Iran Bus Accident: પશ્ચિમ ઈરાનમાં ઈરાકની સરહદ નજીક એક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં ગેસ રિફાઈનરીના કર્મચારીઓને લઈ જઈ રહેલી એક બસ પલટી જતાં 12 કામદારોના કરુણ મોત નીપજ્યા છે અને અન્ય 16 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને તબીબી અધિકારીઓએ એવી આશંકા વ્યક્ત કરી છે કે ઘાયલોમાંથી કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ ગોઝારી દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
ઈરાનના સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, આ ભયાનક અકસ્માત શનિવારે મોડી સાંજે પશ્ચિમ ઈરાનના ઈલામ (Ilam) પ્રાંતમાં બન્યો હતો. આ બસ 'ડેહલોરાન એનજીએલ 3100' (Dehloran NGL 3100) તેલ અને ગેસ પ્રોજેક્ટ પર ફરજ બજાવતા કામદારોને લઈને જઈ રહી હતી. સ્થાનિક સમય અનુસાર સાંજે આશરે 7:25 વાગ્યે, ડેહલોરાન નજીક 'દશ્ત અબ્બાસ-મુરમુરી' (Dasht Abbas-Murmuri) રોડ પર બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ માર્ગ પર પલટી ખાઈ ગઈ હતી.
ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી 'ઈસ્લામિક રિપબ્લિક ન્યૂઝ એજન્સી' (IRNA) એ રવિવારે પુષ્ટિ કરી હતી કે સારવાર દરમિયાન વધુ ત્રણ ઘાયલોના મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 12 પર પહોંચી ગયો છે. અગાઉ પ્રાંતીય અધિકારીઓ દ્વારા નવ લોકોના મૃત્યુની જાણકારી આપવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને આપ્યા તાત્કાલિક સારવારના નિર્દેશ
દુર્ઘટનાની જાણ થતાં જ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને (Masoud Pezeshkian) ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને સંબંધિત સત્તાવાળાઓને નિર્દેશ આપ્યો હતો કે અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ 16 કર્મચારીઓને તાત્કાલિક અને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવામાં આવે.
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મોટાભાગના કામદારો અબદાનાન (Abdanan) વિસ્તારના રહેવાસી હતા. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે વહીવટીતંત્ર દ્વારા ઈલામ પ્રાંતમાં એક દિવસના અને અબદાનાન શહેરમાં બે દિવસના જાહેર શોકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી
અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 'ઈરાનિયન સ્ટુડન્ટ્સ ન્યૂઝ એજન્સી' (ISNA) ના જણાવ્યા મુજબ, અબદાનાનના સરકારી વકીલ (પ્રોસિક્યુટર) અમરોલ્લાહ મિસાઈએ જણાવ્યું હતું કે, "આ ભયાનક અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો, તેમાં કયા પરિબળો જવાબદાર છે અને વાહન કે માર્ગ સુરક્ષાના નિયમોનું કોઈ ઉલ્લંઘન થયું છે કે કેમ તે અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે."
તેમણે વધુમાં કડક શબ્દોમાં ચેતવણી આપતા ઉમેર્યું હતું કે, "જો તપાસ દરમિયાન કોઈપણ વ્યક્તિ, ડ્રાઈવર કે જવાબદાર સંસ્થાની ભૂલ કે બેદરકારી સામે આવશે, તો તેમના પ્રત્યે કોઈપણ પ્રકારની નરમાશ રાખ્યા વિના કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે."
