France Protests:ફ્રાંસમાં વધતી મોંઘવારીને લઈ લોકો ભારે ગુસ્સા સાથે માર્ગો પર ઉતરી આવ્યા છે. રાજધાની પેરિસમાં સેંકડો પ્રદર્શનકારીઓને હટાવવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળોએ ટીયર ગેસ છોડવા પડ્યાં છે. અનેક જગ્યાએ તો પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ છે. લિયોનમાં દેશવ્યાપી પ્રદર્શન દરમિયાન ટુરિસ્ટ ઓફિસની બિલ્ડિંગ તથા વાહનોને આગ લગાડવામાં આવી હતી.
આ આંદોલન ફક્ત વધતી કિંમતો પૂરતું જ મર્યાદિત નથી. તેમાં અસમાનતા, સરકારી ખર્ચમાં ઘટાડો તથા શિક્ષણ વ્યવસ્થાને લગતી નારાજગીનો પણ સમાવેશ થાય છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સની માહિતી પ્રમાણે ફ્રાંસના વિવિધ શહેરોમાં શનિવારે પ્રદર્શન શરૂ થયું હતું. દેશભરમાં સેંકડો જગ્યાએ વિરોધ પ્રદર્શનની યોજના બનાવવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ ચમકદાર રંગના જેકેટ પહેરીને સેંકડોની સંખ્યામાં માર્ચ કરી હતી અને અનેક સ્થળો પર માર્ગને અવરોધીત કર્યાં હતા. પેરિસમાં સુરક્ષા દળોને મોટી સંખ્યામાં ગોઠવવામાં આવ્યા છે.
શાળાઓથી શરુ થયેલું આંદોલન દેશભરમાં ફેલાયું
આ આંદોલનની શરૂઆત ગયા મહિને પેરિસના ઉત્તર વિસ્તારની કેટલીક શાળાઓથી થયું હતું. ત્યાં વિદ્યાર્થી શિક્ષકોની ગેરહાજરી અને શાળાની ખરાબ સ્થિતિથી નારાજ હતા. શરૂઆતમાં તો આ વિરોધ શિક્ષણ વ્યવસ્થાની સમસ્યા પૂરતો રહ્યો, જોકે ત્યારબાદ તેની સાથે અન્ય મુદ્દા પણ જોડાવા લાગ્યા. હવે પ્રદર્શનકારીઓ વધતી કિંમતો સાથે આર્થિક અસમાનતા, સરકારી ખર્ચમાં ઘટાડો અને જાહેર સુવિધાને લઈ કથળતી સ્થિતિને લઈ વિરોધ કરી રહ્યા છે. હવે આ આંદોલને દેશવ્યાપી આંદોલનનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે.
