Best Teacher Award 2026: 'શિક્ષણ માત્ર પુસ્તકીયા જ્ઞાન સુધી સીમિત ન રહેતું જોઈએ, પણ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ અને ચારિત્ર્ય નિર્માણનું શ્રેષ્ઠ માધ્યમ બનવું જોઈએ' એ ધ્યેય સાથે સુરતના ભટાર સ્થિત વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયના ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષિકા લીનાબેન મહેશચંદ્ર દેસાઈ છેલ્લા 26 વર્ષથી વધુ સમયથી વ્યાયામ અને શિક્ષણ ક્ષેત્રે અવિરત સેવાઓ આપી રહ્યા છે.
લીનાબેન દેસાઈની આ નિષ્ઠા અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ વર્ષ 2024ના જિલ્લા કક્ષાના એવોર્ડ બાદ હવે આગામી ૫મી સપ્ટેમ્બર 'શિક્ષક દિન' નિમિત્તે તેમને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે 'રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ' એનાયત કરવામાં આવશે.
વ્યાયામ શિક્ષક અને મદદનીશ શિક્ષિકા તરીકે કાર્યરત લીનાબેન દેસાઈ વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક રીતે મજબૂત બને તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમણે અત્યાર સુધીમાં 600વધુ વિદ્યાર્થીઓને જિલ્લા, રાજ્ય અને નેશનલ લેવલની રમતો સુધી પહોંચાડ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ રમત-ગમતમાં શ્રેષ્ઠ દેખાવ કરી રાજ્યના પ્રતિષ્ઠિત 'સરદાર પટેલ એવોર્ડ' અને 'દિગ્વિજય એવોર્ડ' પણ પ્રાપ્ત કરીને શાળા અને સુરત જિલ્લાનું નામ રોશન કર્યું છે.
ખેલાડીઓને તૈયાર કરવાની સાથે લીનાબેન પોતે પણ રમત-ગમત ક્ષેત્રે સિદ્ધિઓ મેળવી ચૂક્યા છે. 51વર્ષની વયે પણ સ્પોર્ટ્સ પ્રત્યે સમર્પિત લીનાબેન વોલિબોલના નેશનલ પ્લેયર રહી ચૂક્યા છે અને તેમણે વોલિબોલ સ્પર્ધાઓમાં ૫ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. તેમણે વોલિબોલ, ટેકવોન્ડો, બોક્સિંગ અને યોગમાં અનેક વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડી શ્રેષ્ઠ કોચની ભૂમિકા ભજવી છે.
શિક્ષણ અને રમત-ગમત ઉપરાંત લીનાબેન સામાજિક અને પર્યાવરણીય પ્રવૃત્તિઓમાં પણ સતત સક્રિય રહ્યા છે. વર્ષ 1994-95માં પ્લેગ મહામારીના સમયમાં તેમજ કોરોના કાળ દરમિયાન તેમણે જરૂરિયાતમંદો માટે અન્ન અને રાશન વિતરણની સેવાઓ આપી હતી.
'એક પેડ મા કે નામ' ઝુંબેશ અંતર્ગત વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણની કામગીરી બદલ તેમને 'પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-૨૦૨૫'થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અનાથ અને આદિવાસી કન્યાઓને શૈક્ષણિક સહાય તથા વિવિધ સામાજિક ટ્રસ્ટો સાથે જોડાઈને તેઓ જનસેવાની જ્યોત જલાવી રહ્યા છે.
લીનાબેન NCC ના 'B' અને 'C' સર્ટિફિકેટ ધરાવતા અંડર ઓફિસર રહી ચૂક્યા છે. તેઓ વર્ષ ૨૦૨૫માં સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ તેમજ હાલ સુરત જિલ્લા વોલિબોલ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે સંગઠનાત્મક સુકાન પણ સંભાળી રહ્યા છે. સાહિત્ય ક્ષેત્રે પણ રસ ધરાવતા લીનાબેનનો 'અનુભૂતિનું આકાશ' નામનો કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત થયો છે.
શૈક્ષણિક અને રમત-ગમતની યાત્રા વિશે વાત કરતાં લીનાબેને જણાવ્યું કે, મારા માટે શિક્ષણ અને રમત-ગમત એ માત્ર વ્યવસાય નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણની એક પવિત્ર તક છે. જ્યારે મારી પાસે આવેલા વિદ્યાર્થી રમત ગમતમાં કે ભણતરમાં રાષ્ટ્રીય સ્તરે ચમકે છે અને સરદાર પટેલ કે દિગ્વિજય જેવા એવોર્ડ મેળવે છે, ત્યારે શિક્ષક તરીકે મારું જીવન ધન્ય બની જાય છે.
5મી સપ્ટેમ્બરે મળનારો 'રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ' મારા તમામ વિદ્યાર્થીઓ, શાળા અને મને સતત સપોર્ટ કરનાર મારા પરિવારને સમર્પિત કરું છું. આ એવોર્ડ સમાજ અને વિદ્યાર્થીઓ પ્રત્યે વધુ નિષ્ઠાથી કામ કરવાની નવી ઊર્જા આપશે એમ તેઓ હર્ષ સાથે ઉમેરે છે.
