અમેરિકામાં ગેરકાયદે પ્રવાસીઓ સામે કડક કાર્યવાહી; વર્ષ 2023 થી અત્યાર સુધીમાં 1,389 ભારતીય બાળકો અટકાયતમાં, ડિપોર્ટેશનના ડરથી ગુજરાતી યુવાનો ભૂગર્ભમાં

જોકે, આ બાળકોને હજુ સુધી ભારત પરત મોકલવામાં આવ્યા નથી. બીજી તરફ, પ્રવાસીઓ સામેની સતત કડકાઈને કારણે અમેરિકામાં એકલા મળી આવતા ભારતીય બાળકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 23 Nov 2026 10:34 AM (IST)Updated: Mon, 23 Nov 2026 10:34 AM (IST)
us-illegal-immigration-crackdown-1389-indian-children-detained-since-2023-gujarati-youth-fear-deportation-gujarati-news
અમેરિકામાં ગેરકાયદે પ્રવાસીઓ 

US Illegal Immigration Crackdown: અમેરિકામાં ગેરકાયદેસર પ્રવાસીઓ (Illegal Immigrants) વિરુદ્ધ ચાલી રહેલા કડક અભિયાન હેઠળ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અમેરિકી નાણાકીય વર્ષ 2023 થી અત્યાર સુધીમાં કોઈપણ વાલી વિના એકલા અમેરિકા પહોંચેલા 1,389 ભારતીય બાળકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. જોકે, આ બાળકોને હજુ સુધી ભારત પરત મોકલવામાં આવ્યા નથી. બીજી તરફ, પ્રવાસીઓ સામેની સતત કડકાઈને કારણે અમેરિકામાં એકલા મળી આવતા ભારતીય બાળકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.

અમેરિકામાં એકલા પકડાતા ભારતીય બાળકોની સંખ્યામાં ભારે ઘટાડો

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) ના આંકડા મુજબ, અમેરિકી નાણાકીય વર્ષ 2023 માં વાલી વિનાના 730 ભારતીય બાળકો મળી આવ્યા હતા, જે નાણાકીય વર્ષ 2024 માં ઘટીને 517, વર્ષ 2025 માં 91 અને વર્ષ 2026 માં માત્ર 51 રહી ગયા હતા. જ્યારે નાણાકીય વર્ષ 2027 ના પ્રથમ મહિના એટલે કે ઓક્ટોબર 2026 માં આવા માત્ર 2 બાળકો જ મળી આવ્યા છે.

વૈશ્વિક સ્તરે પણ આ જ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકી અધિકારીઓએ વર્ષ 2024 માં વિવિધ દેશોના કુલ 1.1 લાખ એકલા બાળકો નોંધ્યા હતા, જે વર્ષ 2025 માં ઘટીને 29,584 અને વર્ષ 2026 માં 9,190 રહી ગયા હતા. ઓક્ટોબર 2026 માં કુલ 722 બાળકો વાલી વિના મળી આવ્યા હતા.

'ગ્રીન કાર્ડ બ્રિંગર્સ'ના ચલણ પર લાગી લગામ

અમેરિકાના ઇમિગ્રેશન નેટવર્ક સાથે જોડાયેલા નિષ્ણાતોના મતે, આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ કાયદાઓનું કડક પાલન અને પકડાયેલા લોકોને ઝડપથી પરત મોકલવાની નીતિ છે. અગાઉ કથિત રીતે સગીર બાળકોનો ઉપયોગ 'ગ્રીન કાર્ડ બ્રિંગર્સ' (Green Card Bringers) તરીકે કરવામાં આવતો હતો, જેથી માતા-પિતા કે સંબંધીઓને અમેરિકામાં કાયદેસરનો દરજ્જો મળવાની શક્યતા મજબૂત બને. પરંતુ હવે પકડાતાની સાથે જ તાત્કાલિક ડિપોર્ટ કરી દેવાના ડરથી આ ચલણમાં મોટો ઘટાડો થયો છે.

ડિપોર્ટેશનના ડરથી ગુજરાતી યુવાનો કોર્ટ સુનાવણીમાં જવાનું ટાળી રહ્યા છે

બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે વર્ષ 2012 માં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતના કડીના એક વેપારીએ વ્યથા ઠાલવતા જણાવ્યું કે, તેમનો 17 વર્ષીય પુત્ર જે 12 વર્ષની ઉંમરથી ટેક્સાસમાં રહે છે, તે હવે પોતાની શરણ (Asylum) સંબંધિત અદાલતી સુનાવણીમાં હાજર રહેવાથી ડરી રહ્યો છે. વેપારીના જણાવ્યા મુજબ, પુત્રને ભય છે કે જો તે કોર્ટમાં જશે તો તેને પકડીને ભારત પરત મોકલી દેવામાં આવશે. હાલ તે છુપાઈને એક ગેસ સ્ટેશન પર કામ કરી રહ્યો છે અને એક ધાર્મિક સંપ્રદાયના સભ્યો સાથે રહે છે.

ગેરકાયદે પ્રવેશના મામલે ભારત હજુ પણ ત્રીજા સ્થાને

આ ઘટાડા છતાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરનારા ટોચના દેશોના નાગરિકોમાં ભારતીયો હજુ પણ સામેલ છે. નાણાકીય વર્ષ 2026 માં અમેરિકી અધિકારીઓએ ભારતીય નાગરિકો સાથે જોડાયેલા 30,528 કેસ નોંધ્યા હતા, જેના કારણે મેક્સિકો અને કેનેડા બાદ 21 દેશોની યાદીમાં ભારત ત્રીજા સ્થાને રહ્યું છે.