ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાછળ, ડેમોક્રેટ્સ આગળ; ભારતીય-અમેરિકન ઉમેદવારો પણ મેદાનમાં

અમેરિકામાં 2026 મધ્યસત્ર ચૂંટણીનો જંગ જામ્યો છે. પોલિંગમાં ડેમોક્રેટ્સ 8.4% થી આગળ છે. જાણીતા ભારતીય-અમેરિકન ઉમેદવારો રો ખન્ના અને વિવેક રામાસ્વામી સહિતના નેતાઓનું ભાવિ દાવ પર છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 03 Nov 2026 11:43 PM (IST)Updated: Tue, 03 Nov 2026 11:43 PM (IST)
us-midterm-elections-2026-democrats-lead-trumps-gop-struggles

US Midterm Elections 2026: અમેરિકામાં 2026ની મિડટર્મ ચૂંટણીનો મહાસંગ્રામ તેના આખરી તબક્કામાં પહોંચી ગયો છે. હાલની રાજકીય પરિસ્થિતિ અને તાજેતરના પોલિંગ ડેટા દર્શાવે છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી માટે સત્તા જાળવી રાખવી અત્યંત મુશ્કેલ બની રહી છે. સર્વેક્ષણો મુજબ, ડેમોક્રેટ્સને નેશનલ કોંગ્રેસનલ પ્રિફરન્સમાં આશરે 8.4 ટકા પોઈન્ટનો મોટો લાભ મળી રહ્યો છે. આ ચૂંટણી રાષ્ટ્રપતિ ટ્રમ્પના બીજા કાર્યકાળ પર એક પ્રકારે જનમત સંગ્રહ (Referendum) સમાન બની ગઈ છે, જેમાં દેશની સ્થાનિક અને વિદેશ નીતિના મહત્વના મુદ્દાઓ દાવ પર લાગેલા છે.

ચૂંટણીનું માળખું અને રાજકીય સમીકરણો

આ વખતની ચૂંટણીમાં યુ.એસ. કોંગ્રેસના નીચલા ગૃહ 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ'ની તમામ 435 બેઠકો, સંસદના ઉપલા ગૃહ 'સેનેટ'ની 35 બેઠકો અને દેશના 36 રાજ્યોના ગવર્નર પદ માટે મતદાન થઈ રહ્યું છે. આ પરિણામો માત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પના બાકી રહેલા બે વર્ષના વિધાયી એજન્ડા (Legislative Agenda)ની દિશા જ નક્કી નહીં કરે, પરંતુ 2028માં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણીના સમીકરણો પર પણ સીધી અસર છોડશે.

સર્વેક્ષણો અને પોલિંગમાં ડેમોક્રેટ્સની મજબૂત સ્થિતિ

નેશનલ પોલિંગ એગ્રીગેશનના આંકડા મુજબ ડેમોક્રેટ્સ 'જેનરિક કાંગ્રેસનલ બેલટ'માં રિપબ્લિકન પાર્ટી કરતાં સરેરાશ 8.4 પોઈન્ટથી આગળ ચાલી રહ્યા છે. રિયલક્લિયરપોલિંગ (RealClearPolling)ના સરેરાશ ડેટામાં ડેમોક્રેટ્સ 51.4 ટકા અને રિપબ્લિકન 43.2 ટકા પર જોવા મળી રહ્યા છે. નેટ સિલ્વરના 'સિલ્વર બુલિટીન'ના અંતિમ પૂર્વાનુમાન અનુસાર હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ડેમોક્રેટ્સ બહુમતી મેળવે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

સેનેટની વાત કરીએ તો હાલમાં રિપબ્લિકન પાસે 53 અને ડેમોક્રેટ્સ પાસે 47 બેઠકો છે. સેનેટ પર નિયંત્રણ મેળવવા માટે ડેમોક્રેટ્સને ચોખ્ખી 4 બેઠકોના ફાયદાની જરૂર છે. ટેક્સાસ, ઓહિયો, મિશિગન, મેન અને આયોવા જેવા મહત્વના સેનેટ બેટલગ્રાઉન્ડ્સ (સ્વિંગ સ્ટેટ્સ)માં પણ ડેમોક્રેટિક ઉમેદવારો મજબૂત સ્થિતિમાં આગળ વધી રહ્યા છે.

