UNSC માં કાયમી સભ્યપદ માટે ભારતને વિસેગ્રાડ ગ્રુપ (V4) નું મોટું સમર્થન: ન્યૂયોર્કમાં યોજાઈ ઐતિહાસિક પ્રથમ 'V4+ભારત' બેઠક

બેઠક બાદ સ્લોવાકિયાના વિદેશ મંત્રી જુરાજ બ્લાનારે ખુલ્લેઆમ નિવેદન આપતા જણાવ્યું હતું કે, V4 દેશો સર્વસંમતિથી માને છે કે ભારત 'ગ્લોબલ સાઉથ'નો મુખ્ય અવાજ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક ઉભરતી મહાસત્તા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 22 Sep 2026 08:21 AM (IST)Updated: Tue, 22 Sep 2026 08:21 AM (IST)
v4-group-supports-india-permanent-seat-unsc-s-jaishankar-visegrad-group-meeting
ભારત UNSC કાયમી સભ્યપદ

India UNSC Permanent Membership: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં કાયમી સભ્યપદ મેળવવાના ભારતના પ્રયાસોને એક મોટી અને મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સફળતા સાંપડી છે. યુરોપિયન યુનિયનના ચાર શક્તિશાળી દેશોના સમૂહ 'વિસેગ્રાડ ગ્રુપ' (V4) - જેમાં સ્લોવાકિયા, પોલેન્ડ, હંગેરી અને ચેકિયાનો સમાવેશ થાય છે - તેમણે UNSC માં ભારતની કાયમી સભ્યપદની દાવેદારીને પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 81મા સત્ર દરમિયાન યોજાયેલી પ્રથમ ઉચ્ચ-સ્તરીય 'V4+ભારત' મંત્રી-સ્તરીય બેઠકમાં આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગ્લોબલ સાઉથની ઉભરતી શક્તિ તરીકે ભારત હકદાર: સ્લોવાકિયા

બેઠક બાદ સ્લોવાકિયાના વિદેશ મંત્રી જુરાજ બ્લાનારે ખુલ્લેઆમ નિવેદન આપતા જણાવ્યું હતું કે, "V4 દેશો સર્વસંમતિથી માને છે કે ભારત 'ગ્લોબલ સાઉથ'નો મુખ્ય અવાજ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક ઉભરતી મહાસત્તા છે. આવી સ્થિતિમાં ભારત સુરક્ષા પરિષદના કાયમી સભ્ય તરીકે સ્થાન મેળવવા સંપૂર્ણપણે પાત્ર છે."

વિદેશ મંત્રી એસ. જયશંકરે બેઠકને ગણાવી ઐતિહાસિક

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ પ્રારંભિક મુલાકાતને અત્યંત સફળ અને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે ટ્વિટર (X) પર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ભારત અને V4 દેશો વચ્ચે હવેથી પ્રતિવર્ષ વિદેશ મંત્રી સ્તરની વાર્ષિક બેઠકો યોજાશે. આ ઉપરાંત વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે 'વાર્ષિક બિઝનેસ ફોરમ' ની સ્થાપના કરવામાં આવશે.

આ બેઠકમાં સંરક્ષણ, તકનીકી નવીનતા (Innovation), સ્પેસ, કનેક્ટિવિટી અને એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં ભાગીદારીને નવી ગતિ આપવા પર ભાર મૂકાયો હતો. તેમજ યુક્રેન સંઘર્ષ અને મધ્ય પૂર્વ (ગલ્ફ) ક્ષેત્રની વૈશ્વિક પરિસ્થિતિ અંગે પણ વિગતવાર ચર્ચા થઈ હતી.

નોંધનીય છે કે, હાલમાં UNSC માં પાંચ કાયમી સભ્યો (ચીન, ફ્રાન્સ, રશિયા, યુકે અને યુએસ) છે. ભારતે 2028-29 ના કાર્યકાળ માટે અસ્થાયી બેઠક સાથે પરિષદમાં વ્યાપક સુધારા અને કાયમી સીટ માટે પોતાનું દબાણ મજબૂત બનાવ્યું છે.