વાહ રે ગુજરાત! આ નાની દીકરીની કમાલ, સરકારી પરીક્ષા પાસ કરી મેળવ્યા લાખો રૂપિયાની શિષ્યવૃત્તિનો લાભ!

ગુજરાત સરકારની મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજનાથી વઢવાણની તેજસ્વી દીકરી માહી પાટડિયાએ CET પરીક્ષા પાસ કરી મેળવી શિષ્યવૃત્તિ. જાણો યોજનાની સંપૂર્ણ માહિતી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sat, 10 Oct 2026 02:11 AM (IST)Updated: Sat, 10 Oct 2026 02:11 AM (IST)
mahi-patadias-success-with-gyansetu-merit-scholarship-scheme

Gyanshaktu Merit Scholarship Scheme: જ્યાં દીકરીના હાથમાં પુસ્તક આવે છે, ત્યાં પરિવારના ભવિષ્યને નવી દિશા મળે છે અને જ્યાં દીકરી શિક્ષણ સાથે આગળ વધે છે, ત્યાં સમાજ પ્રગતિની નવી ઊંચાઈ સર કરે છે. ગુજરાતમાં દીકરીઓના શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણને પ્રાથમિકતા આપતી સરકારી પહેલોના સકારાત્મક પરિણામો આજે અનેક દીકરીઓની સફળતામાં જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન ‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા રાષ્ટ્રીય અભિયાનથી દીકરીઓના શિક્ષણ અંગે જાગૃતિને વેગ મળ્યો છે. રાજ્ય સરકારની શૈક્ષણિક યોજનાઓએ આ પ્રયાસોને વધુ મજબૂત બનાવ્યા છે.

વઢવાણની તેજસ્વી દીકરી માહી પાટડિયાની પ્રેરણાદાયી સફર

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાની પે સેન્ટર શાળા નંબર-12માં અભ્યાસ કરતી પાટડિયા માહી હિરેનભાઈ આવી જ એક તેજસ્વી દીકરી છે. ધોરણ-5માં અભ્યાસ કરતી વેળાએ જ માહીએ અભ્યાસ પ્રત્યેની લગન, બુદ્ધિપ્રતિભા અને મહેનતથી શિક્ષકો તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. પોતાની પ્રતિભાને યોગ્ય તક મળે તો દીકરીઓ કોઈ પણ ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરી શકે છે, તેનું માહીનું ઉદાહરણ પ્રેરણારૂપ બની રહ્યું છે.

માહીના શૈક્ષણિક વિકાસમાં ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ પહેલે દીકરીઓને શિક્ષણ સાથે જોડવા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે. શિક્ષણને પરિવારની જવાબદારીની સાથે સામાજિક વિકાસનું સાધન બનાવવાના આ પ્રયાસોથી દીકરીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે.

‘મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના’ બની સફળતાનું સોપાન

આ શૈક્ષણિક સફરમાં માહી માટે ‘મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના’ મહત્ત્વપૂર્ણ સોપાન બની છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાયેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)માં માહીએ પોતાની પ્રતિભાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેરિટ યાદીમાં સ્થાન મેળવી, શિષ્યવૃત્તિ માટે પસંદગી મેળવી. રાજ્ય સરકારની આ યોજના ધોરણ-1થી 5 સુધી સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ-6થી 7 અથવા 12 સુધી ગુણવત્તાસભર શિક્ષણ માટે પ્રોત્સાહન આપે છે.

યોજનાની પસંદગી પ્રક્રિયા સ્પર્ધાત્મક CET પરીક્ષાના મેરિટના આધારે થાય છે. રાજ્યના પ્રથમ 30 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદગીનો લાભ મળે છે. સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરતા પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ધોરણ-6થી 8 દરમિયાન વાર્ષિક રૂ. 20 હજાર, ધોરણ-9 અને 10માં રૂપિયા 22 હજાર તથા ધોરણ-11 અને 12માં રૂપિયા 25 હજારની આર્થિક સહાય આપવામાં આવે છે.

સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ ચાલુ રાખનારા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ તથા બસ પાસ સાથે ધોરણ-6થી 8માં વાર્ષિક રૂપિયા 5 હજાર, ધોરણ-9 અને 10માં રૂપિયા 6 હજાર તથા ધોરણ-11 અને 12માં રુપિયા 7 હજારની પ્રોત્સાહક સહાય મળે છે.

પારદર્શક વ્યવસ્થાથી સીધા ખાતામાં જમા થાય છે નાણાં

યોજનાની પારદર્શક વ્યવસ્થામાં શિષ્યવૃત્તિની રકમ સીધી વિદ્યાર્થીના આધાર-લિંક્ડ બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે જમા કરવામાં આવે છે. આ વ્યવસ્થા વિદ્યાર્થીઓ સુધી સહાય સરળતાથી પહોંચાડે છે અને શિક્ષણ માટેની આર્થિક જરૂરિયાતને ટેકો આપે છે.

શિષ્યવૃત્તિ મળ્યા બાદ આનંદ વ્યક્ત કરતાં માહી પાટડિયા જણાવે છે કે- મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ મળવાથી મને આગળના અભ્યાસ માટે પ્રેરણા સાથે આર્થિક ટેકો મળ્યો છે. આ યોજના થકી હું નિશ્ચિંત બનીને આગળનો અભ્યાસ ઉત્સાહપૂર્વક કરી શકીશ. દીકરીઓના શિક્ષણ માટે સહયોગ આપવા બદલ હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું.

'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્પને મજબૂત આધાર

માહીની સફળતા એક વ્યક્તિગત સિદ્ધિની સાથે શિક્ષણ ક્ષેત્રે સરકારના પ્રયાસોની અસરકારકતાનું પ્રતિબિંબ છે. દીકરીઓને શિક્ષણની સમાન તક, આર્થિક સહાય અને યોગ્ય માર્ગદર્શન મળે ત્યારે તેમની પ્રતિભાને નવી ઉડાન મળે છે. ગુજરાતમાં આજે અનેક દીકરીઓ અભ્યાસ, વિજ્ઞાન, રમતગમત, કલા, ટેક્નોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના સંકલ્પથી પ્રેરિત પ્રયાસો અને ગુજરાત સરકારની શૈક્ષણિક યોજનાઓના સંકલિત પરિણામે દીકરીઓના શિક્ષણ પ્રત્યે સમાજની વિચારસરણીમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. માહી જેવી તેજસ્વી દીકરીઓના સપનાઓને આર્થિક સહાય, શિક્ષણની તક અને પ્રોત્સાહનનું પીઠબળ મળતાં ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને નવી શક્તિ મળી રહી છે. શિક્ષિત દીકરી આજે પોતાના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે અને આવતી પેઢીના વિકાસનો પાયો મજબૂત કરે છે.