National Bird Day: વિશ્વમાં જોવા મળતી 9,000 પક્ષીઓની પ્રજાતિઓમાંથી 1,200 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે, જે પૈકી 400થી વધુ વિદેશી પ્રવાસી પંખીઓ દર વર્ષે ગુજરાતની મુલાકાતે આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે જે સંરક્ષણની નિવ નાખી હતી, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે પક્ષીઓ માટે દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય બન્યું છે.


ગુજરાતના જળાશયોમાં પક્ષીઓની વિક્રમી સંખ્યા
વર્ષ 2024-25ની ગણતરી મુજબ રાજ્યના મુખ્ય પક્ષી અભયારણ્યોમાં પક્ષીઓની સંખ્યા આશ્ચર્યજનક રીતે વધી છે:
આ પણ વાંચો
- નળ સરોવર અને થોળ: નળ સરોવરમાં 4.12 લાખ અને થોળમાં 55,587 મળી કુલ 4.67 લાખ પક્ષીઓ નોંધાયા છે. નળ સરોવર 2012થી 'રામસર સાઈટ' તરીકે વૈશ્વિક ઓળખ ધરાવે છે.
- ખિજડીયા પક્ષી અભયારણ્ય: જામનગરના ખિજડીયામાં 334 પ્રજાતિઓના અંદાજે 3.09 લાખ પક્ષીઓ નોંધાયા છે.
- વઢવાણા વેટલેન્ડ: વડોદરા નજીક વઢવાણામાં યાયાવર અને સ્થાનિક મળી કુલ 54,000 થી વધુ પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે.
- રાષ્ટ્રીય પક્ષી મોર: 2023ની ગણતરી મુજબ રાજ્યમાં મોરની વસ્તી 2.85 લાખથી વધુ થઈ છે.

કચ્છ: પક્ષીઓનું ‘રિફ્યુઅલિંગ’ સ્ટેશન
સપ્ટેમ્બર 2025માં કચ્છમાં હાથ ધરાયેલ ‘પેસેજ માઇગ્રન્ટ કાઉન્ટ’માં 17 રાજ્યોના 200 પક્ષીપ્રેમીઓએ ભાગ લીધો હતો. આ સર્વેમાં 250થી વધુ પ્રજાતિઓ નોંધાઈ છે. કચ્છનો વિસ્તાર એશિયાથી આફ્રિકા તરફ જતા પક્ષીઓ માટે અરબી સમુદ્ર ઓળંગતા પહેલા ખોરાક અને શક્તિ મેળવવાનું મહત્વનું કેન્દ્ર છે. અહીં 1,577 યુરોપિયન રોલર અને અન્ય દુર્લભ પ્રજાતિઓ નોંધાઈ છે.


કરૂણા અભિયાન: જીવદયાનું અનોખું ઉદાહરણ
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉતરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓને બચાવવા ‘કરૂણા અભિયાન’ ચલાવવામાં આવે છે. વર્ષ 2025માં આ અભિયાન અંતર્ગત પતંગની દોરીથી ઘાયલ થયેલા અંદાજે 17,000 પક્ષીઓને રેસ્ક્યુ કરી નવું જીવનદાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વન વિભાગ દ્વારા કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીની કુંડીઓ અને પરબની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

5 જાન્યુઆરી: રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી
દર વર્ષે 5 જાન્યુઆરીએ દેશભરમાં ‘રાષ્ટ્રીય પક્ષી દિવસ’ ઉજવાય છે. ગુજરાતમાં પણ આ દિવસે લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા અને જનજાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો યોજાય છે. વિદેશી મહેમાન પક્ષીઓ માટે ગુજરાતની ભૂમિ જે રીતે આશ્રયસ્થાન બની છે, તે દરેક ગુજરાતી માટે ગૌરવની બાબત છે.

મુખ્ય આંકડાકીય માહિતી:
| અભયારણ્ય | પક્ષીઓની સંખ્યા (અંદાજિત) |
| નળ સરોવર | ૪.૧૨ લાખ |
| ખિજડીયા (જામનગર) | ૩.૦૯ લાખ |
| વઢવાણા વેટલેન્ડ | ૫૪,૦૦૦ |
| થોળ (મહેસાણા) | ૫૫,૫૮૭ |

