US-Iran conflict and Ceasefire: પશ્ચિમ એશિયામાં છેલ્લા લગભગ ત્રણ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટોમાં સકારાત્મક પ્રગતિ જોવા મળી છે. બંને દેશો વચ્ચે 60 દિવસના યુદ્ધવિરામ (Ceasefire) અને પરમાણુ કાર્યક્રમ અંગે સહમતી સધાઈ રહી હોવાના સ્પષ્ટ સંકેત મળ્યા છે.
હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યું, પ્રતિબંધોમાં છૂટછાટ મળશે?
આ પ્રસ્તાવિત કરારમાં હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ધીમે-ધીમે ફરીથી ખોલવાની યોજના સામેલ હોઈ શકે છે. IRGC નેવીના દાવા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન 25 માલવાહક જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.
બીજી તરફ, અમેરિકા દ્વારા ઈરાની બંદરો પર લગાવેલા પ્રતિબંધોમાં છૂટછાટ આપવા અને કેટલાક આર્થિક પ્રતિબંધો હળવા કરવાના વિકલ્પો પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ઈરાનના સમૃદ્ધ યુરેનિયમ ભંડારને ઘટાડવા અથવા તેને અન્ય સ્થળે ખસેડવા પર પણ ગંભીર ચર્ચા ચાલી રહી છે.
પાકિસ્તાનની મધ્યસ્થી અને વાટાઘાટોની સ્થિતિ
આ શાંતિ વાટાઘાટોમાં પાકિસ્તાન મધ્યસ્થીની મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, ટોચના વાટાઘાટકાર મોહમ્મદ બાકર ગલીબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે મુલાકાત કરી હતી.
પાકિસ્તાની સેના અને ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ પુષ્ટિ કરી છે કે, છેલ્લા 24 કલાકની વાતચીતમાં પ્રોત્સાહક પ્રગતિ થઈ છે અને બંને પક્ષો વચ્ચેના મતભેદો ઘટ્યા છે. અહેવાલ મુજબ, આ વાટાઘાટોનું મુખ્ય કેન્દ્ર ઈરાન દ્વારા પ્રસ્તાવિત 14 મુદ્દાઓનો દસ્તાવેજ છે.
આ પણ વાંચો: શું ટ્રમ્પ તેમના પુત્રના લગ્નમાં હાજરી નહીં આપે? પત્રકારોને કહ્યું કે - "આ યોગ્ય સમય નથી."
અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયોનું મોટું નિવેદન
ભારતની મુલાકાતે આવેલા અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, કૂટનીતિક પ્રયાસો સતત ચાલુ છે અને વાટાઘાટો સકારાત્મક છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આજે નહીં તો આવતીકાલે ઈરાન આ સમજૂતી સ્વીકારી લેશે અને આગામી થોડા દિવસોમાં આ મુદ્દે કોઈ મોટી જાહેરાત થઈ શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પના હુમલાની આશંકા હજુ પણ યથાવત
આટલી સકારાત્મક પ્રગતિ છતાં, ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ અમેરિકા દ્વારા ઈરાન પર નવા હુમલાની આશંકા હજુ સંપૂર્ણપણે ખતમ થઈ નથી. એવી અટકળો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગમે ત્યારે હુમલાનો આદેશ આપી શકે છે; જેના માટે તેમણે પોતાની વીકએન્ડની રજાઓ રદ કરી છે અને પોતાના પુત્રના લગ્નમાં જવાનો પણ ઇનકાર કરી દીધો છે. યુદ્ધની આ દહેશત વચ્ચે ઈરાને પણ સાવચેતીના પગલારૂપે પોતાનો એરસ્પેસ બંધ કરી દીધો છે. જોકે, તેહરાન હાલમાં એક સમજૂતી ડ્રાફ્ટ (MoU) ને અંતિમ સ્વરૂપ આપવા પર કામ કરી રહ્યું છે.
