિર્ભરતાના આદર્શો સાથે લાભુદાદા આજે હજારો ખેડૂતો માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યા છે.
