Mother Language Day: માતૃભાષાના સન્માનનો દિવસ, ધરમપુરના અંતરિયાળ ગામોમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા શિક્ષકોના સંનિષ્ટ પ્રયાસ

સ્થાનિક બોલીમાં વાત કરીએ તો બાળકો ખુશી ખુશીથી ભણતા હોય છે, સાથે ગુજરાતી ભાષાના સિંચનથી બાળકોની ઉજ્જવળ કારકિર્દીનું પણ ઘડતર થાય છેઃ શિક્ષિકા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Feb 2026 12:08 AM (IST)Updated: Sat, 21 Feb 2026 12:08 AM (IST)
international-mother-language-day-2026-teachers-in-dharampurs-border-villages-keep-gujarati-alive
HIGHLIGHTS
  • ભાષા માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનો આધારસ્તંભ છે

International Mother Language Day 2026: 'ધવળા ધવળા સસલા, ઇકુન ધાવધે તીકુન ધાવધે, માલ હેરી ને પળી જાય, ડોંગરા વર ચઢી જાય…' એટલે ગુજરાતી ભાષામાં સમજીએ તો, 'ધોળું ધોળું સસલું, આમ દોડે તેમ દોડે, મને જોઈ ને નાસી જાય, ડુંગર ઉપર ચઢી જાય…'

વારલી બોલીમાં ગવાતી આ કવિતા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બોર્ડર વિલેજ ગામ તરીકે પહાડોની ગોદમાં વસેલા પેણધા ગામની આંઘોડી સરકારી પ્રાથમિક શાળામાં ભણાવવામાં આવે છે.

12 ગામ બોલી બદલાય તેમ ધરમપુરની સરહદે આવેલા ગામોમાં મરાઠી ભાષાના લહેકા સાથે વારલી બોલી બોલવામાં આવે છે, ત્યાં ઘરે-ઘરે આપણી માતૃભાષા ગુજરાતી પ્રચલિત નથી, પરંતુ નવી પેઢીના બાળકોને માતૃભાષા ગુજરાતી તરફ વાળવા માટે શિક્ષકો સૌ પ્રથમ વારલી બોલી શીખી રહ્યા છે. જે બાદ બાળકોને ધીમે ધીમે ગુજરાતી ભાષા તરફ વાળવાનો સંનિષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.

આજે આ વાત આપણે એટલા માટે કરી રહ્યા છે કે, તા. 21 ફેબ્રુઆરીના રોજ સમગ્ર દુનિયામા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતના છેવાડાના બોર્ડર વિલેજની સ્કૂલોમાં પણ ગુજરાતી માતૃભાષાને જીવંત રાખવા માટે શિક્ષકો દ્વારા થઈ રહેલા પ્રયાસ ખરેખર બિરદાવવા લાયક છે.

naidunia_image

'જેણે પોતાની ભાષા ભૂલી, તેણે પોતાની ઓળખ ભૂલી'
ભાષા માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ એ સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનો આધારસ્તંભ છે. બાળક જ્યારે જન્મે છે, ત્યારે તે પ્રથમ જે શબ્દો સાંભળે છે, તે તેની માતૃભાષાના હોય છે.

21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ ભાષાઓના સંરક્ષણ અને વિકાસ માટે સમર્પિત છે. વિશ્વભરમાં અનેક લોકભાષા-બોલીઓ લુપ્ત થવાના આરે છે. જો આપણે પોતાની માતૃભાષા પ્રત્યે ગર્વ નહી અનુભવીએ તો આવનારી પેઢી પોતાની સંસ્કૃતિથી વંચિત રહી શકે છે.

માતૃભાષા જ જ્ઞાનનો મજબૂત પાયો હોવાથી રાજ્ય સરકાર દ્વારા પણ સરાહનીય પ્રયાસ થઈ રહ્યા છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પેણધા ગામ તેમજ આસપાસના ગામોમાં વારલી બોલી બોલવામાં આવે છે.

naidunia_image

સરકારી શાળામાં પ્રવેશ મેળવનારા બાળકો પણ વારલી બોલી જ સમજતા હોવાથી આવા સંજોગોમાં બાળકોને ગુજરાતી ભાષા તરફ વાળવુ અઘરૂ બની જાય છે. જેથી નવી પેઢીના બાળકોને માતૃભાષા ગુજરાતી તરફ વાળવા હોય તો શિક્ષકોએ સૌથી પહેલા સ્થાનિક બોલી શીખવી જરૂરી છે.