ઐતિહાસિક ટ્રેન્ડ અને નિર્ણાયક ચૂંટણી મુદ્દાઓ

ઐતિહાસિક રીતે વ્હાઈટ હાઉસ પર સત્તારુઢ પાર્ટી મિડટર્મ ચૂંટણીમાં બેઠકો ગુમાવતી આવી છે. દસ્તાવેજી આંકડા મુજબ છેલ્લા 80 વર્ષની 20 મિડટર્મ ચૂંટણીઓમાંથી 18 વખત સત્તાધારી પક્ષને બેઠકોનું નુકસાન વેઠવું પડ્યું છે. આ સિવાય ચૂંટણીના પરિણામોને અસર કરતા મુખ્ય કારણો પરિણામો જોઈએ તો-

આર્થિક સ્થિતિ અને મોંઘવારી: દેશમાં સતત વધી રહેલી મોંઘવારી, ટેરિફ નીતિઓ અને આર્થિક અનિશ્ચિતતા સામે સામાન્ય જનતામાં અસંતોષ છે.

ઈરાન યુદ્ધની અસર: ઈરાન સંઘર્ષના કારણે સ્થાનિક અર્થતંત્ર અને ઇંધણના ભાવ પર પડેલી વિપરીત અસર પણ મહત્વનો મુદ્દો બની છે.

ટ્રમ્પનું રેટિંગ અને વોટિંગ ટ્રેન્ડ: રાષ્ટ્રપતિ ટ્રમ્પનું લોકપ્રિયતા રેટિંગ ઘટતાં આશરે 37 ટકા આસપાસ પહોંચી ગયું છે. આ સિવાય ચૂંટણીના 5 દિવસ પહેલાં જ 4.3 કરોડથી વધુ લોકોએ કરી દીધેલું ભારે 'અર્લી વોટિંગ' પણ ડેમોક્રેટ્સના પક્ષમાં જતું હોવાનું વિશ્લેષકોનું માનવું છે.

ભારતીય-અમેરિકન ઉમેદવારોનું વર્ચસ્વ

2026ની આ ચૂંટણીઓ ભારતીય-અમેરિકન સમુદાય માટે પણ ઐતિહાસિક સાબિત થઈ રહી છે. યુએસ કોંગ્રેસમાં પ્રભાવ ધરાવતા ભારતીય મૂળના અનેક અગ્રણી ચહેરાઓ આ ચૂંટણી જંગમાં પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે.

રી-ઈલેક્શન લડી રહેલા સાંસદો: ડેમોક્રેટિક સાંસદ રો ખન્ના, પ્રમિલા જયપાલ, અમી બેરા અને સુહાસ સુબ્રમણ્યમ પોતપોતાની બેઠકો પરથી ફરી ચૂંટણી લડી રહ્યા છે.

હાઈ-પ્રોફાઈલ ચહેરો: વિવેક રામાસ્વામી આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા ભારતીય મૂળના ઉમેદવાર તરીકે ઊભરી આવ્યા છે.

અન્ય મહત્વના ઉમેદવારો: અમિશ શાહ (એરિઝોના હાઉસ), પિયા દાંડિયા (ફ્લોરિડા હાઉસ), સારિથા કોમાતિરેડ્ડી (ન્યૂયોર્ક એટોર્ની જનરલ), નિત્યા રમન (લોસ એન્જિલસ મેયર) તેમજ પૂજા સેઠી અને સંદીપ શ્રીવાસ્તવ (ટેક્સાસ સ્ટેટ એસેમ્બલી) પણ પોતપોતાના ક્ષેત્રોમાં મજબૂત દાવેદારી નોંધાવી રહ્યા છે.

આ મિડટર્મ ચૂંટણીના પરિણામો યુએસ રાજકારણની આગામી દિશા સ્પષ્ટ કરશે. જો ડેમોક્રેટ્સ હાઉસ અથવા સેનેટમાંથી કોઈ એક ગૃહમાં પણ બહુમતી મેળવવામાં સફળ રહે છે, તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે તેમના બાકીના બે વર્ષના કાર્યકાળ દરમિયાન મહત્વના બિલો પસાર કરાવવા અને પોતાની નીતિઓ લાગુ કરવી અત્યંત પડકારજનક બની રહેશે.