Zohran Mamdani Oath: ભારતીય મૂળના 34 વર્ષીય ઝોહરાન મમદાનીએ ગુરુવારે અડધી રાત પછી ન્યૂયોર્ક શહેરના મેયર તરીકે શપથ લઈને ઈતિહાસ રચી દીધો છે. આ જીત સાથે તેઓ અમેરિકાના સૌથી મોટા શહેરના પ્રથમ મુસ્લિમ મેયર બન્યા છે. આ પ્રસંગને ખાસ બનાવવા માટે તેમણે પવિત્ર કુરાન પર હાથ રાખીને શપથ લીધા હતા, જે ન્યૂયોર્કના મેયર પદના ઈતિહાસમાં પ્રથમવાર બન્યું છે.
કુરાન પર હાથ રાખીને લીધા શપથ
શપથ સમારોહ દરમિયાન મમદાનીએ બે કુરાન પર હાથ રાખ્યો હતો, જેમાંથી એક તેમના દાદાનું કુરાન હતું. બીજું કુરાન 18મી કે 19મી સદીનું પોકેટ સાઈઝનું સંસ્કરણ હતું, જે ન્યૂયોર્ક પબ્લિક લાઈબ્રેરીના સંગ્રહનો ભાગ છે. લાઈબ્રેરીના ક્યુરેટરના જણાવ્યા મુજબ આ કુરાન શહેરના મુસ્લિમોની વિવિધતાનું પ્રતીક છે.
કોણ છે ઝોહરાન મમદાની?
મમદાની પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્માતા મીરા નાયર અને પ્રોફેસર મહમૂદ મમદાનીના પુત્ર છે. તેમનો જન્મ યુગાન્ડામાં થયો હતો. જ્યારે તેઓ 7 વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર ન્યૂયોર્ક આવી ગયો હતો. મમદાની 2018માં અમેરિકન નાગરિક બન્યા હતા.
ન્યૂયોર્કના ઈતિહાસમાં નવા રેકોર્ડ
34 વર્ષની વયે તેઓ અનેક પેઢીઓમાં શહેરના સૌથી યુવા મેયર પણ બન્યા છે. ન્યૂયોર્કના ઈતિહાસમાં મમદાનીએ અનેક નવા રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે. તેઓ શહેરના પ્રથમ મુસ્લિમ મેયર હોવા ઉપરાંત દક્ષિણ એશિયાઈ મૂળના પ્રથમ અને આફ્રિકામાં જન્મેલા પણ પ્રથમ મેયર છે. નવેમ્બરમાં મળેલી તેમની આ નિર્ણાયક જીત બાદ આપેલા ભાષણમાં તેમણે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે શહેર હવે એક નવા યુગ તરફ આગળ વધી રહ્યું છે.
જનતાનો સાથ અને ચૂંટણીના મુદ્દાઓ
મમદાનીએ તેમની ચૂંટણી ઝુંબેશમાં 'એફોર્ડેબિલિટી' ને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. તેઓ તેમના મુસ્લિમ ધર્મ વિશે હંમેશા ખુલીને વાત કરતા હતા અને મસ્જિદોમાં જઈને લોકો સાથે સંપર્ક રાખતા હતા. તેમની આ જીતમાં દક્ષિણ એશિયાઈ અને મુસ્લિમ મતદારોનો મોટો ફાળો રહ્યો છે, જેમાં ઘણા લોકોએ પ્રથમવાર મતદાન કર્યું હતું.
