Nobel Peace Prize 2026: 287 દાવેદારોને પાછળ છોડી દક્ષિણ આફ્રિકાના ન્યાયવિદ નાવી પિલ્લાઈએ જીત્યો નોબેલ શાંતિ પુરસ્કાર

નોર્વેની રાજધાની ઓસ્લો ખાતે નોર્વેજિયન નોબેલ સમિતિ દ્વારા આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય કાયદાના અમલીકરણ, માનવ અધિકારોના રક્ષણ અને યુદ્ધ અપરાધો સામેના અવિરત સંઘર્ષ માટે તેમને આ સર્વોચ્ચ સન્માન આપવાનો નિર્ણય લેવાયો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 09 Oct 2026 02:54 PM (IST)Updated: Fri, 09 Oct 2026 03:43 PM (IST)
who-is-navi-pillay-south-african-jurist-wins-nobel-peace-prize-2026
નાવી પિલ્લાઈ

Who Is Navi Pillay?, Nobel Peace Prize 2026 Winner: વૈશ્વિક સ્તરે માનવાધિકાર, ન્યાય અને શાંતિ માટે આજીવન લડત આપનારા દક્ષિણ આફ્રિકાના સુપ્રસિદ્ધ ન્યાયાધીશ (Jurist) નાવનેથમ 'નાવી' પિલ્લાઈ (Navanethem 'Navi' Pillay) ને વર્ષ 2026ના પ્રતિષ્ઠિત 'નોબેલ શાંતિ પુરસ્કાર' (Nobel Peace Prize 2026) થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. નોર્વેની રાજધાની ઓસ્લો ખાતે નોર્વેજિયન નોબેલ સમિતિ દ્વારા આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય કાયદાના અમલીકરણ, માનવ અધિકારોના રક્ષણ અને યુદ્ધ અપરાધો સામેના અવિરત સંઘર્ષ માટે તેમને આ સર્વોચ્ચ સન્માન આપવાનો નિર્ણય લેવાયો છે.

માનવાધિકાર અને ન્યાય ક્ષેત્રે અપ્રતિમ યોગદાન

નાવી પિલ્લાઈ આંતરરાષ્ટ્રીય કાનૂની જગતમાં એક અગ્રણી અને આદરણીય નામ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN) ના માનવ અધિકાર હાઈ કમિશનર (High Commissioner for Human Rights) તરીકે મહત્વપૂર્ણ સેવાઓ આપી છે. આ ઉપરાંત, તેમણે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) ના ન્યાયાધીશ તરીકે તેમજ રવાંડા માટેના આંતરરાષ્ટ્રીય ફોજદારી ટ્રિબ્યુનલના પ્રમુખ તરીકે પણ ઐતિહાસિક નિર્ણયો આપ્યા હતા. રવાંડા ટ્રિબ્યુનલ દરમિયાન તેમણે જાતીય હિંસા અને બળાત્કારને નરસંહાર (Genocide) ના ગુના તરીકે વ્યાખ્યાયિત કરીને આંતરરાષ્ટ્રીય કાયદામાં નવો ઈતિહાસ રચ્યો હતો.

વૈશ્વિક સ્તરે પ્રશંસા અને 287 દાવેદારોને પાછળ છોડ્યા

આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, અદાલતો અને વૈશ્વિક નેતાઓ સહિત એકંદરે ૨૮૭ જેટલા દાવેદારો રેસમાં સામેલ હતા. પરંતુ નોબેલ સમિતિએ નાવી પિલ્લાઈના દાયકાઓ લાંબા નિષ્પક્ષ, સાહસિક અને માનવતાવાદી કાર્યોને ધ્યાનમાં રાખીને તેમની પસંદગી કરી છે. નોબેલ સમિતિએ નોંધ્યું હતું કે પિલ્લાઈએ સરમુખત્યારશાહી, જાતિવાદ, રંગભેદ (Apartheid) અને માનવાધિકારના ઉલ્લંઘન સામે હંમેશા મજબૂત અવાજ ઉઠાવ્યો છે.

પુરસ્કાર વિગત અને 125મી વર્ષગાંઠ

આ વર્ષે શાંતિ પુરસ્કારની 125મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. સન્માનિત વિજેતા તરીકે નાવી પિલ્લાઈને 12 મિલિયન સ્વીડિશ ક્રોનર (અંદાજે $1.2 મિલિયન ડોલર) ની ઈનામી રકમ, ડિપ્લોમા અને સ્વર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે. આગામી 10 ડિસેમ્બરે અલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ પર ઓસ્લો ખાતે યોજાનારા વિશેષ સમારોહમાં તેમને આ પુરસ્કાર વિધિવત રીતે એનાયત કરાશે.

ભારતીય તમિલ મૂળના પરિવારમાં જન્મ

નાવી પિલ્લાઇનો જન્મ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં ભારતીય તમિલ મૂળના પરિવારમાં થયો હતો. તેઓ એવા સમયગાળા દરમિયાન મોટાં થયાં જ્યારે દક્ષિણ આફ્રિકામાં રંગભેદની પ્રથા અમલમાં હતી. એવી પ્રથા જેમાં લોકોને જાતિના આધારે ભેદભાવ અને અલગતાનો સામનો કરવો પડતો હતો. નવી પિલ્લાએ કાયદાનો અભ્યાસ કર્યો અને વકીલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી; તેમણે રંગભેદ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા લોકોનો પક્ષ રજૂ કર્યો. તેમના શરૂઆતના કાર્યોમાં નેલ્સન મંડેલા અને રંગભેદ વિરોધી અન્ય કાર્યકરોને કાનૂની સહાય પૂરી પાડવાનો સમાવેશ થતો હતો.