Shram Card: અસંગઠિત ક્ષેત્રોના શ્રમિકો માટે કેન્દ્ર સરકારે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરી દીધું છે. તેનાથી અસંગઠિત ક્ષેત્રના લગભગ 38 કરોડ શ્રમિકોને ફાયદો થશે. સરકાર આ પોર્ટલ દ્વારા નેશનલ ડેટાબેઝ તૈયાર કરશે અને આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરનારા શ્રમિકોને એક ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડની મદદથી રજિસ્ટર્ડ શ્રમિક દેશમાં ક્યાંય પણ, ગમે ત્યારે જુદી-જુદી સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ લઈ શકશે. પરંતુ શું તમે જાણો છો કે આ ઈ શ્રમ કાર્ડ કેવી રીતે કઢાવી શકાય છે? ચાલો જાણીએ તમામ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ
કોણ કરાવી શકે છે રજિસ્ટ્રેશન
ઈ કાર્ડ માટે 16થી 59 વર્ષનો કોઈપણ શખ્સ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન ઈ-શ્રમ પોર્ટલ https://eshram.gov.in/ દ્વારા કારીગર પોતે કે પછી કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) પર જઈને કરાવી શકે છે. રજિસ્ટ્રેશન તદ્દન ફ્રી છે. કારીગરોએ તેના માટે કોઈ ચૂકવણી કરવાની નથી.
કયા દસ્તાવેજ જરૂરી
પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે નામ, વ્યવસાય, સરનામું, શૈક્ષણિક યોગ્યતા, સ્કિલ જેવી જાણકારી આપવાની રહેશે. રજિસ્ટ્રેશન માટે આધાર નંબર નાખતા જ ત્યાંના ડેટા બેઝ સાથે કારીગરની બધી માહિતી જાતે જ પોર્ટલમાં જોવા મળશે. વ્યક્તિએ બાકીની જરૂરી જાણકારીઓ ભરવાની રહેશે. કારીગર દ્વારા ઈ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા માટે આધારનો નંબર, આધાર સાથે લિંક મોબાઈલ નંબર, બેંક ખાતાની જરૂર પડશે. જો કોઈની પાસે આધારથી લિંક મોબાઈલ નંબર નથી તો, તે નજીકના સીએસસી પર જઈ શકે છે અને બાયોમેટ્રિક માધ્યમથી રજિસ્ટ્રેશન કરી શકે છે.
જાણો રજિસ્ટ્રેશનની પ્રોસેસ
- સત્તાવાર વેબસાઇટ ( eshram.gov.in) પર જાઓ.
- હોમ પેજ પર દેખાતા Register on E-shram ના વિકલ્પ પર ક્લિક કરો.
- આધાર સાથે લિંક મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરો.
-'SEND OTP' પર ક્લિક કરો. - OTP દાખલ કરો, ત્યારબાદ ઇ-શ્રમ માટે રજિસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે.
- ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી તેમાં ભરો.
- એકવાર બધી માહિતી ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો. તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થશે.
ટોલ ફ્રી નંબર પણ જારી
પોર્ટલ પર રહેલી જાણકારી મુજબ, ઈ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છુક શ્રમિકોની મદદ માટે સરકારે એક રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર 14434 પણ શરૂ કર્યો છે. જો કોઈ શ્રમિક આ હેલ્પ ડેસ્ક નંબર પર સંપર્ક કરવામાં અસમર્થ રહે છે તો પછી તેઓ સીએસસી (કોમન સર્વિસ સેન્ટર) દ્વારા ઉપલબ્ધ કરાવાયેલા 10 આંકડાના નંબર પર સંપર્ક કરી શકે છે.