ધરમપુરના પેણધા ગામમાં આવેલી પ્રાથમિક શાળા આંઘોડીમાં હાલમાં બાલવાટીકાથી ધો. 8 સુધીમાં 102 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે, જે અંગે વાત કરતા શિક્ષિકા દર્શનાકુમારી પટેલ જણાવે છે કે, અહીં વારલી બોલી ઘર ઘરમાં બોલાતી હોવાથી શાળામાં પ્રવેશતાની સાથે જ શરૂઆતમાં બાળકોને ગુજરાતી ભાષા શીખવીએ તો સરળતાથી સમજતા નથી.

ગુજરાતી ભાષાના બીજ રોપવા માટે અમારે સૌપ્રથમ ગામના વડીલો પાસે વારલી બોલી શીખવી પડે છે. શરૂઆતમાં બાળકોને સ્થાનિક ભાષામાં જ શિક્ષણ મળી રહે તે માટે GCERT દ્વારા સ્થાનિક બોલીના મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યા છે. જેનો અમારે અભ્યાસ કરી લોકલ બોલી શીખવી પડે છે.

મારો પોતાનો અનુભવ કહું તો, વારલી બોલી શીખ્યા બાદ હવે હું બાળકોને ભણાવુ તો મારી સાથે તેઓનો આત્મીયભાવ વધ્યો છે. હવે તેઓ મને કોઈપણ પ્રોબ્લમ હોય તો નિઃસંકોચપણે જણાવે છે. બાલવાટીકાથી ધો. 2 સુધી તેઓને વારલી બોલીમાં શીખવીને ધીમે ધીમે ગુજરાતી ભાષા તરફ વાળી રહી છું.

naidunia_image

બાળકો સાથે રૂટીન ભાષામાં વાત કરતા કેટલાક રસપ્રદ વાક્યો વિશે શિક્ષિકા દર્શનાબેન જણાવે છે કે, કાલ દિસ તું નિશાળમાં કસે ના ઈધેલ? (ગઈકાલે તું નિશાળમાં કેમ નહીં આવ્યો હતો?) મી કાલ દિસ બાળદી હતા. (ગઈકાલે હું નાના ભાઈ/ બહેન ને રાખવા માટે ઘરે હતો), તુમી આજ નિશાળમાં કસે મગ આલશ? એટલે કે, તમે આજે નિશાળમાં કેમ મોડા આવ્યા?

તુમી કાલદિસ એળ ચે કાય ખાલા? (તમે કાલે રાત્રે શું જમ્યા?), તું કાલદિસ નિશાળમાં કસે નાય ઈધેલ? (તું કાલે નિશાળમાં કેમ નહીં આવ્યો હતો?) મુરકુટ ચાવત આહાય. (મચ્છર કરડે છે.) તું લ આજ ના બેસ? (તને આજે નથી સારું?) આવા અનેક શબ્દો શીખી બાળકોને ગુજરાતીમાં શિક્ષણ આપી આપણી માતૃભાષા ગુજરાતીનું જતન કરી રહ્યા છે.

2001માં શાળાની સ્થાપના થઈ, ત્યારે ઘણી મુશ્કેલી પડી, આજે યુવા પેઢીને ગુજરાતીમાં વાત કરતા જોઈ ગર્વ થાય છેઃ મુખ્ય શિક્ષક
ધરમપુરના પેણધા ગામની આંઘોડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક જયેશભાઈ રાઠોડે જણાવ્યું કે, વર્ષ 2001માં પેણધા ગામમાં આ સરકારી શાળાની સ્થાપના થઈ ત્યારથી હું ફરજ બજાવું છું. સ્થાનિક વારલી બોલીના ચલણને કારણે શરૂઆતમાં બાળકોને શિક્ષણ આપવામાં મુશ્કેલી પડી હતી.

જો કે ગામના વડીલો પાસે તેમજ આ વિસ્તારના શિક્ષકો પાસે પહેલા સ્થાનિક બોલી શીખ્યા બાદ બાળકોને ગુજરાતી ભાષામાં શિક્ષણ પીરસવાનું શરૂ કર્યુ હતું. અમારી સ્કૂલમાંથી ભણીને ગયેલા સ્થાનિક બાળકોને હાલ ગુજરાતી ભાષામાં બોલતા જોઈને અમે ખુશી અનુભવીએ છીએ.

NCERT દ્વારા પણ સ્થાનિક ભાષામાં 20 ટકા અભ્યાસક્રમના મોડ્યુલ તૈયાર કરાયા છે. બાકીનો 80 ટકા અભ્યાસક્રમ ગુજરાતી ભાષામાં હોય છે. આમ, સ્થાનિક બોલી પહેલા શિક્ષકોએ શીખવી પડે છે, ત્યારબાદ બાળકોને ગુજરાતી ભાષા તરફ દોરી રહ્યા છે.