US Seizes Iranian Ship: ઓમાન સાગરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકન સૈન્યએ ચીનથી આવી રહેલા એક ઈરાની વેપારી જહાજ પર હુમલો કરીને તેને પોતાના કબજામાં લીધું છે. આ ઘટના બાદ ઈરાને અમેરિકાની આ કાર્યવાહીને સશસ્ત્ર ચાંચિયાગીરી ગણાવી છે, અને જડબાતોડ જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે.
ઈરાની સૈન્યએ કરી હુમલાની પુષ્ટિ
ઈરાનના હઝરત ખાતમ અલ-અંબિયા સૈન્ય મુખ્યાલયે ઓમાન સાગરમાં પોતાના વેપારી જહાજ પર અમેરિકન સૈન્ય અભિયાનની પુષ્ટિ કરી છે. ઈરાનની અર્ધ-સરકારી ન્યૂઝ એજન્સી તસ્નીમ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં અમેરિકા પર ગંભીર આરોપો લગાવતા કહેવામાં આવ્યું છે કે, "આક્રમક અમેરિકાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે, અને ચાંચિયાગીરી કરતા ઓમાન સાગરમાં ચીનથી આવતા ઈરાનના વેપારી જહાજ પર હુમલો કર્યો છે".
નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, અમેરિકન દળોએ જહાજ પર ગોળીબાર કર્યો હતો, અને જહાજના ડેક પર પોતાના મરીન સૈનિકોને ઉતારીને જહાજની નેવિગેશન સિસ્ટમને નિષ્ક્રિય કરી દીધી હતી. આ સશસ્ત્ર ચાંચિયાગીરીનો ઈરાનના સશસ્ત્ર દળો ટૂંક સમયમાં જ વળતો અને કડક જવાબ આપશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો: US Iran Talks: અમેરિકા સાથે વાટાઘાટોમાં ભાગ લેવાનો ઈરાનનો ઇનકાર, યુએસ પર લગાવ્યો ગંભીર આરોપ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન...
આ સમગ્ર ઓપરેશન અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે માહિતી આપતા જણાવ્યું કે, ઓમાનના અખાતમાં એક ઈરાની માલવાહક જહાજને અટકાવવામાં આવ્યું હતું, અને ત્યારબાદ તેને જપ્ત કરી લેવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર, અમેરિકાના ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર 'USS સ્પ્રુઅન્સ' (USS Spruance) દ્વારા તે ઈરાની જહાજને રોકાઈ જવા માટે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ, જ્યારે ઈરાની ક્રૂએ આ ચેતવણીને અવગણી અને વાત ન માની, ત્યારે અમેરિકન દળોએ જહાજના એન્જિન રૂમમાં કાણું પાડીને તેને બળજબરીપૂર્વક અટકાવ્યું હતું.
