Donald Trump Nobel Peace Prize: વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના માચાડોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર મેડલ ભેટમાં આપીને એક નવી ચર્ચા જગાવી છે. આ ઘટના બાદ સવાલ એ ઉભો થયો છે કે શું વિશ્વનો આ સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર કોઈ અન્ય વ્યક્તિને હસ્તાંતરિત કરી શકાય કે કેમ?
વ્હાઇટ હાઉસમાં ઐતિહાસિક મુલાકાત
ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી મુલાકાત દરમિયાન માચાડોએ ટ્રમ્પને આ મેડલ ભેટમાં આપ્યો હતો. આ પ્રસંગે માચાડોએ કહ્યું હતું કે, '200 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર વેનેઝુએલાના લોકો વોશિંગ્ટનના ઉત્તરાધિકારીને મેડલ આપી રહ્યા છે.' તેમણે ઉમેર્યું હતું કે આ મેડલ વેનેઝુએલાની સ્વતંત્રતામાં ટ્રમ્પના વિશેષ યોગદાનને માન્યતા આપવા માટે ભેટ આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે વેનેઝુએલામાં અમેરિકન સૈનિકોને મોકલીને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરવાનો અને તેમને અમેરિકા લાવવાનો આદેશ આપ્યો હતો. આ ઘટનાક્રમ બાદ માચાડોએ આ સન્માન ટ્રમ્પને આપ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા
આ મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે, 'આજે મારિયા કોરિના માચાડોને મળવું મારા માટે ખૂબ જ સન્માનની વાત હતી. તે એક અદ્ભુત મહિલા છે જેમણે ઘણું સહન કર્યું છે. મારા કાર્ય માટે મને તેમનો નોબેલ શાંતિ પુરસ્કાર ભેટમાં આપવો, તે પરસ્પર આદરનો એક અદ્ભુત સંકેત છે.'
શું કહે છે નોબેલ સમિતિના નિયમો?
માચાડોએ મેડલ ટ્રમ્પને આપ્યો હોવા છતાં, ટેકનિકલ રીતે નોબેલ પુરસ્કાર ટ્રાન્સફર કરી શકાતો નથી. નોબેલ પીસ સેન્ટરે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાનો દરજ્જો (Title) કાયમી હોય છે અને તે બદલી શકાતો નથી.
નોબેલ શાંતિ પુરસ્કારનો 'મેડલ' એક ભૌતિક વસ્તુ છે, જે ભેટમાં આપી શકાય છે અથવા વેચી પણ શકાય છે. ભૂતકાળમાં દિમિત્રી મુરાટોવ જેવા વિજેતાએ યુક્રેનિયન શરણાર્થીઓની મદદ માટે પોતાનો મેડલ $100 મિલિયનથી વધુ રકમમાં હરાજીમાં વેચ્યો હતો.
મેડલની માલિકી બદલાઈ શકે છે, પરંતુ 'નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા' હોવાનો ખિતાબ બદલાતો નથી. નોર્વેજીયન નોબેલ સમિતિના જણાવ્યા મુજબ, એકવાર જાહેર થયેલો પુરસ્કાર રદ કરી શકાતો નથી, શેર કરી શકાતો નથી કે બીજા કોઈના નામે ટ્રાન્સફર કરી શકાતો નથી.
