Kochrab Ashram in Ahmedabad: સ્વાતંત્ર્ય દિવસ સ્પેશિયલઃ શા માટે મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કરી કોચરબ આશ્રમની સ્થાપના

By: Rajendrasinh ParmarEdited By:Rajendrasinh ParmarPublish Date: Wed, 14 Aug 2024 07:00 AM (IST)Updated: Wed, 14 Aug 2024 07:00 AM (IST)
independence-day-2024-kochrab-ashram-in-ahmedabad-where-gandhi-became-the-mahatma-full-details-inside

રાજેન્દ્રસિંહ પરમાર, અમદાવાદ.
India Independence Day 2024, 15 August:
મહાત્મા ગાંધી સત્યને અહિંસા દ્વારા રાષ્ટ્રસેવા કરી શકાય તે માટે વર્ષ 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવીને આશ્રમની સ્થાપના કરી. સાબરમતી નદીને કિનારે અમદાવાદના કોચરબ ગામમાં બૅરિસ્ટર જીવણલાલ વ્રજલાલ દેસાઈના ભાડાના બંગલામાં આશ્રમ સ્થાપવામાં આવ્યો. 20મી મે 1915ના દિવસે આશ્રમનું વાસ્તુ કરવામાં આવ્યુ હતુ. 22મી મે 1915ના દિવસે દક્ષિણ આફ્રિકાથી એમની સાથે આવેલા 25 અંતેવાસીઓ સાથે રહેવા ગયા હતા. 25મી મે 1915ના દિવસે વિધિવત્ આશ્રમની સ્થાપના કરી હતી.

આ આશ્રમ દ્વારા દક્ષિણ આફ્રિકામાં રંગદ્વેષની નાબૂદી અર્થે સત્યાગ્રહની જે કાર્યપદ્ધતિનો ઉપયોગ એમણે કર્યો હતો તેની ઓળખ ભારતવર્ષને કરાવવી હતી. તેથી એમણે તથા સાથીઓએ આશ્રમનું નામ ‘સત્યાગ્રહાશ્રમ’ પસંદ કર્યું. પોતાના હાથે લખેલી આશ્રમની નિયમાવલિમાં ગાંધીજીએ આશ્રમનો ઉદ્દેશ ‘જગતહિતની અવિરોધી એવી દેશસેવાની કેળવણી લેવી ને એવી દેશસેવા કરવાનો સતત પ્રયત્ન કરવો’ એ દર્શાવ્યો છે. થોડા સમય પહેલા આ આશ્રમનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. આશ્રમમાં આજે પણ મહાત્મા ગાંધીની કેટલીક મહત્વની વસ્તુઓ સચવાયેલી છે.

naidunia_image

અમદાવાદમાં જ કેમ આશ્રમની સ્થાપના કરવામાં આવી
આ અંગે કુલ સચિવ હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી ગુજરાતી હતા. દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ તેમને આશ્રમની સ્થાપના કરવાની હતી. આશ્રમની સ્થાપના કરવા માટે તેમણે અમદાવાદ શહેરની પંસદગી કરી હતી. આમ તો તેઓ પોતાના વતન પોરબંદરમાં આશ્રમ સ્થાપી શકતા હતા. પરંતુ અમદાવાદમાં આશ્રમ સ્થાપવા બાબતે મહાત્મા ગાંધીએ લખ્યુ છે કે, અમદાવાદ પર મારી નજર ઠરી હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો. અમદાવાદ પૂર્વે હાથ વણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહી જ સારી રીતે થઇ શકે એવી માન્યતા હતી. ગુજરાતનું પાટનગર હોવાથી અહીના ઘનાઢ્ય લોકો ધનની વધારે મદદ દઇ શકે એવી પણ આશા હતી.

naidunia_image

આથી મહાત્મા ગાંધીએ અમદાવાદમાં આશ્રમ સ્થાપવાનું નક્કી કર્યુ. અને કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમમાં મુખ્ય મકાન બે માળનું છે. જેમાં નીચેના ભોંયતળીએ પ્રથમ માહત્મા ગાંધીનો રૂમ છે. જ્યા આજે પણ ચરખો, ઢાળીયુ. ટેબલ ખુરશી, નીચે બેસવા માટે ગાંદલા અને તકીયા સચવાયેલા છે. મહાત્મા ગાંધીના રૂમમાં કેટલાંક પત્રો મઢીને મુકવામાં આવ્યા છે. બાજુમાં કસ્તુરબાનો રૂમ આવેલો છે. તેમાં પણ કસ્તુબા જે ચરખાથી વણાટ કરતાં હતા, તે સચવાયેલો છે. ઉપરના માળમાં એક મોટો હોલ છે. જ્યાં મહત્વની બેઠકો થતી હતી. હોલની બાજુમા નાનું પુસ્તકાલય હતું જેમાં આજે એક ટેબલ અને બે ચાર ખુરશી સચવાયેલી છે.

