Donald Trump Russia Diesel Deal: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ડીઝલ આયાત કરવાના પોતાના નિર્ણયનો જોરદાર બચાવ કર્યો છે. રશિયા સાથે કરવામાં આવેલા આ મહત્ત્વપૂર્ણ તેલ સોદાની અમેરિકાના રાજકીય વર્તુળોમાં ભારે ટીકા થઈ રહી છે. નોંધનીય બાબત એ છે કે ટ્રમ્પની પોતાની 'રિપબ્લિકન પાર્ટી'ના કાયદા ઘડનારાઓએ પણ આ નિર્ણયનો તીવ્ર વિરોધ નોંધાવ્યો છે અને તેને યુએસ કાયદાનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે.
પોતાની જ પાર્ટીના નેતાઓનો વિરોધ
ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષોના કાયદા ઘડનારાઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રશિયા પાસેથી તેલ કે ડીઝલની આયાત કરવી એ હાલના અમેરિકન કાયદાઓનો ભંગ છે. યુક્રેન સામે રશિયાના લશ્કરી અભિયાનને કારણે યુએસ સરકારે રશિયન તેલના વેપાર પર કડક પ્રતિબંધો લાદેલા છે. કાયદા નિર્માતાઓના મતે, જ્યાં સુધી રશિયા યુક્રેન પરનું આક્રમણ સંપૂર્ણપણે બંધ ન કરે, ત્યાં સુધી આ પ્રકારની આયાત ગેરકાયદેસર અને અસ્વીકાર્ય ગણાય.
ટ્રમ્પે બચાવમાં શું દલીલ કરી?
વિરોધના વંટોળ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને પોતાના નિર્ણય વ્યાજબી ઠેરવ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, 3 નવેમ્બરના રોજ યોજાનારી આગામી મધ્યસત્ર ચૂંટણીઓ પહેલાં દેશમાં બળતણના ઊંચા ભાવ રિપબ્લિકન પાર્ટી માટે રાજકીય રીતે મોટો ખતરો બની રહ્યા હતા. આ ભાવ ઘટાડવા માટે જ તેમણે આ આયાતને સત્તાવાર મંજૂરી આપી હતી. તેમજ ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે તેમણે અમેરિકન જનતાના હિતમાં યોગ્ય નિર્ણય લીધો છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે તેમના માટે હંમેશા "અમેરિકા પ્રથમ" જ રહેશે અને નાગરિકોને મોંઘા ઈંધણથી રાહત આપવી તેમની પ્રાથમિકતા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે આ સોદાને લઈને ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફ યુએસ રશિયા પર આર્થિક પ્રતિબંધો મજબૂત કરવાની વાત કરે છે અને બીજી તરફ આ આયાતથી વિરોધાભાષી સ્થિતિ સર્જાઈ છે.
સમાચાર એજન્સી રોઇટર્સના ઇનપુટ્સ સાથે
