White House Lock Down: અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી સ્થિત રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન ‘વ્હાઇટ હાઉસ’ બહાર એક શંકાસ્પદ કાર અકસ્માત સર્જાતાં સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. એક ફુલ સ્પીડમાં આવતી સેડાન કાર વ્હાઇટ હાઉસની પાસે આવેલા સાઇનપોસ્ટ સાથે જોરદાર ધડાકા સાથે અથડાઈ હતી. આ ઘટના બનતાં જ સીક્રેટ સર્વિસે ત્વરિત કાર્યવાહી કરીને વ્હાઇટ હાઉસને તાત્કાલિક ધોરણે અસ્થાયી રૂપે લોકડાઉન કરી દીધું હતું.
સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે આ ઘટના ઘટી, ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર જ હાજર હતા, જેના કારણે સુરક્ષા દળોએ ઉચ્ચ સ્તરનું એલર્ટ જાહેર કરી દીધું હતું.
અકસ્માત કેવી રીતે સર્જાયો?
'ન્યૂ યોર્ક પોસ્ટ'ના અહેવાલ મુજબ, એક સિલ્વર રંગની સેડાન કાર અચાનક જ મુખ્ય રસ્તાની ફુટપાથ પર ચડી ગઈ હતી અને વ્હાઇટ હાઉસની નજીક લગાવેલા એક સાઇનપોસ્ટ સાથે સીધી જઈને અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત થતાંની સાથે જ કારના બોનેટમાંથી સફેદ ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયો ફુટેજ અનુસાર, આ કાર લાફાયેટ સ્ક્વેરના ઉત્તરીય છેડા પર બનેલા કોંક્રિટ વિસ્તારમાં અનિયંત્રિત રીતે ઘૂસી ગઈ હતી અને સીધી સાઇનપોસ્ટ સાથે અથડાઈ ગઈ હતી.
સુરક્ષા દળોએ હાથ ધરી ત્વરિત કાર્યવાહી
કાર અથડાવાનો અવાજ આવતાં જ ત્યાં તૈનાત યુ.એસ. સીક્રેટ સર્વિસ અને સ્થાનિક પોલીસ કર્મચારીઓ તુરંત એક્શનમાં આવ્યા હતા. વિડિયોમાં જોઈ શકાય છે કે સુરક્ષાકર્મીઓએ કારચાલકને બંદૂકની અણીએ તરત જ જમીન પર સૂઈ જવાનો આદેશ આપ્યો હતો અને તેને તાબામાં લીધો હતો.
આ સાથે જ વ્હાઇટ હાઉસ પરિસરમાં હાજર પત્રકારો અને અન્ય સ્ટાફને સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અંદરના ભાગે ખસેડી દેવામાં આવ્યા હતા અને પરિસરના તમામ ગેટ બંધ કરીને કડક લોકડાઉન અમલી બનાવી દેવાયું હતું.
બનાવ પાછળનું કારણ અસ્પષ્ટ: તપાસ ચાલુ
સુરક્ષા અધિકારીઓ દ્વારા આ મામલે ગંભીરતાથી તપાસ ચલાવવામાં આવી રહી છે. હાલ સુધી કારચાલકની ઓળખ કે આ અકસ્માત પાછળનો તેનો કોઈ ચોક્કસ આશય હતો કે નહીં, તે અંગે સીક્રેટ સર્વિસ દ્વારા કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી.
જોકે, સ્થાનિક લોકો અને વાહનવ્યવહારના નિષ્ણાતો મુજબ, જે ચોક પાસે આ ઘટના બની ત્યાંનો રસ્તો એવો છે જ્યાં સામાન્ય સંજોગોમાં કાર માટે વધારે સ્પીડ પકડવી ખૂબ મુશ્કેલ હોય છે, કારણ કે ત્યાંથી વાહનોને સિંગલ લેનમાંથી જ પસાર થવું પડે છે. આ સંજોગોમાં કાર આટલી સ્પીડમાં ફુટપાથ પર કેવી રીતે ચડી ગઈ તે અંગે પણ શંકાઓ સેવાઈ રહી છે.
