US Iran Talks: મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં પ્રસ્તાવિત બીજા રાઉન્ડની વાટાઘાટોમાં ભાગ લેવાનો ઈરાને સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ઈરાને અમેરિકા પર વાણી અને વર્તનમાં વિરોધાભાસ હોવાનો અને અવ્યવહારુ શરતો લાદવાનો ગંભીર આરોપ લગાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે.
વાટાઘાટોના અહેવાલો પાયાવિહોણા: ઈરાની મીડિયા
આ પણ વાંચો
ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, ઈસ્લામાબાદમાં યોજાનારી આગામી બેઠક અંગેના અહેવાલો તદ્દન ખોટા છે. તેહરાને સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન સંજોગોમાં તેઓ અમેરિકા સાથે ટેબલ પર બેસવા તૈયાર નથી. નોંધનીય છે કે, 22 એપ્રિલે વર્તમાન યુદ્ધવિરામની મુદત પૂરી થઈ રહી છે, તે પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વાટાઘાટકારોને પાકિસ્તાન મોકલવાની તૈયારી બતાવી હતી, પરંતુ ઈરાને આ યોજના પર પાણી ફેરવી દીધું છે.
અમેરિકાની નાકાબંધી યુદ્ધવિરામનો ભંગ છે
ઈરાને અમેરિકા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, યુએસ નૌકાદળ દ્વારા કરવામાં આવેલી દરિયાઈ નાકાબંધી (Blockade) એ સીધો યુદ્ધવિરામ કરારનો ભંગ છે. ઈરાનના વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકા સતત પોતાની માંગણીઓમાં ફેરફાર કરી રહ્યું છે. તેમજ અમેરિકી વલણમાં રહેલી અસ્થિરતાને કારણે રચનાત્મક વાતચીત શક્ય નથી. અને જ્યાં સુધી સમુદ્રી નાકાબંધી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની મધ્યસ્થી સ્વીકારવામાં આવશે નહીં. ઈરાને વધુમાં ઉમેર્યું કે, અમેરિકા "બ્લેમ ગેમ" રમી રહ્યું છે અને વિશ્વ સમક્ષ એવું ચિત્ર ઊભું કરવા માંગે છે કે ઈરાન દબાણમાં આવીને વાટાઘાટોમાં આવશે, પરંતુ હકીકતમાં સ્થિતિ તેનાથી વિરુદ્ધ છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના આક્ષેપ
બીજી તરફ, વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર જ યુદ્ધવિરામ ઉલ્લંઘનનો આરોપ મઢ્યો છે. જોકે, તેમણે સાથે સાથે આશા વ્યક્ત કરી હતી કે કોઈ સમજૂતી થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું, "અમે ઈરાનને એક વાજબી અને ન્યાયી પ્રસ્તાવ આપી રહ્યા છીએ. મને આશા છે કે તેઓ આ તક ઝડપી લેશે અને આ પ્રસ્તાવ સ્વીકારશે." નિષ્ણાતો માને છે કે જો ૨૨ એપ્રિલ સુધીમાં કોઈ ઉકેલ નહીં આવે, તો હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
