Maulana Fazlur Rehman on India Pakistan: પાકિસ્તાનમાં પીએમ શાહબાઝ શરીફના નેતૃત્વવાળી સરકાર અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરના નેતૃત્વ હેઠળની સેનાને તેમના જ નેતાઓ અરીસો દેખાડી રહ્યા છે. જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI-F)ના વડા મૌલાના ફઝલુર રહેમાને પાકિસ્તાની સરકાર અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના દંભનો પર્દાફાશ કર્યો છે. મૌલવીએ પ્રશ્ન કર્યો કે જો પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં પોતાની કાર્યવાહીને વાજબી ઠેરવે છે, તો તે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતના હુમલાઓની નિંદા કેવી રીતે કરી શકે છે?
બોલીવુડ ફિલ્મ ધુરંધરથી ચર્ચામાં આવેલા લ્યારીના મૌલાના ફઝલુર રહેમાને કહ્યુ કે- જો પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર હુમલો વાજબી છે તો ભારત પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને કેમ મારી શકતા નથી? 22 ડિસેમ્બરના રોજ મજલિસ-એ-ઇત્તેહાદ-એ-ઉમ્મત પાકિસ્તાનના નેજા હેઠળ કરાચીના લ્યારીમાં એક સર્વપક્ષીય અને સર્વધર્મ સભા યોજાઈ હતી.
સભાને સંબોધતા મૌલાના ફઝલુર રહેમાને પાકિસ્તાની સરકાર અને સેના પર ઉગ્ર પ્રહારો કર્યા હતા.
મૌલાનાએ કહ્યું- જો તમે કહો છો કે અમે અફઘાનિસ્તાનમાં અમારા દુશ્મન પર હુમલો કર્યો અને તેને યોગ્ય ઠેરવીએ છીએ તો ભારત તમને કહે છે કે તેણે બહાવલપુર અને મુરીદકેમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કરીને પહેલગામ હુમલાનો બદલો લીધો, તો પછી તમે ભારતની કાર્યવાહી સામે વાંધો કેમ ઉઠાવી રહ્યા છો?
મૌલાનાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનની અફઘાનિસ્તાન નીતિ પહેલાથી જ તપાસ હેઠળ છે. તેમણે સતત આ નીતિની ટીકા કરી છે. ઓક્ટોબરમાં જ્યારે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ હતો ત્યારે મૌલાના ફઝલુર રહેમાને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. લ્યારીના આ નિવેદનથી માત્ર આંતરિક પાકિસ્તાની રાજકારણમાં જ ખળભળાટ મચી ગયો છે, પરંતુ પ્રાદેશિક સુરક્ષા અને બેવડા ધોરણો પર પણ નવી ચર્ચા શરૂ થઈ છે.
પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, ઇસ્લામાબાદમાં પત્રકારો સાથે વાત કરતા મૌલાના ફઝલુર રહેમાને કહ્યું- ભૂતકાળમાં અમે બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવામાં ભૂમિકા ભજવી છે અને ફરીથી પણ કરી શકીએ છીએ.
મૌલાના ફઝલુર રહેમાન કોણ છે?
મૌલાના ફઝલુર રહેમાનના રાજકીય કદ અને પ્રભાવનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ એકમાત્ર પાકિસ્તાની રાજકીય નેતા છે જેમણે તાલિબાનના સુપ્રીમ લીડર શેખ હિબતુલ્લાહ સાથે મુલાકાત કરી છે. અફઘાન તાલિબાનમાં તેમનો પ્રભાવ પણ વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે.
મૌલાના ફઝલુર રહેમાન એક અગ્રણી ઇસ્લામિક વિદ્વાન અને અનુભવી રાજકારણી છે. તેઓ ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મહમૂદના પુત્ર છે. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ ધાર્મિક મદરેસામાં મેળવ્યું હતું. ત્યારબાદ તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા અને આજે જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (એફ)ના અધ્યક્ષ છે.
