પ્રાકૃતિક કૃષિ અપનાવી ઊંઝાના ખેડૂતે વિવિધ પાકોમાં મબલખ ઉત્પાદન મેળવ્યું, બગાયતી અને શાકભાજી વાવીને વર્ષે રૂ.5 લાખની આવક મેળવી

ઊંઝાના કરલી ગામના ખેડૂત રમેશ સુથારે એક કાંકરેજી ગાયના આધાર પર જીવામૃત–બીજામૃતથી ખર્ચ ઘટાડીને નફાકારક ખેતીનું મોડલ વિકસાવ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 15 Feb 2026 09:24 PM (IST)Updated: Sun, 15 Feb 2026 09:24 PM (IST)
gujarat-farmer-success-story-mehsana-farmer-earns-rs-5-lakh-annually-through-natural-farming-model
HIGHLIGHTS
  • FPO મારફતે ખેડૂતોને સંગઠિત કરી પ્રાકૃતિક કૃષિના પ્રચાર–પ્રસાર માટે રમેશભાઈની સક્રિય ભૂમિકા

Mehsana: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિના અભિયાનને વેગ આપીને ગુજરાતના ધરતીપુત્રો હવે 'પ્રાકૃતિક કૃષિ' તરફ વળ્યા છે. આજે મહેસાણા જિલ્લાના અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિના માધ્યમથી સારી એવી આવક મેળવી રહ્યા છે, ત્યારે ઊંઝા તાલુકાના કરલી ગામના ખેડૂત રમેશભાઈ સુથાર કે જેઓ દેણપ ગામે આવેલ તેમની જમીનમાં પ્રાકૃતિક કૃષિ થકી બાગાયતી, શાકભાજી અને વરિયાળી સહિતના અનેક પાકોનું સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે.

આ અંગે રમેશભાઈ સુથારે જણાવ્યું કે, શરૂઆતના સમયમાં વર્ષ 2003 થી 2012 સુધી વૈજ્ઞાનિકોની ભલામણ મુજબ મેં ખેતી કરી હતી. આ સમયગાળા દરમિયાન જુનાગઢ, દાંતીવાડા, નવસારી તેમજ આણંદ જેવી યુનિવર્સિટીઓ ખાતે ઓર્ગેનિક ફાર્મિંગ, ઇપીએમ ઇન્ટીગ્રેટેડ સ્પેસ મેનેજમેન્ટ, નિંદણ નિયંત્રણ તાલીમ, મેડિસિયલ પાકો સહિતની વિવિધ તાલીમો મેળવી હતી અને ખેતીમાં વૈજ્ઞાનિકોની ભલામણ મુજબ પાકો લેવાની શરૂઆત કરી હતી.

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેતી કરવાની શરૂઆત અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, વર્ષ 2012માં તેઓ પ્રાકૃતિક કૃષિની ચાર - પાંચ શિબિરોમાં ગયા હતા અને પ્રાકૃતિક કૃષિ અંગે જાણકારી મળતા તેમણે પોતાના ખેતરમાં મિશ્ર કોપિંગમાં બાગબાની મોડલમાં પપૈયાની ખેતીની શરૂઆત કરી હતી. જે બાદ તેઓએ પપૈયા, ચીકુ, જામફળ, સરગવો, કેળ, ફાલસા, લીંબુ, આંબા, કરમદા જેવા બાગાયતી પાકોનું વાવેતર કર્યું હતું. આ પાકોમાં સફળતા મળતા તેઓએ અન્ય પાકોની ખેતી કરવાની શરૂઆત પણ કરી છે.

રમેશભાઈ પાસે એક કાંકરેજી ગાય છે, જેના થકી તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ સરકારની ‘ દેશી ગાય નિભાવ યોજના' હેઠળ માસિક 900 રૂપિયાની સહાય મેળવે છે.

આ ગાય 10 થી 11 કિલો છાણ આપે છે, જેમાં અંદાજિત 500 કરોડ સૂક્ષ્મ જીવાણુઓ રહેલા હોય છે. માત્ર એક કાંકરેજી ગાયના છાણ-મૂત્રનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત અને અર્ક જેવા પ્રવાહી અને ઘન ખાતરો બનાવી શકાય છે, જે જમીનમાં સૂક્ષ્મજીવાણુઓની સંખ્યા વધારે છે, પાકનું પોષણ કરે છે, રોગ-જીવાત નિયંત્રણ કરે છે અને રાસાયણિક ખાતરો-જંતુનાશકોનો ખર્ચ ઘટાડી ઉત્પાદન અને ગુણવત્તામાં સુધારો લાવે છે.

naidunia_image

રમેશભાઈએ સરકારની તાર ફેન્સીંગ યોજના તેમજ મીની ટ્રેકટર માટે મળતી સબસિડીની પણ સહાય મેળવેલ છે, જેનો ખેતીમાં ઉપયોગ કરી સારું એવું ઉત્પાદન મેળવે છે. હાલ શિયાળુ પાકમાં આ વર્ષેની સિઝનમાં તેમના એક ખેતરમાં પપૈયા, મૂળા, બીટ, ગાજર, કોબી, ફ્લાવર, ટામેટી, ધાણા, પાલક, મરચા, સુરણ, આદુ, લસણ, ડુંગળી અને હળદર જેવા શાકભાજીનું મબલખ વાવેતર કર્યું છે. જયારે બીજા ખેતરમાં દિવેલા, વરીયાળી, યલો મસ્ટર (પીળા સરસવ) જેવા દરેક પાકોનું વાવેતર કરી વર્ષમાં રૂપિયા ૪ થી ૫ લાખની આવક મેળવી રહ્યા છે.

રમેશભાઈ માત્ર પોતાના ખેતર પૂરતા સીમિત નથી, પરંતુ તેઓનો FPO (ખેડૂત ઉત્પાદક સંગઠન) કાર્યરત છે.જ્યાં તેઓ સેવા આપી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે હેતુથી FPO ખેડૂતોને સંગઠિત કરીને સશક્તિકરણ, ગુણવત્તાયુક્ત ઉત્પાદન, બજાર સુધી પહોંચ અને સારા ભાવ મેળવવામાં મદદરૂપ બને છે. FPO એ એવા ખેડૂતોનું જૂથ છે જેઓ પોતાના ખેતી ઉત્પાદનોને એકસાથે વેચવા અને ખરીદવા માટે સંગઠિત થાય છે, જેથી તેમને બજારમાં સારો ભાવ મળી શકે અને ખર્ચ ઘટે.

naidunia_image

આ ઉપરાંત રમેશભાઈ ગોષ્ટિનું લાયસન્સ તેમજ ફૂડ સેફ્ટીનું લાયસન્સ પણ ધરાવે છે. રમેશભાઈ જિલ્લાના તમામ ખેડૂતોને અનુરોધ કરતા જણાવે છે કે પ્રાકૃતિક ખેતી ખર્ચ વિનાની ખેતી છે. ખેડૂતો આ ખેતી તરફ વળે પ્રકૃતિ, પર્યાવરણ તેમજ જમીનનું શોષણ થતું હોય તેવા રસાયણ યુક્ત પદાર્થો રહિત પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. ઓછા ખર્ચે, સ્વસ્થ જમીન સાથે સ્વાવલંબી બનવું હોય તો પ્રાકૃતિક કૃષિ અપનાવવી પડશે. આમ રમેશભાઈ જેવા જિલ્લાના અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી સારી એવી આવક મેળવી રહ્યા છે.