Coconut Cultivation Subsidy: ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્યરત નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા નાળિયેરીના વાવેતર હેઠળના વિસ્તારને વધારવા માટે 'નાળિયેર હેઠળના વિસ્તારનું વિસ્તરણ' (Area Expansion Program) યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ નવા બગીચા સ્થાપવા માંગતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
સહાય બે હપ્તામાં મળશે
નાળિયેર વિકાસ બોર્ડના જૂનાગઢ સ્થિત રાજ્ય કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, પાત્ર ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. 56,000 ની નાણાકીય સહાય મળવાપાત્ર થશે. આ સહાયની રકમ ખેડૂતોને બે સમાન વાર્ષિક હપ્તામાં ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો
કોણ લઈ શકશે આ યોજનાનો લાભ?
યોજનાનો લાભ મેળવવા માટે બોર્ડ દ્વારા અમુક ચોક્કસ શરતો અને પાત્રતા નક્કી કરવામાં આવી છે:
- જમીન ધારકો: પોતાની જમીન ધરાવતા ખેડૂતો અથવા સંસ્થાઓ આ યોજના માટે પાત્ર છે.
- લઘુત્તમ વાવેતર: વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓછામાં ઓછા 10 રોપા (અંદાજે 0.08 હેક્ટર) નાળિયેરના રોપા વાવવાના રહેશે.
- મહત્તમ મર્યાદા: ખેડૂત મહત્તમ 2 હેક્ટર સુધીની મર્યાદામાં સહાય મેળવી શકે છે.
- રોપાઓની સંખ્યા: પ્રતિ હેક્ટર અંદાજે 160 રોપાના વાવેતરના આધારે સહાયની ગણતરી કરવામાં આવશે.
અરજી કરવાની પ્રક્રિયા
લાભાર્થી ખેડૂતોએ રોપા રોપ્યા પછી ઓનલાઇન અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે:
- 1). અધિકૃત વેબસાઇટ [https://coconutboard.gov.in/docs/aepgujarat.pdf] પરથી પ્રથમ વર્ષની સબસિડી માટેનું ફોર્મ મેળવી શકાય છે.
- 2). ભરેલી અરજી જરૂરી દસ્તાવેજો સાથે નાળિયેર વિકાસ બોર્ડ, બહુમાળી ભવન, સરદાર બાગ, જૂનાગઢ (362001) ને મોકલી આપવાની રહેશે.
- 3). બોર્ડ દ્વારા અરજીની પ્રક્રિયા અને ચકાસણી પૂર્ણ થયા બાદ સબસિડીની રકમ સીધી જ ખેડૂતના બેંક ખાતામાં (DBT) જમા કરવામાં આવશે.
વધારે માહિતી માટે સંપર્ક સૂત્ર
નાળિયેર વિકાસ બોર્ડ જૂનાગઢના ઉપ નિર્દેશક કુમારવેલ એસ. દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ખેડૂતો વધુ વિગતો માટે ટેલિફોન નંબર 0285-2990230 પર સંપર્ક કરી શકે છે અથવા sc-junagadh@coconutboard.gov.in પર ઇમેઇલ દ્વારા માહિતી મેળવી શકે છે.
ગુજરાતના દરિયાકાંઠાના અને અનુકૂળ જમીન ધરાવતા વિસ્તારોમાં નાળિયેરની ખેતીને પ્રોત્સાહન મળવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને ગ્રીન કવર પણ વધશે.
