US Russia Diesel Deal: વૈશ્વિક રાજકારણ અને ઓઇલ બજારમાં એક બહુ મોટો અને અણધાર્યો ફેરફાર જોવા મળ્યો છે. ઈરાન સાથે ચાલતા સંઘર્ષ અને દેશમાં વધી રહેલા ઇંધણના ભાવ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત બાદ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે રશિયા તાત્કાલિક અસરથી અમેરિકા અને વૈશ્વિક બજારોને લાખો ટન ડીઝલનો સપ્લાય પૂરો પાડશે. નોંધનીય છે કે, આ એ જ અમેરિકા છે જેણે અગાઉ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા દેશો પર ભારે ટેરિફ અને કડક આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા. પરંતુ હવે અમેરિકા પોતે જ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ઇંધણ ખરીદવા જઈ રહ્યું છે.
ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પની જાહેરાત અને સપ્લાય પ્લાન
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ કરાર અંગે માહિતી આપતાં લખ્યું હતું કે, "મેં હમણાં જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ખૂબ જ સફળ અને સકારાત્મક વાતચીત પૂર્ણ કરી છે. આ વાતચીતમાં એક મહત્વનો કરાર થયો છે, જેના હેઠળ મોસ્કો તાત્કાલિક ધોરણે અમેરિકા અને વૈશ્વિક બજારોને 3 લાખ ટનથી વધુ ડીઝલ સપ્લાય કરશે."
તેમણે ઉમેર્યું હતું કે આ તો માત્ર શરૂઆત છે. આગામી નવેમ્બર મહિનામાં રશિયા વધુ 5 લાખ ટન ડીઝલ મોકલશે અને ત્યારબાદ ટૂંક સમયમાં જ 1 મિલિયન ટનનો વધારાનો સપ્લાય કરવામાં આવશે. આ ઉપરાંત, રશિયાની રિફાઇનરીઓની ક્ષમતા અને સ્થિતિના આધારે નજીકના ભવિષ્યમાં આ સપ્લાય વધીને 3 મિલિયન ટન સુધી પહોંચાડી શકાશે. આ વિશાળ સપ્લાયને સરળ બનાવવા માટે યુએસ પ્રશાસને એપ્રિલ ૨૦૨૭ સુધી રશિયન ડીઝલના વેચાણ પર મૂકાયેલો પ્રતિબંધ પણ હટાવી લીધો છે.
મધ્યસત્ર ચૂંટણી અને મોંઘવારીનું દબાણ
અમેરિકામાં 3 નવેમ્બરના રોજ મધ્યસત્ર ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ઈરાન સંઘર્ષના કારણે યુએસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, જે આ ચૂંટણીમાં એક મુખ્ય રાજકીય મુદ્દો બની ગયો છે. મોટાભાગના ચૂંટણી સર્વેક્ષણો અને અંદાજો દર્શાવે છે કે જો ઇંધણના ભાવ નિયંત્રણમાં નહીં આવે તો રિપબ્લિકન પાર્ટી માટે યુએસ કોંગ્રેસ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવું અત્યંત મુશ્કેલ બનશે.
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકનો, ખાસ કરીને ખેડૂતો, પશુપાલકો અને ટ્રક ડ્રાઇવરોને મોંઘા ઇંધણમાંથી રાહત આપવી એ તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પર યુએસનું મજબૂત નિયંત્રણ અને રશિયા તરફથી મળનારો આ ડીઝલ સપ્લાય દેશમાં ઇંધણના દરમાં ઝડપી ઘટાડો લાવશે.
ઈરાન સંઘર્ષ ટૂંક સમયમાં પૂરો થશે: વ્હાઇટ હાઉસથી ટ્રમ્પનું નિવેદન
વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત કોલંબસ ડે (Columbus Day)ના કાર્યક્રમ દરમિયાન બોલતા પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન સાથે ચાલતો સંઘર્ષ હવે અંતિમ તબક્કામાં છે અને તે ટૂંક સમયમાં સમાપ્ત થશે. અમેરિકાએ કડક નૌકાદળીય નાકાબંધી લાગુ કરીને ઈરાનની લશ્કરી ક્ષમતાઓને ગંભીર રીતે નબળી પાડી દીધી છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર મેળવવા દેવામાં આવશે નહીં. ઈરાનને અણુ બોમ્બ બનાવતા અટકાવવાનો અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ્ય પહેલેથી જ હાંસલ થઈ ચૂક્યો છે. વોશિંગ્ટન ઈરાન સામે લશ્કરી અને આર્થિક દબાણ ત્યારે જ હટાવશે જ્યારે સંપૂર્ણ મડાગાંઠનો કાયમી ઉકેલ ન આવી જાય.
