Rajkot: 'જ્યારે હાથશાળ પર એક-એક દાણો ગૂંથાય છે, ત્યારે માત્ર કાપડ નથી વણાતું, પણ અમારો વારસો વણાય છે. એક સમયે જે કલા લુપ્ત થવાને આરે હતી, તેને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર અને રાજ્ય સરકારના પ્રોત્સાહને વૈશ્વિક ફલક પર લાવી દીધી છે.
આ શબ્દો છે સુરેન્દ્રનગરના દેદાદરા ગામના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર બળદેવભાઈ રાઠોડના, જેઓ રાજકોટ ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’માં પોતાની 700 વર્ષ જૂની ‘ટાંગલિયા’ હસ્તકલાનું પ્રદર્શન કરી રહ્યા છે.
રાજકોટના ‘સ્વદેશી હાટ’ વિભાગમાં પ્રદર્શિત આ કલાની ખ્યાતિ હવે સાત સમંદર પાર પહોંચી છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની જાણકારી આપતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પ્રદર્શિત કરાઈ હતી, જેમાં ટાંગલિયા કલાના મહત્વને પણ ઉજાગર કરવામાં આવ્યું હતું. જે ટાંગલિયા કલાકારો માટે ગૌરવની વાત છે.
હોલીવુડની આગામી ફિલ્મ ‘F1’ માં પણ ટાંગલિયા આર્ટના શર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ફેશન જગતમાં ટાંગલિયાની વધતી માંગ એ ગુજરાતના ગ્રામીણ કલાકારોની વર્ષોની તપસ્યાનું પરિણામ છે.
ટાંગલિયા કલાને તેની મૌલિકતા જાળવી રાખવા માટે ‘Geographical Indication’ GI ટેગ પ્રાપ્ત થયો છે. આ કાયદાકીય રક્ષણને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અધિકૃત કલાકારો સિવાય અન્ય કોઈ આ કલાના નામે નકલી વસ્તુઓનું વેચાણ કરી શકતું નથી. GI ટેગને કારણે વૈશ્વિક બજારોમાં ગ્રાહકોનો ભરોસો વધ્યો છે અને કલાકારોને વચેટિયાઓ વગર સીધા જ ઊંચા ભાવ મળી રહ્યા છે.
ટાંગલિયાની વિશેષતા તેની અત્યંત જટિલ અને ઝીણવટભરી 'દાણા ગૂંથણી' વણાટ પદ્ધતિ છે. આ કોઈ મશીન વર્ક કે અલગથી કરેલું ભરતકામ નથી, પરંતુ હાથશાળ પર કાપડ વણતી વખતે જ દોરાની સાથે ઉન કે સૂતરના નાના મણકા જેવા ‘ટાંકા’ કે ‘દાણા’ ગૂંથીને ઉપસેલી મનમોહક આકૃતિઓ કંડારવામાં આવે છે.
આ કલાની ખાસિયત એ છે કે, કાપડની બંને બાજુએ ભાત એકસરખી જ દેખાય છે, જે કલાકારની અદભૂત એકાગ્રતાનું પરિણામ છે. મુલાકાતીઓ આ પ્રક્રિયાને પ્રત્યક્ષ નિહાળી શકે તે માટે બળદેવભાઈએ સ્ટોલ પર ‘ડેમો લૂમ’ ગોઠવી છે, જે આખા પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં લોકો નજરે જોઈ શકે છે કે કેવી રીતે એક-એક દાણો ગૂંથીને કલા કંડારાય છે.
આધુનિક પેઢીની રુચિને ધ્યાને રાખીને હવે ટાંગલિયા કલામાં એક સમયે માત્ર ધાબળા પૂરતી સીમિત આ કલાને હવે આધુનિક જીવનશૈલી મુજબ ઢાળવામાં આવી છે. 'ગુજરાત રાજ્ય હસ્તકલા અને હાથશાળ વિકાસ નિગમ' ગરવી ગુર્જરી અને હસ્તકલા સેતુ યોજના હેઠળ કલાકારોને આધુનિક ડિઝાઈનિંગની તાલીમ અને માર્કેટિંગ સપોર્ટ પૂરો પાડવામાં આવે છે.
આ તાલીમથી કલાકારો હવે ટાંગલિયા આર્ટમાં સાડી, કુર્તી, દુપટ્ટા, મફલર, જેકેટ અને કુશન કવર જેવી આધુનિક પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે. આ આધુનિક ઓપને કારણે નવી પેઢી અને યુવા ફેશન પ્રેમીઓ પણ આ પ્રાચીન કલા તરફ વળ્યા છે.
બળદેવભાઈ જણાવે છે કે, “ગુજરાત સરકારના હસ્તકલા પ્રોત્સાહન બોર્ડ દ્વારા અમને ડિઝાઇનિંગથી લઈને માર્કેટિંગ સુધીનો જે સહયોગ મળ્યો છે, તેનાથી નવી પેઢી ફરી આ વ્યવસાયમાં જોડાઈ છે.” વાઇબ્રન્ટ ગુજરાત જેવા પ્લેટફોર્મ ગ્રામીણ કલાકારો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે, જ્યાં તેમને હજારો મુલાકાતીઓ અને સંભવિત ખરીદદારો સાથે સીધો સંવાદ કરવાની તક મળે છે. આવા પ્રદર્શનો થકી હસ્તકલાનો આ વારસો હવે માત્ર સંગ્રહાલયો પૂરતો સીમિત ન રહેતા લોકોના ઘર સુધી અને વૈશ્વિક ફેશન રેમ્પ સુધી પહોંચી રહ્યો છે.
આમ, રાજકોટના આંગણે આયોજિત આ એક્ઝિબિશન માત્ર વ્યાપારનું માધ્યમ નથી, પરંતુ વિસરાતી જતી કલાઓને પુનર્જીવિત કરવાનું એક અભિયાન બની રહ્યું છે.