naidunia_image

કોચરબ આશ્રમમાં ભોજનની સાથે અસ્વાદ વ્રત પાળવામાં આવતું
મહાત્મા ગાંધી આશ્રમવાસીઓ માટેની ભોજનની ખાસ કાળજી લેતા હતા. આશ્રમમાં વસવાટ કરતાં લોકો માટે ભોજનનું મેનું પણ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં સવારે નાસ્તામાં ફળહાર આપવામાં આવતા હતા. સવારનો નાસ્તાનો સમય 5.30 થી 7.00 રાખવામાં આવ્યો હતો. બપોરના ભોજનમાં દાળભાત, શાક, રોટલી અને ફળહાળ આપવામાં આવતું હતું. બપોરના ભોજનનો સમય 10.00થી 12.00 રાખવામાં આવ્યો હતો. રાત્રિના ભોજનમાં બપોરના મેનું પ્રમાણે દાળભાટ, શાક રોટલી અને ફળહાળ આપવામાં આવતું હતું. સાંજનું ભોજન 5.00થી 6.00 સુધીનો સમય રાખવામાં આવ્યો હતો.

naidunia_image

ભોજન બાદ સર્વ પોતાના વાસણ જાતે સાફ કરવાના રહેતા હતા. કોચરબ આશ્રમના ભોજન વિશે મામા સાહેબ ફડકે લખે છે કે, આશ્રમનું જીવન બહુ આકરું હતું. ભોજનમાં મરચું, મસાલા વધારે વપરાતા ન હતાં. અરે મીઠું પણ ઉપરથી લેવું હોય તે લઇ શકે. દુધ દહીં છાશ વગેરે નિષેધ હતા. કોઇક વાર મેથી આખીને આખી રાંઘેલી કંઇ પણ નાખ્યા વગર શાક તરીકે ખાવા મળતી હતી. એનો અર્થ એમ કે ભુખે મરતાં હતા એમ નથી. અસ્વાદ વ્રત પાળતા હતા એમ કહેવાય. મહર્ષિ કવિ જેવા મહેમાનોને પણ આવુ ખાવુ પડતું હતું. ગાંધીજી રસોઇમાં જો કડવી મેથી ખવડાવતા તો સ્વાદિષ્ટ મોટી રસદાર કેરીઓ પણ ભરપુર ખવડાવતા. કેળા ખવડાવતા, બન્ને વખત ભોજનમાં તાજા લીંબુ છૂટથી વાપરતા હતાં.

naidunia_image

મહાત્મા ગાંધી ચાર વાગે ઉઠેની સૌને જગાડતા હતા
કોચરબ આશ્રમ ખાતે બીજા માળે જ્યાં બેઠક રૂમ આવેલો છે ત્યાં અગાસીમાં આજે પણ એક બેલ લગાવામાં આવ્યો છે. આ બેલ જ્યારે મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ ખાતે રહેવા માટે આવ્યા ત્યારથી અહી સચવાયેલો છે. મહાત્મા ગાંધી સવારે ચાર વાગે ઉઠી જતા હતા. ત્યાર બાદ આશ્રમમાં વસવાટ કરતાં આશ્રમવાસીઓને જગાડવા માટે બેલ વગાડતા હતા. જે આજે પણ સચવાયેલો પડ્યો છે.

naidunia_image

વર્ષ 1915માં મામા સાહેબ ફાડકેઓ પોતાની જીવવકથામાં લખ્યુ છે કે, સવારે 4 વાગે અમે ઉઠતા હતા. તે સમયે બધાને ઉઠાડવા માટે ઘંટ હુ વગાડતો હતો. સવારે ઉઠીને પહેલુ કામ દળવાનું હતુ. આશ્રમના રસોડામાં બે ત્રણ ઘંટીઓ હતી જેમાં અલગ અલગ માણસો દળતા હતા. આમ કોચરબ આશ્રમમાં સવારની કામગીરીના કેટલાંક પુરાવા જોવા મળે છે.

naidunia_image

કોચરબ આશ્રમમાં ગાંધીજીએ કરેલા ઉપવાસ
મહાત્મા ગાંધીએ 1 જૂન 1915ના રોજ આશ્રમમાં રહેતા છોકરાઓમાં રહેલા જૂઠને કારણે ઉપવાસ કર્યાં હતા. 12 સપ્ટેમ્બર 1915ના રોજ એક આશ્રમવાસીએ બીડી પીધી જેથી મહાત્મા ગાધીએ ઉપવાસ કર્યો હતો. વર્ષ 12 જૂન 1916માં મણિલાલે ગાંધીજીની જાણ બહાર હરિલાલને મદદ કરીને થોડા પૈસા મોકલ્યા હતા તેથી ગાંધીજીએ ત્રણ દિવસ ઉપવાસ કર્યો હતો. આમ કોચરબ આશ્રમમાં કોઇ પણ પ્રકારના નિયમનું પાલન ન થાય તો ગાંધીજી ઉપવાસના શસ્ત્રથી સમજણ આપતા હતા.

