Vadodara: વડોદરાની એક જાગૃત જુવાન છોકરી અનુસિંહ રાજપૂત મહિલાઓ અને કિશોર કિશોરીઓમાં માસિક સાફસફાઈ વિશે જાગૃતિ લાવવા માટેની એક પ્રેરણાદાયક પહેલથી દરેકનું ધ્યાન ખેંચી રહી છે. જ્યારે ઘણાં લોકો તેમના કારકિર્દી અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે તેણી સમાજમાં સૌથી વધુ સ્ટિગ્માવાળા મુદ્દામાંથી એક — માસિકધર્મ અંગે જાગૃતતા ફેલાવવાનો નિર્ણય કર્યો છે.
તેની આ પહેલ ત્યારે શરૂ થઈ જ્યારે તેણીએ નોંધ્યું કે, તેના આસપાસની ઘણી મહિલાઓ યોગ્ય માસિક પ્રથાઓ વિશે અજાણ હતી. જ્યારે કેટલાક લોકો હજુ પણ માહિતીની અભાવ અથવા ખર્ચની અસમર્થતા કારણે અસુરક્ષિત અને અસ્વચ્છ પદ્ધતિઓ પર ભરોસો કરી રહી હતી. આ માનસિકતા બદલાવવા માટે પ્રતિબદ્ધતા દાખવી તેણીએ નાના નાના પગલાથી શરૂઆત કરી. પોતાના મિત્રો અને સમુદાયની મહિલાઓ સાથે વાત કરવા, જૂથ ચર્ચાઓનું આયોજન કરવા અને માસિક સાફસફાઈ પર શૈક્ષણિક પેમ્પલેટ વિતરણ કરવાની શરૂઆત કરી.
અનુસિંહ શાળાઓ, ઝૂંપડપટ્ટી, ઓવરબ્રિજ નીચેના વિસ્તારો, રેલવે પ્લેટફોર્મની આસપાસ અને સ્વ-સહાય જૂથોમાં વર્કશોપ સંચાલિત કરે છે, જ્યાં તે સેનેટરી પૅડ્સનો ઉપયોગ કરવા, પિરિયડ્સ દરમિયાન સ્વચ્છતા જાળવવાની અને માસિકધર્મ દરમિયાનના પેડસના કચરાને જવાબદારીપૂર્વક નિકાલ કરવાનું મહત્વ સમજાવે છે. તે ટકાઉ સ્વચ્છતા માટે પુન:ઉપયોગ કરી શકાય એવા કાપડના પૅડ્સ અને માસિક કપ્સ જેવા કિફાયતી વિકલ્પો પર પણ પ્રકાશ પાડે છે.
આ પ્રેરણાત્મક વિષય અંગે વાતચીત કરતા તે કહે છે, "પિરિયડ્સ એક પ્રતિબંધિત વિષય નથી. તે એક કુદરતી પ્રક્રિયા છે. જો મહિલાઓ યોગ્ય રીતે સ્વચ્છતા રાખતી નથી, તો તે માત્ર તબિયતને જ નહીં પરંતુ આત્મવિશ્વાસને પણ અસર કરે છે. હું ઇચ્છું છું કે દરેક છોકરી સુરક્ષિત અને જાણકારી સાથે પિરિયડ્સને અનુભવ કરે.
તેણીના આ અભિયાને અનેક મહિલાઓ અને યુવતીઓના જીવનને સ્પર્શ્યું છે, જેનાથી માસિક ધર્મ અંગેની ગેરસમજોથી મુકત થવામાં મહિલાઓને મદદ કરી છે. તે પોતાની કાર્યક્ષમતા અને પારદર્શકતા માટે પોતાનો અનુભિતિ ચેરિટેબલ ટ્રસ્ટ પણ શરૂ કર્યો છે.
અનુસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ‘‘મેં 2018માં પીરિયડ્સ અને માસિક સ્વચ્છતા અંગે જાગૃતતા ફેલાવવાનો આરંભ કર્યો હતો.લોકોમાં આ બાબતમાં જાગૃતિનો અભાવ હોવાનું અનુભવ થતા આ બાબતએ આગેવાની લેતાં, મેં 2020માં ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં મહિલાઓ અને કિશોરીઓને જાગૃત કરવાનું શરૂ કર્યું. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ ઓવર બ્રિજ અને રેલવે પ્લેટફોર્મના નજીક રહેતા લોકો સાથે સંકળાઈ. આજ પર્યંત, મેં 12 વર્ષથી ઉપરના 600થી વધારે લોકો સુધી વ્યક્તિગત સ્વચ્છતા વિશે જાગૃતિ ફેલાવી છે. મેં તેમને સેનિટરી પેડ કેવી રીતે ઉપયોગ કરવો અને યોગ્ય રીતથી ક્યારે ફેંકવું તે શીખવ્યું છે.
અનુ રાજપુત પોતાના માસિક કમાણીનો એક ભાગ મહિલાઓના આરોગ્ય માટે ઉપયોગ કરે છે. તે સ્લમ અને એવા વિસ્તારોમાં રહેતી મહિલાઓમાં સેનેટરી પેડ વિતરણ કરે છે જ્યાં આવી ચીજો મહિલાઓ પોતે ખરીદવામાં અસમર્થ છે. તે સરકાર દ્વારા વેચાતા જનૌષધી સુવિધા સેનેટરી નૅપકિન્સ ખરીદી તેને આ મહિલાઓમાં વિતરણ કરે છે. તે તેમને સેનેટરી પેડ યોગ્ય રીતે નિકાલ કરવા અંગે પણ સમજ કેળવે છે.

આ ઉપરાંત અનુ રાજપુત મહિલા પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય ઉપરાંત તેમની સુરક્ષાના ક્ષેત્રે પણ કામ કરે છે અને હોસ્પિટલ, સરકારી ઓફિસો અને અન્ય કાર્યસ્થળોમાં કામ કરતી મહિલાઓને સ્વરક્ષાની તાલીમ આપે છે. તે વિદ્યાર્થીઓને ‘ગૂડ ટચ અને બૅડ ટચ’ અને છોકરીઓ અને મહિલાઓ સંબંધિત અન્ય સંવેદનશીલ મુદ્દાઓ વિશે પણ તેના મિત્ર મયુર ચૌહાણ સાથે મળી કામ કરે છે.
માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ અત્યંત મહત્વપૂર્ણ છે અને અનુ રાજપુતએ ઉપાડેલી પહેલો મહિલાઓના સ્વસ્થ ભવિષ્યને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નિશ્ચય અને સહાનુભૂતિથી, આ વડોદરાની છોકરી માત્ર માસિકધર્મ અંગે જાગૃતિ ફેલાવી રહી નથી પરંતુ મહિલાઓને જ્ઞાન અને ગૌરવ સાથે સશક્ત બનાવી રહી છે.