naidunia_image

સત્યાગ્રહ આશ્રમ નામ કેવી રીતે પડ્યુ
ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યુ છે કે, આશ્રમનું નામ શું પાડવું એ પ્રશ્ન તુરંત ઉઠવો. મિત્રો સાથે મસલત કરી. કેટલાંક નામો મળ્યા, સેવાશ્રમ, તપોવન જેવા સૂચવાયા હતા. સેવાશ્રમ નામ ગમતુ હતુ. પણ તેમાં સેવાની રીતે ઓળખ થતી નહોતી. તપોવન નામ પસંદ જ ન કરાય કેમ કે, જો કે તપસ્યા પ્રિય હતી તેમ છતાં તે નામ ભારે પડતુ હોય તેવું લાગતુ હતુ.

naidunia_image

અમારે તો સત્યની પૂજા, સત્યની શોધ કરવી હતી. તેનો જ આગ્રહ રાખવો હતો. અને દક્ષિણ આફ્રિકામાં જે પદ્ધતિનો મે ઉપયોગ કર્યો હતો તેની ઓળખ ભારત વર્ષમાં કરાવી હતી. અને તેની શક્તિ ક્યાં સુધી વ્યાપક થઇ શકે તે જોવું હતુ. તેથી મે અને સાથીઓએ સત્યાગ્રહ નામ પંસદ કર્યુ હતુ. તેમાં સેવાનો અને સેવાની પદ્ધતિનો ભાવ સહેજ આવી જતો હતો.

naidunia_image

આશ્રમમાં ઊંચનીચના કે સ્ત્રી-પુરુષના ભેદ નહોતા
ગુજરાત વિશ્વકોષમાં દર્શાવ્યા પ્રમાણે આશ્રમમાં ધર્મના, નાતજાતના, ઊંચનીચના કે સ્ત્રી-પુરુષના ભેદ નહોતા. તમામ આશ્રમવાસીઓ એક બૃહદ પરિવારના સભ્ય હોય એમ વર્તતા હતા. આશ્રમમાં કોઈ નોકર નહોતો. દળવું, પાણી ભરવું, રસોઈ કરવી, વાસણ માંજવાં, આશ્રમની અને ખાનાંની સફાઈ કરવી વગેરે કામો સૌ આશ્રમવાસીઓએ વારા પ્રમાણે કરવાનાં રહેતાં.

naidunia_image

આશ્રમવાસીઓનાં બાળકોનાં શિક્ષણ માટે ગાંધીજીએ આશ્રમમાં રાષ્ટ્રીય શાળા શરૂ કરી હતી. એમાં માતૃભાષા, રાષ્ટ્રભાષા તથા એક વિષય તરીકે અંગ્રેજી વગેરે ભાષાઓ શીખવાતી. બે કલાકનો ઉત્પાદક શ્રમ દરેક વિદ્યાર્થીએ કરવાનો રહેતો. શિક્ષણ માટે કોઈ પગારદાર શિક્ષક નહોતો. આશ્રમવાસીઓ જ શિક્ષકોનું કામ કરતા હતા. શિક્ષણમાં જ્ઞાન કરતાં વિદ્યાર્થીના ચારિત્ર્ય ઘડતર પર ખાસ ભાર મૂકવામાં આવતો હતો.

naidunia_image

કોચરબ આશ્રમાં રહેનાર પહેલુ પરીવાર દૂદાભાઇ દાફડા
કોચરબ આશ્રમમાં પહેલું પરિવાર રહેવા માટે આવ્યુ તેમનું નામ દાનીબેન દાફડા અને દૂદાભાઇ દાફડા હતુ. તેમનું પરિવાર કોચરબ આશ્રમમાં વસનાર પહેલું અને અંત્યજ કુંટુબ હતુ. દૂદાભાઇની સાથે પત્ની દાનીબેન અને એક વર્ષની દિકરી લક્ષ્મી પણ હતાં. સત્યાગ્રહ આશ્રમની સ્થાપનના થોડા જ મહિનામાં ઠક્કરબાપાની ભલામણથી તેઓ આશ્રમમાં આવ્યા હતા.

naidunia_image

મુંબઇમાં શિક્ષકનું કામ કરતાં દૂદાભાઇ આશ્રમના નિયમોનું પાલન કરવા તૈયાર હતા. એથી ગાંધીજીએ એમને આશ્રમમાં તો લીધા પરંતુ અત્યંજના પ્રવેશના કારણે આશ્રમની અંદર અને બહાર ખળભળાટ શરૂ થઇ ગયો હતો. આશ્રમની આર્થિક મદદ બંધ થઇ ગઇ હતી. જો કે, થોડા જ સમયમાં અણધારી આર્થિક મદદ સાપડી હતી. દૂદાભાઇ અને તેમની પત્ની દાનીબેન આશ્રમમાં સૂક્ષ્મ ભેદભાવ સહન કરીને પણ આદર્શ આશ્રમવાસી બની રહ્યા હતા. થોડા જ વખતમાં આવા સુક્ષ્મ ભેદભાવો પણ ભુલાઇ ગયા હતા. અને અસ્પૃશ્યતાને આશ્રમમાં સ્થાન નથી તે આરંભકાળમાં જ સ્પષ્ટ થઇ ગયુ હતુ.